તા.૨૦મી માર્ચે ડાંગ જિલ્લાના નાની ઝાડદર ગામે યોજાશે

‘ડાંગ પ્રયાગ હનુમાન યાગ’ ચતુર્થ પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ

દંડકારણ્યની પાવન ધરા ઉપર વર્ષોથી ચાલતા, આદિવાસી સમાજની આરોગ્ય સુશ્રુષાના એક સેવાયજ્ઞ દરમિયાન, અંતરિયાળ વિસ્તારના એક ગામથી બીજે ગામ પસાર થતી વેળા એક ગામની સીમમા, ખુલ્લા આકાશ નીચે, એક વૃક્ષના ટેકે ટકેલી હનુમાનજીની મુર્તિની દુર્દશા જોઈને, કારમા બેઠેલી બે વ્યક્તિઓના હ્રદય એક સાથે દ્રવી ઉઠ્યા.

        પોતાના ઈસ્ટદેવની આવી દશા જોઈને દ્રવિત થઇ  ઉઠેલી આ વ્યક્તિઓએ ભારે હ્રદયે આ બાબતે પરસ્પર ચર્ચા કરી, ત્યારે ખબર પડી કે દંડકારણ્ય એટ્લે કે આજના ડાંગ પ્રદેશમા ગામે ગામ આ જ સ્થિતિ છે. ઘણુ કરવુ છે, થઈ શકે એમ છે, પણ કરે કોણ ? અને સહયોગ ક્યાથી મળે ?

        કારમા બેઠેલા સેવાના ભેખધારી અને ડાયમંડ સિટી સુરતના શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના સ્થાપક, તથા જેમને ગત વર્ષે જ ‘ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી એવોર્ડ’ પ્રાપ્ત થયો છે તેવા ડાયમંડ ટાયકુન, હીરા ઉત્પાદન અને આયાત નિર્યાત કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ પ્રા.લી.ના સ્થાપક ચેરમેન શ્રી ગોવિંદભાઇ ધોળકિયાએ, પાસે બેઠેલા ભગવાધારી સંત શ્રી પી.પી.સ્વામીજીને નમ્ર ભાવે, પ્રભુ શ્રી રામ અને તેમના પરિવારના રખોપા કરનારા બાળભ્રહમચારી શ્રી હનુમાનજીની મુર્તિ, અને તેમની માન મર્યાદાના રખોપાની વિનંતી કરી. બન્ને પરોપકારી જીવો ખૂબ રાજી થયા, અને અહી જ ચાલુ ગાડીએ ડાંગના ૩૧૧ ગામોમા શ્રી હનુમાન મંદિરોના નિર્માણયજ્ઞના વિચારબિજનુ વાવેતર થયુ.

        સમયનુ ચક્ર તેજ ગતિએ ફરતુ ગયુ. સેવાના ભેખધારીઓના મનમા રોપાયેલા વિચારબીજને અંકુર ફૂટયા. સમયે સમયે પ્રસ્વેદ, પરિશ્રમ અને સહયોગીઓના સહયોગના ખાતર પાણી મળતા રહ્યા. જોત જોતામા એક, બે નહી પણ ત્રણ ત્રણ તબક્કે નવનિર્મિત હનુમાનજી મંદિરોના પ્રાણપ્રતિસ્ઠાના કાર્યક્રમો યોજાઇ પણ ગયા, અને હવે યોજાવા જઇ રહ્યો છે ‘ડાંગ પ્રયાગ, હનુમાનયાગ ; ચતુર્થ પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ’

        હા, ચોથો પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ. આ અગાઉ યોજાઇ ગયેલા ત્રણ ત્રણ પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવો દરમિયાન ડાંગ જિલ્લાના કુલ ૩૧૧ ગામો પૈકી, મોટી દભાસ, વાંકી, આંબળ્યા, મોહપાડા, પીપલપાડા, ચિંચલી, ઉખાટિયા, બોરીગાવઠા, જાખાના, સીનબંધ, ધૂમખલ, કોટમદર, વનાર, ઘોઘલી, ઉમર્યા, મેહરાઈચોંડ, મુરમ્બી, કાસવદહાડ, સુંદા, ખાપરી, ગોળસ્ટા મળી કુલ ૨૧ હનુમાન મંદિરોની પ્રાણપ્રતિસ્ઠા થઈ ચૂકી છે. જ્યારે ચોથા તબક્કે એક સાથે ૧૪ મંદિરો જિલ્લાના પૂર્વપટ્ટીના ગામોમા પીપલદહાડ, બહેડુન, ગરૂડિયા, કેળ, ભોંડવિહિર, ખાંભલા, બીબુપાડા, શેપુઆંબા, પાંઢરપાડા, નાની ઝાડદર, મોટી ઝાડદર, શિવબારા, બરડા, અને સાવરખલ ખાતે થવા જઇ રહી છે.

