રાજ્યના બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૧૫૬ શિક્ષણ સહાયકોને પૂરા પગારના હુકમ એનાયત
આજે ગાંધીનગર ખાતે રાજ્યના બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના ૨૧૫૬ શિક્ષણ સહાયકો પૈકી પાંચ શિક્ષણ સહાયકોને પ્રતિકાત્મક રૂપે શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે પૂરા પગારના હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરનાર શિક્ષણ સહાયકોને અભિનંદન પાઠવતા કહ્યું કે, જે મહિનામાં શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થાય કે તૂરંત જ તેમને પૂરા પગારમાં સમાવવામાં આવે છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્યના કર્મચારીઓને સેવા વિષયક લાભો સમયસર મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર કટિબદ્ધ છે. શિક્ષણમંત્રીશ્રીએ પૂરા પગારમાં નિમણૂક પામનારા શિક્ષણ સહાયકોને પુરા ખંતથી, નવી શિક્ષણનીતિ થકી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નના ભારતના ઘડવૈયા બનવા આહવાન કર્યું હતુ. માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ક્ષેત્રે રાજ્યના યુવાઓને કારકિર્દી માટે રોજગારીની વિપુલ તકો પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત શિક્ષણ સહાયકોની સમયાનુસાર ભરતી કરવામાં આવે છે. રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ડિસેમ્બર-૨૦૧૬માં નિમણૂંક પામેલ ૨૧૫૬ શિક્ષણ સહાયકોના પાંચ વર્ષ પૂર્ણ થતા તેમના પુરા પગારના હુકમ કરવામાં આવ્યા છે. રાજ્યના જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારીના હસ્તે પાંચ વર્ષ પૂર્ણ કરનારા શિક્ષણ સહાયકોને પૂર્ણ પગારના હુકમો અપાશે. આ કાર્યક્રમમાં કમિશનર શાળાઓની કચેરીના કમિશનર શ્રી શાલિની દુહાન, સંયુક્ત શિક્ષણ નિયામક શ્રી એચ.એન. ચાવડા, ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરત વાઢેર સહિત શિક્ષણ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


