સરસત કાંઠે શોભતું, ધરા વરાણા ધામ; ખમકારા ખોડલ કરે, નવખંડે છે નામ.

વઢિયારની ધીંગી ધરામાં બિરાજમાન ચારણ જગદંબા ખોડિયાર માતાજી મંદિર ખોડિયાર ધામ વરાણા ખાતે ચારણ સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. વઢિયારની ધરામાં અઢારે વરણના આસ્થાના કેન્દ્ર સમા ખોડિયાર મંદિર ખાતે શ્રી ખોડિયાર ચારણ મંડળ દ્વારા દર વર્ષે નવા વર્ષનું સ્નેહમિલન યોજાય છે..ચારણો સરસ્વતી પુત્રો છે. તેમની જિહ્વાગ્રે મા સરસ્વતી બિરાજે છે. કવિતા એ ચારણોનો વ્યવસાય નહિ પણ સંસ્કાર છે. ચારણોને લોકહૈયાની યુનિવર્સિટીએ ‘કવિરાજ’ પદવી આપી છે. વેદોથી લઈ પુરાણો, રામાયણ, ભાગવત અને તમામ શાસ્ત્રોમાં ચારણોનો ઉલ્લેખ જોવા મળે છે. ચારણ સમાજમાં નવલાખ માતાજીઓએ જન્મ ધારણ કર્યો છે એટલે જ ચારણોને દેવીપુત્ર તરીકે પણ નવાજવામાં આવે છે. ખોડિયાર માતાજીના સાનિધ્યમાં યોજાયેલા સ્નેહમિલનમાં સમાજના સમૂહલગ્ન, સાંસ્કૃતિક વારસો શિક્ષણ અને સ્પર્ધાત્મક પરીક્ષા બાબતે વિવિધ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સ્નેહમિલનમાં કનુભાઈ ગઢવી, લાભુદાન ગઢવી, અભેસિંહ ગઢવી, લોકસાહિત્યકાર ભગવતદાન રોહડિયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. આ પ્રસંગે ખોડિયાર ચારણ મંડળના ટ્રસ્ટીઓ જતીનભાઈ , જબરદાન, વિરદાનભાઈ, સમરતદાન, ભગવતદાન, કટુદાન,લાભુદાન સહિત વઢિયાર, ખારાપાટ તથા થરાદરીમાંથી મોટી સંખ્યામાં ચારણોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…