        સાથે પાંચમા તબક્કાના ભાવિ કાર્યક્રમમા બીજા ૧૧ ગામો સુસરદા, સાકરપાતળ, સાદડમાળ, ધાંગડી, ચિંચોડ, ચિખલ્દા, કુમારબંધ, નાની દાબદર, મોટી દાબદર, વાઘમાળ, અને કુંડા ગામોનો કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે. જ્યારે છ્ટ્ઠા તબક્કાના કાર્યક્રમ માટે નિયત ગામોમા મંદિરોનુ નિર્માણકરી હાથ ધરવામા આવ્યુ છે.

        આ ચતુર્થ પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ તા.૨૦/૩/૨૦૨૨ ને રવિવારના રોજ સવારે ૧૦ થી બપોરના ૧ વાગ્યા દરમિયાન સુબીર તાલુકાના નાની ઝાડદર ગામે યોજાનાર છે. જેમા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના ટ્રસ્ટના કોષાધ્યક્ષ શ્રી ગોવિંદદેવગીરી મહારાજ આશીર્વાદ સાથે મંદિરોનુ લોકાર્પણ કરશે. આ વેળા ચતુર્થ પ્રાણ પ્રતિસ્ઠાના દાતાશ્રીઑ દ્વારા દીપ પ્રાગટ્ય કરાશે. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગીતા પ્રેસ-ગોરખપુરના ટ્રસ્ટી શ્રી દેવીદયાળજી અગ્રવાલ, ઉદ્ઘાટક તરીકે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવીત, તથા મુખ્ય મહેમાન તરીકે ગીતા પ્રેસ-ગોરખપુરના ટ્રસ્ટી શ્રી મુરલીજી સરાફ, ડોનેટ લાઈફ-સુરતના પ્રમુખ શ્રી નિલેષભાઈ માંડલેવાલા, છાંયડો સંસ્થા-સુરતના પ્રમુખ શ્રી ભરતભાઇ શાહ, તથા ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે.

        કાર્યક્રમના પ્રેરણામુર્તિ પ્રયોશા પ્રતિસ્ઠાનના સંસ્થાપક શ્રી પી.પી.સ્વામીજી, અને સંકલ્પકર્તા શ્રી ગોવિંદભાઇ ધોળકિયા સહિત સર્વશ્રી અરજણભાઇ ધોળકિયા, રાહુલભાઈ ધોળકિયા, દિનેશભાઇ નારોલા, અને જયંતિભાઈ નારોલા મહાનુભાવોને આવકારશે.

        શ્રી હનુમાનજી મંદિરના નિર્માણ સાથે ગ્રામીણજનોમા રહેલા વ્યસન સહિતના દૂષણને નેસ્તનાબૂદ કરવા સાથે તેમનામા પ્રેમ, કરુણા, એકતા, અને ભાઈચારા સાથે સંપની ભાવના કેળવાઈ તેવો પણ એક આશય રહેલો છે, તેમ જણાવતા પ્રયોશા પ્રતિસ્ઠાનના સંસ્થાપક શ્રી પી.પી.સ્વામીજી,  ભક્તિ-સેવા-અને નામસ્મરણ સાથે ગ્રામીણ યુવાનોને રચનાત્મક માર્ગે વાળવાના પ્રયાસો પણ હાથ ધરાયા છે તેમ જણાવ્યુ હતુ.

        ડાંગના લગભગ સવા બે લાખ લોકોમા સામાજિક ચેતના જગાવવા સાથે પ્રભુ શ્રી રામના ચરણરજથી પાવન થયેલી દંડકારણ્યની પાવન ભૂમિ ઉપર આકાર લઈ રહેલા આ હનુમાનજીના મંદિરોમા વર્ષ દરમિયાન પ્રાણ પ્રતિસ્ઠા મહોત્સવ સહિત કાળીચૌદશ અને હનુમાન જયંતિ જેવા કાર્યક્રમોનુ પણ સુપેરે આયોજન કરવામા આવી રહ્યુ છે, તેમ જણાવતા સ્વામીજીએ, મંદિર નિર્માણ કાર્યના અંદાજિત દસેક લાખના ખર્ચ સામે રૂ.૨૧ હજારનો ફાળો ગ્રામજનોનો હોય તેવો આગ્રહ રાખવામા આવે છે, તેમ જણાવ્યુ હતુ. ફાળો લેવા પાછળ ગ્રામીણજનોની આસ્થા અને તેઓ પણ આ યજ્ઞકાર્યમા સહયોગી થયા છે તેવી તેમની ભાવના બળવત્તર થાય તે છે તેમ ઉમેર્યું હતું.

