




પ્રાકૃતિક કૃષિની તેમની સાફલ્ય ગાથાઓનો દળદાર પુસ્તકમાં સમાવેશ કર્યો….
ભારત સરકારના નીતિ આયોગે તાજેતરમાં નવી દિલ્હી ખાતે દેશના તમામ રાજ્યોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને તેનો વ્યાપ વધારવાનો વિમર્શ કરવા રાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું હતું.
ગૌરવ લેવા જેવી વાત એ છે કે તેમાં આમંત્રિત કરવામાં આવેલા ગુજરાતના દશ સહિત દેશભરના સફળ પ્રાકૃતિક કૃષિકારોમાં વડોદરા જિલ્લાના બે ખેડૂતોનો સમાવેશ થયો છે.
શિનોર તાલુકાના બાવળિયા ગામના વનરાજસિંહ અને વિક્રમભાઈ તાજેતરમાં આ પરિષદમાં ભાગ લઈને,પ્રાકૃતિક ખેતીના વર્તમાન અને નવા પ્રવાહોની જાણકારી મેળવીને પાછા ફર્યા છે.નીતિ આયોગે પોતાના ખર્ચે તેમને બોલાવ્યા હતા.
આત્મા સંસ્થાને માધ્યમ બનાવીને નીતિ આયોગે દેશના વિવિધ રાજ્યોમાં નમૂનેદાર પ્રાકૃતિક ખેતી કરનારા સફળ ખેડૂતોની સાફલ્ય ગાથાઓ મંગાવી હતી તેવી જાણકારી આપતાં વનરાજસિંહે જણાવ્યું કે તેમાં થી પસંદ કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિકારોને આ સંમેલનમાં તેડાવવામાં આવ્યા હતા.જેમાં તેમનો સમાવેશ થયો હતો.
તેમણે જણાવ્યું કે પસંદ કરવામાં આવેલી પ્રાકૃતિક કૃષિ સાફલ્ય ગાથાઓને સંકલિત કરીને નીતિ આયોગે એક દળદાર પુસ્તક બનાવ્યું છે જેનું આ કાર્યક્રમમાં વિમોચન કરવામાં આવ્યું હતું જેની નકલ આયોગ તેમને પાઠવશે.
તેમણે જણાવ્યું કે આ વિચાર પરિષદમાં ગુજરાતના રાજ્યપાલશ્રી જેઓ પ્રખર પ્રાકૃતિક કૃષિકાર છે, તેમણે એક ગાયના છાણ અને મૂત્રના ઉપયોગથી ૩૦ એકર જમીનમાં કુદરતી ખેતી શક્ય બનાવતી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિમાં ગૌ પાલનની ચાવીરૂપ અગત્યતાનું ઉંડાણપૂર્વક માર્ગદર્શન આપવાની સાથે ગુજરાતની ગૌ પાલનને ઉત્તેજન આપતી ગાય નિભાવ ખર્ચ યોજનાની જાણકારી આપી હતી.આ યોજનામાં દેશના વિવિધ રાજ્યોએ ભારે રસ દર્શાવી,તેનો અમલ કરવાની તત્પરતા દર્શાવી હતી.
આ શિબિરમાં ભારત સરકારના કૃષિ અને સંલગ્ન વિભાગોના મંત્રીશ્રીઓ,સચિવો ઉપસ્થિત રહ્યાં હતા અને ૫ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ એ વર્ચ્યુઅલ ભાગ લીધો હતો.
તેમાં ખાસ કરીને દેશના આદિવાસી વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવાનો અને ખાતરો માટે જે વિપુલ સબસિડી આપવી પડે છે તેના વિકલ્પે કુદરતી ખેતીને આગળ વધારવાનો વિચાર વિમર્શ કરવામાં આવ્યો. ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રીઓ એ ગંગા અને નર્મદા ના બંને કાંઠે ૫/૫ કિલોમીટર વિસ્તારમાં પ્રાકૃતિક ખેતીને વિકસાવીને આ લોકમાતાઓ ને નિર્મળ રાખવાની રૂપરેખા રજૂ કરી એવું વનરાજસિંહે એક સંવાદમાં જણાવ્યું હતું.
