ઉનાળાના સમયમાં નાગરિકો, ખેડૂતો અને અબોલ પશુઓને પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો ઉપલબ્ધ બનાવવા સઘન આયોજન : પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી


રાજ્યમાં ૩૫૦૦ MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ : પશુઓ માટે ૬.૯૫ કરોડ ટન ઘાસચારો અનામત રખાયો
• રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી : ૨ લાખ મેટ્રિક ટન ખરીદી
• ગુજરાત ઢોર નિયંત્રણ સુધારા વિધેયક સંદર્ભે રાજ્ય સરકાર માલધારીઓ સાથે : મુખ્યમંત્રીશ્રી સાથે બેઠક બાદ યોગ્ય નિર્ણય
• માધવપુર ઘેડ મેળા સંદર્ભે સઘન આયોજન : અંબાજી ખાતે તા. ૮મી એપ્રિલે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે


રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે ઉનાળાની સિઝનમાં રાજ્યના નાગરિકોને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઇ સુવિધા તથા અબોલ પશુઓને પણ પીવાનું પાણી મળી રહે એ માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. રાજ્યમાં હાલ ૩૫૦૦ MLD પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ મીડિયાને વિગતો આપતાં પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે નાગરિકોને પીવાના પાણીની કોઇ તકલીફ ન પડે એ માટે મુખ્યમંત્રીશ્રીએ પૂરતું આયોજન કરવા સંબંધિતોને સૂચના આપી છે. છેલ્લા ચાર દિવસમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ૨૧૦૦ MLD પાણીની જરૂરિયાત ઊભી થતાં વિવિધ યોજનાઓ દ્વારા પાણી પૂરું પડાયું છે. રાજ્યમાં ઉપલબ્ધ પાણીના જથ્થાનું પણ યોગ્ય વિતરણ કરાશે.
આદિજાતિ વિસ્તારોમાં પણ હેડ પંપ દ્વારા જે પાણી ઉપલબ્ધ છે તે હેડ પંપની મરામત તથા જરૂર પડે તો નવા હેડ પંપ પણ બનાવાશે. તેમણે નાગરિકોને અપીલ કરતા કહ્યું કે પાણીનો કરકસરપૂર્ણ ઉપયોગ કરીશું અને પાણીની બચત કરીએ તાતી જરૂરિયાત છે. પાણી વેડફાય નહિ એની પણ આપણે સૌએ તકેદારી રાખવી જોઈએ.
મંત્રી શ્રી વાઘાણી ઉમેર્યું કે ઉનાળાની સિઝનમાં અબોલ મુંગા પશુઓને પણ પીવાના પાણી અને ઘાસચારાની કોઇ તકલીફ ના પડે એ માટે સંપૂર્ણ તકેદારી રાખવા વન વિભાગને સૂચના આપી છે અને એ મુજબ આયોજન પણ કરાશે. પશુઓ માટે ૬.૯૫ કરોડ ટન ઘાસચારાનો જથ્થો અનામત રખાયો છે. જ્યારે અછતની પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ અનામત જથ્થો મહેસૂલ વિભાગ દ્વારા ડેપો ખોલીને રાહત દરે વિતરણ કરાશે.
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં ખેડૂતો પાસેથી પાક ઉત્પાદન ટેકાના ભાવે ખરીદવા માટે મહત્તમ MSP નિયત કરાઈ છે. જેના પરિણામે ખેડૂતોને પહેલીવાર મગફળીનો ઐતિહાસિક રૂ. ૧૪૦૦નો ભાવ તેમજ કપાસનો રૂ. ૨૪૦૦નો પોષણક્ષમ ભાવ રાજ્યમાં મળી રહ્યા છે. રાજ્યમાં ચણાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં પહેલીવાર બે લાખ મેટ્રિક ટન જેટલી ઐતિહાસિક ખરીદી કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ૪.૬૫ લાખ ટન ખરીદી માટેની મંજૂરી પ્રથમવાર મળી છે. ગુજરાત સરકાર દ્વારા વધુ ૧.૩૫ લાખ ટન ચણાની ખરીદી કરવાનું પણ આયોજન છે એ મુજબ આગામી સમયમાં ખરીદી પ્રક્રિયા હાથ ધરાશે.
મંત્રી શ્રી વાઘાણી કહ્યું કે આગામી તા. ૧૦ એપ્રિલથી શરૂ થનાર માધવપુર-ઘેડના મેળામાં રુકમણી વિવાહ પ્રસંગે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ ખાસ ઉપસ્થિત રહેશે. તા. ૧૦ થી ૧૩ એપ્રિલ દરમિયાન કેન્દ્ર અને ગુજરાત સરકારના સાંસ્કૃતિક અને પર્યટન વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજનારા મેળામાં રાષ્ટ્રપતિશ્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રીશ્રીઓ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ સેવન સિસ્ટર-પૂર્વોતર રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ ઉપસ્થિત રહેશે. આ મેળા સંદર્ભે સંબંધિત વિભાગ દ્વારા સઘન આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આ મંદિરના વિકાસ માટે ગુજરાત સરકાર દ્વારા બજેટમાં કુલ રૂ. ૨૦ કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ પ્રકારે ચૈત્ર નવરાત્રી નિમિત્તે ગબ્બર-અંબાજી ખાતે પણ સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગ દ્વારા ખાસ તા. ૮મી એપ્રિલે રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંવેદના સાથે ગુજરાતમાં પ્રથમવાર ગાય અને ગૌશાળાના સંવર્ધન-જતન માટે રૂ. ૬૦૦ કરોડની આ વખતના બજેટમાં જોગવાઈ કરાઇ છે. ગુજરાત ઢોર નિયંત્રણ સુધારા વિધેયકમાં માલધારી સમાજ, પશુઓ અને સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કાયદાથી માલધારીને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. કાયદામાં તે પ્રકારની ખાસ કલમની જોગવાઈ કરવામાં આવી છે. માલધારી સમાજ પ્રત્યે સંપૂર્ણ સંવેદનના સાથે તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તેવો નિર્ણય કરવામાં આવશે. આ માટે આવતીકાલ તા. ૬ એપ્રિલના રોજ મુખ્યમંત્રીશ્રી સાથે માલધારી સમાજના આગેવાનોની બેઠક યોજાનાર છે ત્યારબાદ યોગ્ય નિર્ણય લેવાશે તેમ તેમણે ઉમેર્યું હતુ.
પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે તાજેતરમાં વિધાનસભા ખાતે રાજ્ય સરકારનું ઐતિહાસિક બજેટ પસાર કરાયું છે. આ બજેટના જનસુખાકારીના લાભો નાગરિકોને સત્વરે મળતા થાય એ માટે આગામી તા. ૧૫મી એપ્રિલ સુધીમાં વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરીને તમામ વિભાગોને નાણાની ફાળવણી કરી દેવામાં આવશે તેવી જરૂરી સૂચનાઓ પણ સંબંધિતોને આપી દેવામાં આવી છે. આ વખતે બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં વિપક્ષ દ્વારા પણ જનસુખાકારીના કામોમાં સકારાત્મક ભૂમિકા દાખવી સહયોગ મળ્યો એ બદલ વિપક્ષોને પણ અભિનંદન આપ્યા છે.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM