સત્કાર્યો કરીને લાલ પરિવાર ધરતી માતાનું ૠણ ચૂકવે છે : પૂ.મહંત શ્રી દેવપ્રસાદજી

શહેરમાં એચ.જે.લાલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ મા.શ્રી સી.આર.પાટીલના જન્મદિવસથી ૩૦ નેત્રયજ્ઞોની – શ્રૃંખલાનો શુભારંભ

જામનગર શહેરના જુદા–જુદા ૩૦ વિસ્તારોમાં નેત્રયજ્ઞનું આયોજન શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં નાગરિકોની આંખ તપાસી નંબર કાઢી આપવાની સાથે નંબરવાળા ચશ્માનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. ત્રીસ નેત્રયજ્ઞની શ્રૃંખલાનો શુભારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ મા.શ્રી સી.આર.પાટીલ સાહેબના જન્મદિવસ તા.૧૬ માર્ચથી શહેરના આણદાબાવા પટાંગણમાં આયોજીત સમારોહ તથા નેત્રયજ્ઞથી કરવામાં આવ્યો હતો. આ અવસરે આર્શિવચન આપતાં આણદાબાવા આશ્રમના પૂ.મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજે જણાવ્યું હતું કે, માનવદેહ કુદરતે આપ્યો છે તેમ આંખ પણ કુદરતની ભેટ છે. આ આંખોને નવી દ્રષ્ટિ આપવા જેવા સત્કાર્યોનું કાર્ય લાલ પરિવાર અને તેના ટ્રસ્ટો દ્વારા કરવામાં આવ્યું છે. આ શુભકાર્યનો શુભારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના જન્મદિવસથી અમારી સંસ્થાના આંગણે કરવામાં આવ્યો છે તેમ આ શ્રૃંખલાનો અંતીમ કેમ્પનું આયોજન પણ અહિં જ કરવામાં આવે તેવી લાગણી તેઓએ વ્યકત કરી હતી. તેઓએ વધુમાં કહયું હતું કે, ધરતીમાતાનું ૠણ ચૂકવવા માટે માનવીએ યથાશકિત સત્કાર્ય કરવા જોઈએ. આ રીતે ધરતીમાતાનું ૠણ ચૂકવવા લાલ પરિવાર તેમના પારિવારીક ટ્રસ્ટો દ્વારા વિવિધ સેવા પ્રવૃતિ કરી રહયું છે. આણદાબાવા આશ્રમના વિવિધ સેવા પ્રવૃતિના અનુભવ અંગે બોલતાં પૂ.શ્રી દેવપ્રસાદજી મહારાજે કહયું હતું કે, આપણું શહેર સદનશીબ છે કે અહિંના નાગરિકો, નેતાઓ અને તબીબો સેવાભાવ સાથે કાર્યરત રહે છે સાથે જ તેઓએ સૌને વધુ સક્રિય થવાની જરૂરીયાત પર ભાર મુકયો હતો. શહેરના મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ પ્રાસંગીક ઉદબોધન આપતાં કહયું હતું કે, શહેરમાં ત્રીસ સ્થાનો પર આંખના કેમ્પ કરી નંબરવાળા ચશ્મા વિનામૂલ્યે આપવાના કાર્ય પ્રશંસનીય છે. લાલ પરિવારે આજે આ સેવાયજ્ઞથી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો જન્મદિવસ ઉજવ્યો છે. તેઓએ વધુ સારા પ્રજાલક્ષી કાર્યો કરવા માટે લાલ પરિવારને શુભેચ્છા પાઠવી હતી શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિમલભાઈ કગથરાએ પ્રવચન આપતાં કહયું હતું કે, શહેર ભાજપ ઉપરાંત લાલ પરિવારે પણ આજે નેત્રયજ્ઞ જેવી સેવાપ્રવૃતિ સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મ દિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે. આજથી આવા ૩૦ આંખ કેમ્પ શહેરભરના જુદા–જુદા વિસ્તારોમાં કરવાનું કાર્ય અભિનંદનીય છે. લાલ પરિવાર દ્વારા શહેરમાં અનેકવિધ સેવા કાર્યો સતત થતાં રહે છે જેનો લાભ અનેક જરૂરીયાતમંદોને મળી રહયો છે. મહાપાલીકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ મનિષભાઈ કટારીયાએ નેત્રયજ્ઞની શ્રૃંખલાના શુભારંભ અંગે શુભેચ્છા પાઠવતાં કહયું હતું કે, શહેરના રતનબાઈ મસ્જીદ પાસેની સીટી ડીસ્પેન્સરીવાળી જગ્યા પર કેદાર લાલ સીટી ડિસ્પેન્સરી નામથી નવી આધુનિક અને સુવિધાપૂર્ણ ઈમારતનું નિર્માણ પણ લાલ પરિવાર દ્વારા કરી આપવામાં આવ્યું છે જે ખરેખર લોકસેવાનું નોંધનીય કાર્ય છે. સમારોહના પ્રારંભે સ્વાગત પ્રવચન કરતાં શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશનના ટ્રસ્ટી જીતુભાઈ લાલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના જન્મદિવસથી શરૂ કરાયેલી ૩૦ નેત્રયજ્ઞોની શ્રૃંખલામાં શહેરના જુદા–જુદા વિસ્તારોમાં નિ–રવિવારના દિવસોમાં નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આર્શિવચન આપવા પધારેલા આણદાબાવા આશ્રમના પૂ.મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજની ટકોરનો ઉલ્લેખ કરતાં જીતુભાઈ લાલે કહયું હતું કે આવનારા દિવસોમાં ૧૦૦–ર૦૦ જેટલા સર્વજ્ઞાતિય સમૂહ લગ્ન અમારા પરિવારની બન્ને સંસ્થાઓ દ્વારા કરવામાં આવનાર છે. પૂ.દેવપ્રસાદજી મહારાજના આર્શિવાદથી આ દિશામાં કાયમી આયોજન કરવાની ઈચ્છા પણ અશોકભાઈ લાલ દર્શાવી ચૂકયા છે. જે મુજબ અમારા માતુશ્રી મંજુલાબેન લાલના જન્મ દિવસની ઉજવણી તેમની ઉંમર જેટલા સમૂહ લગ્ન કરાવીને કરાય તેવી ઈચ્છાનો જીતુભાઈ લાલે પુનરોચ્ચાર કર્યો હતો. આ કાર્યક્રમના અંતમાં આભાર દર્શન તેમજ સંચાલન પત્રકાર ગિરીશભાઈ ગણાત્રાએ કર્યું હતું. આ સમારોહમાં મહાપાલિકા શાસક જુથના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, પૂર્વ મેયરો કનકસિંહ જાડેજા, હસમુખભાઈ જેઠવા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, સનતભાઈ મહેતા તેમજ શહેર ભાજપના માજી પ્રમુખો હિતેનભાઈ ભટ્ટ, નિલેશભાઈ ઉદાણી, મુકેશભાઈ દાસાણી, અશોકભાઈ નંદા તેમજ કોર્પોરેટરો, આગેવાનો–કાર્યકરો તેમજ આંખની તપાસણી માટે આવેલા નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM