




ગુજરાત વિધાનસભા ખાતે ગ. વા. માવળંકર દ્વારા હિમાલયના સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા હિમાલયના મહર્ષિ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના સાંનિધ્યમાં ધ્યાન શિબિરનું આયોજન તા. ૧૮, ૧૯ અને ૨૦મી એપ્રિલ-૨૦૨૨ દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. વ્યકિત અને સમાજની ઉન્નતિ માટે ધ્યાન એક સશકત માધ્યમ છે. ગુજરાતની જનતાનું પ્રતિનિધિત્વ કરતા સભ્યો મહત્વની જવાબદારી નિભાવી રહયાં છે, ત્યારે આ ધ્યાનશિબિરમાં સર્વે મંત્રીમંડળના સભ્યો તેમજ ધારાસભ્યોને પણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ધ્યાન શિબિરમાં અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યની સાથે મંત્રીઓ, ધારાસભ્યો તેમજ વિધાનસભા પરિવારના કર્મચારીઓ,અધિકારીઓ જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહ અને ધ્યાનપૂર્વક પૂજ્ય સ્વામીજીના પ્રવચનનો લાભ લીધો હતો અને માર્ગદર્શન મેળવ્યું હતું. સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા પૂજ્ય સ્વામીજીએ આત્મજ્ઞાનના પ્રસાર થકી વસુધૈવ કુટુંબકમની ભાવના સાકાર થાય,
મનુષ્યધર્મ ઉજાગર થાય એ માટે છેલ્લાં ૨૫ વર્ષથી ૫૦થી વધુ દેશોમાં નિઃશુલ્ક સેવાઓ આપી પ્રયાસો આદર્યા છે. આજના
સમયમાં વૈચારિક પ્રદૂષણ અને તનાવભર્યા વાતાવરણમાં માનસિક, શારીરિક અને આધ્યાત્મિક શાંતિ મેળવવાના પ્રયાસરૂપે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યએ આ ધ્યાન શિબિરનું આયોજન મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ કર્મચારીઓ/અધિકારીઓના હિતમાં આયોજન કર્યું હતું . તેઓના આ પ્રયાસને જબરજસ્ત પ્રતિસાદ સાંપડેલ છે. શિબિર સમાપ્તિ બાદ ડૉ. નિમાબેન આચાર્ય દ્વારા પૂજ્ય સ્વામીજીને સન્માનપત્ર આપવામાં આવ્યો. શ્રી શિવકૃપાનંદ સ્વામી ટ્રસ્ટી શ્રી મહેશભાઈ પટેલ દ્વારા આભારવિધિ સંપન્ન થઈ તેમજ એમના દ્વારા ડૉ. નિમાબેન આચાર્યને તથા અન્ય ટ્રસ્ટી શ્રીમતી જિજ્ઞાબેન દ્વારા ધન્યવાદપત્ર પાઠવવામાં આવ્યો.
