
રિપોર્ટ -અમિત વાકાણી-રાજકોટ
ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા આધારકાર્ડ લગત પ્રશ્નો સંદર્ભ મ્યુનિ. કમિશ્નરશ્રીને રજૂઆત કરેલ છે. ડે.મેયરશ્રી જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીને નિયમ અનુસાર લોકોને આધારકાર્ડ કાઢી આપવામાં આવે છે. તેમજ આધારકાર્ડમાં શહેરીજનો દ્વારા નવું આધારકાર્ડ કરવા સરનામા ફેરફાર, મોબાઈલ નંબર અપડેટ વિગેરે સુધારા કરવાની સતત કામગીરી ચાલુ જ હોઈ છે. હાલ રાજકોટ મહાનગરપાલિકા હસ્તક આધારકાર્ડની દસ કિટ છે. જયારે રાજકોટ શહેર આજે દિન પ્રતિદિન વિકસિત થતું જાય છે. ત્યારે સ્વભાવિક છે કે વસ્તીની દ્રષ્ટિએ આધારકાર્ડની કામગીરી સતત ચાલુ રહેતી હોય છે. જેથી હાલની આધારકાર્ડની કિટ ઘણી ઓછી પડે છે. તેમજ લોકોનો ઘણો સમય બગડે છે. તેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આધારકાર્ડના ફંડ માંથી સત્વરે નવી દસ કિટ સત્વરે લેવી જરૂરી છે. તેમજ જરૂરી કોમ્પ્યુટર ઓપરેટરની ફાળવણી કરવી જરૂરી છે. તેમજ નિયમ અનુસાર પહેલું આધારકાર્ડ નિશુલ્ક હોય છે. પછી થતા સુધારા વધારાની સરકારશ્રીના નિયમ અનુસાર નજીવી ફી ભરવાની હોય છે. જે માટે અરજદારને ફી ભરવા સીટી સિવિક સેન્ટરમા જવું પડતું હોય છે. જ્યાં ટેક્સ વ્યવસાય વેરો વિગેરેની વસુલાત પણ થતી હોય છે. જેથી સબંધિત અરજદારનો સમય આધારકાર્ડની ફી ભરવામાં જાય છે. તેને બદલે આધારકાર્ડ વિભાગમાં નવા કોમ્પ્યુટર આપી કોમ્પ્યુટર ઓપરેટર ફાળવી ત્યાંજ શહેરીજનો દ્વારા જરૂરી નિયમ અનુસાર આધારકાર્ડ લગત ફી ભરી શકે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે. જેથી લોકોનો સમયનો બચાવ થઇ શકે છે. હાલ સેન્ટ્રલ ઝોનમાં બહોળી સંખ્યામાં લોકો આધારકાર્ડ માટે આવતા હોય છે. હાલ જે નીચે રૂમ ફાળવેલ છે. તે જગ્યા નાની છે. આ રૂમની બાજુમાં ૧૦૮ એમ્બ્યુલન્સની ઓફિસને રૂમ ફાળવેલ છે. આ રૂમને આધારકાર્ડ વિભાગને ફાળવો તેમજ જરૂરી રીનોવેશન કરવું જરૂરી છે. જયારે ૧૦૮ એમ્બ્યુલન્સની ઓફિસને ફાયર બ્રિગેડ પાસે અથવા આધારકાર્ડના ઉપરના માળે રૂમ ફાળવવામાં આવે જેથી આધારકાર્ડનો રૂમ મોટો થઇ શકે અને થોડી વ્યવસ્થા વધુ સારી થાય શકે. તેમજ ડે.મેયરશ્રી એ વધુમાં જણાવેલ છે કે આધારકાર્ડની કામગીરી રાજકોટ મહાનગરપાલિકા ઉપરાંત બેન્કો તથા પોસ્ટ ઓફિસમાં પણ થતી હોય છે. જે વ્યવસ્થાનો પણ લોકોને લાભ લેવા અપીલ કરેલ છે. તેમજ ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ દ્વારા આધારકાર્ડ વિભાગની મુલાકાત પણ લીધેલ તેમજ મુલાકાત સમયે આધારકાર્ડ વિભાગના અધિકારી એન.એમ આરદેશણા પણ સાથે રહેલ.
