
અવકાશમાં પ્રથમ પગ મુકનારા ભારતીય અવકાશયાત્રી શ્રી રાકેશ શર્માએ બાળકો સાથે અવકાશ સંશોધન અંગે રસપ્રદ વાતો કરી

જાહેર જનતા – વિદ્યાર્થીઓ ૯ એપ્રિલ સુધી ગગનયાન પ્રદર્શન નીહાળી શકશે.





આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હ્યૂમન સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ –ગગનયાન વિશે યુવા પેઢીને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદના સાયન્સ સીટી ખાતે આયોજિત કાર્યક્રમમાં અવકાશમાં પ્રથમ પગ મુકનારા ભારતીય અવકાશયાત્રી શ્રી રાકેશ શર્માએ બાળકો સાથે અવકાશ સંશોધન અંગે રસપ્રદ વાતો કરી હતી. આ કાર્યક્રમનું આયોજન ISRO-SAC, GUJCOST ,DST,DECU અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ૩ એપ્રિલથી ૯ એપ્રિલ દરમિયાન આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં બાળકો સાથે વર્ચ્યૂઅલ સંવાદ સાધતા શ્રી રાકેશ શર્માએ અવકાશયાત્રા દરમિયાન કઈ-કઈ વસ્તુઓની જરૂર પડે તે અંગેની વાતચીત બાળકો સાથે કરી હતી. શ્રી શર્માએ બાળકો સાથે તેમના અવકાશયાત્રાના સંસ્મરણો પણ વાગોળ્યા હતા. તેમણે ઉમેર્યું કે, સંપૂર્ણ ભારતીય ટેકનોલોજીથી બનેલું ગગનયાન જે દિવસે સ્પેસમા પહોંચશે તે ક્ષણ ભારત માટે અતિ ગૌરવશાળી બની રહેશે. ઉલ્લેખનીય છે કે શ્રી રાકેશ શર્મા અવકાશયાત્રા કરનારા પ્રથમ ભારતીય હતા. શ્રી શર્માએ 7 દિવસ, 21 કલાક અને 40 મિનિટનો સમય સાલ્યૂત 7 સ્પેસ સ્ટેશન પર ગાળ્યો હતો. તેઓ અવકાશમાં પગ મૂકનારા પ્રથમ ભારતીય અને વિશ્વના ૧૩૮મા અવકાશ-પ્રવાસી બન્યા હતા. નોંધપાત્ર બાબત એ પણ છે કે તેઓ ભારતીય વાયુ સેનામાંથી વિંગ કમાન્ડરના પદેથી નિવૃત્ત થયા હતા અને ભારત સરકારે તેમને સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કર્યા. આ અવસરે રાજ્યના શિક્ષણમંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી પણ વર્ચ્યૂઅલ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રીશ્રીએ કહ્યું કે, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજીના સમન્વયથી ઈસરો દ્વારા સ્વદેશી ગગનયાનનુ નિર્માણ કરાયું છે, જેને ૨૦૨૩ ના વર્ષ દરમ્યાન સ્પેસમા મોકલવામાં આવશે, ત્યારે તે આપણી અવકાશ ક્ષેત્રની વિકાસયાત્રામાં માઈલસ્ટોન બની રહેશે. મંત્રીશ્રીએ આ અવસરે એમ પણ ઉમેર્યું હતું કે, ભારત અવકાશી વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારે ગતિથી પ્રગતિ કરી રહ્યું છે, તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને દેશના વૈજ્ઞાનિકોને આભારી છે. મંત્રીશ્રીએ કહ્યું કે સાયન્સ આઉટરીચ પ્રોગ્રામ ગુજરાતમાં યોજાઈ રહ્યો છે તે આપણા સૌ માટે ગૌરવ લેવા જેવી બાબત છે. તેમણે એમ પણ જણાવ્યું કે, અવકાશી વિજ્ઞાન ક્ષેત્રે થતાં સંશોધનોથી દુનિયામા ભારતની એક આગવી ઓળખ ઉભી થઈ છે. જેનાથી ભાવિ પેઢીના બાળ વૈજ્ઞાનિકો ભારતને મળી રહેશે. મંત્રી શ્રી એ વધુમાં જણાવ્યું હતું કે ગગનયાન એ ભારતનો સૌથી મોટો કાર્યક્રમ છે, જેમા ઈસરોના વૈજ્ઞાનિકો, ટેકનિકલ સ્ટાફ, એન્જિનિયર અને અનેક તજજ્ઞો જોડાયેલા છે. ગગનયાનને વર્ષના અંત અથવા ૨૦૨૩ ના આરંભમાં ભ્રમણકક્ષામાં તરતો મુકાશે. ત્યાર બાદ ગુજરાતના વેરાવળ ખાતે લેન્ડિંગ થાય તેવુ આયોજન કરવામાં આવ્યું છે. શ્રી જીતુભાઈએ કહ્યું કે, ગગનયાન થકી બાળકો, વિદ્યાર્થીઓ સ્પેસ વિશે વધુ જાણકારી મેળવે એ આપણા વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન છે. અહીં એ નોધપાત્ર છે કે ભારતમાં જ નિર્મિત સ્પેસફલાઇટ પ્રોગ્રામ-ગગનયાન વિશે જનજાગૃતિ કેળવવા અને શાળાના વિદ્યાર્થીઓને સ્પેસ વિશે વધુ રસપ્રદ જાણકારી મળે તે હેતુથી ઓર્બિટલ અને ગગનયાન ક્રૂ મોડ્યુલના મોડેલ સાયન્સ સીટી ખાતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે. અહીં વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ અને વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા વિધાર્થીઓ ભારે ઉત્સાહ સાથે ભાગ લઇ રહ્યા છે.સાયન્સ સિટી ખાતે આયોજિત કાર્યક્રમમાં ઈસરો, ડેકુ, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના અધિકારીઓ, વૈજ્ઞાનિકો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, વિજ્ઞાન અને ટેકનોલોજીના તજજ્ઞો અને વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