        મંદિરના માધ્યમથી સ્થાનિક જરૂરિયાતોની આપૂર્તિનો પણ સંકલ્પ પૂર્ણ કરવામા આવી રહ્યો છે તેમ જણાવતા સ્વામીજી, ગામમાથી મળેલા રૂ.૨૧ હજારની ફાળાની રકમમા, ચાર હજાર રૂપિયા ઉમેરી રૂ.૨૫ હજારની રકમ મંદિરના સંચાલકોને રીવોલ્વીંગ ફંડ તરીકે આપવામા આવે છે. જે રકમ જરૂરિયાતના સમયે ગ્રામજનોને સંકટ સમયની સાંકળ તરીકે ખપમા આવે છે તેમ જણાવ્યુ હતુ.

        ગ્રામ્ય સમાજને આત્મનિર્ભરતા તરફ દોરી જતા કાર્યો જેવા કે, ગામમા કોઈને ત્યાં નાનામોટા પ્રસંગો હોય ત્યારે વાસણ, મંડપ, ખુરશી, ડી.જે., જેવા સાધનો ટોકન ભાવે મંદિરના સંચાલકો પૂરા પાડે છે, તો કોઈક પરિવારને અડધી રાતે દવાખાના માટે કે, કોઈ યુવક/યુવતીઓને ઇન્ટરવ્યુ/પરીક્ષા આપવા જવા માટે નાણાંભીડ હોય તો આ ભંડોળમાથી તેને આર્થિક મદદ મળી રહે છે. કોઈ ખેડૂતને ઇમરજન્સીમા ખાતરપાણી માટે જરૂર પડે તો તે પણ અહીથી મદદ લઈ શકે છે.

        આ આર્થિક મદદ પાછી ભરપાઈ કરવી જ તેવુ પણ જરૂરી નથી, તેમ જણાવતા સ્વામીજીએ કહ્યુ હતુ કે, મદદ મેળવનાર વ્યક્તિ સ્વેછાએ, જ્યારે એનો હાથ છૂટો થાય ત્યારે તેની મદદ વાળી શકે છે,

        સામાજિક ચેતના જગવતા આ યજ્ઞકાર્યની સફળતાની ચર્ચા કરતા સ્વામીજી જણાવ્યુ હતુ કે, નાની ઝાડદર ગામે તો ગ્રામજનો એ સ્વયં દેશીદારૂ બનાવતા જો કોઈ માલૂમ પડે, તો રૂ.૧૦ હજારનો દંડ જાહેર કર્યો છે. જેનાથી ગામમા આવી પ્રવૃતિ સદંતર બંધ થઈ ગઈ હોવાનુ જણાવ્યુ હતુ. તો યુવાનોને સાચી દિશા ચીંધી શકાય તે માટે જિલ્લાની ગ્રામ પંચાયતો દીઠ મંદિરની સાથે એક એક કૉમ્યુનિટી હોલનો પ્રોજેકટ પણ વિચારાધીન છે તેમ જણાવતા સ્વામીજીએ, આ કૉમ્યુનિટી હોલના માધ્યમથી ગામના યુવાનો માટે વાંચનાલય, કોમ્પુટર શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ ક્લાસ જેવી બહુઉપયોગી પ્રવૃત્તિઓ હાથ ધરવા તરફ આગળ વધી રહ્યા છે તેમ ઉમેર્યું હતુ.

        સને ૨૦૧૮મા યોજાયેલા ૬ મંદિરોના પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવમા પૂ.મોરારી બાપુ, સને ૨૦૧૯ના ૧૧ મંદિરોના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમા પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજ તથા ૪ મંદિરોના પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવમા પૂ.શ્રી રમેશભાઈ ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ બે વર્ષ કોરોના કાળ, અને હવે સને ૨૦૨૨મા ૧૪ મંદિરોનો પ્રાણપ્રતિસ્ઠા મહોત્સવ યોજવા જઇ રહ્યો છે. જેમા સૌ ભાવિકભકતોને પધારવા માટે સંસ્થાનુ સ્નેહસભર નિમંત્રણ છે, તેમ શ્રી પી.પી.સ્વામીજી વાતને વિરામ આપતા જણાવ્યુ હતુ.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM