ભારતની સાચી સંસ્કૃતિના દર્શન દેશના ગામાડાંઓમાં થાય છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહ




રિપોર્ટ ઈકબાલ મેમણ સાબરકાંઠા
રિપોર્ટ યુનુસ મેમણ સાબરકાંઠા
સાબરકાંઠા જિલ્લા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના તલોદ ,પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના સરપંચ અને તલાટીઓની એક દિવસીય કાર્યશિબીર જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહની અધ્યક્ષતામાં યોજાઇ હતી.
આ એક દિવસીય કાર્યશિબીરનું આયોજન કરવમાં આવ્યુ હતું.આ કાર્યશિબીરનો ઉદ્દેશ સરકારશ્રીની વિવિધ ગ્રામીણલક્ષી યોજનાઓ ગ્રામીણ ક્ષેત્રે વધુમાં વધુ અમલી બને તે માટેનો હતો.
હિંમતનગરના નલીનકાન્ત ગાંધી ટાઉન હોલ યોજાયેલ કાર્યશાળમાં સરપંચ અને તલાટીઓ સાથે સીધો સંવાદ સાધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેન શાહે જણાવ્યું હતુ કે, ભારત દેશ એ તેની આતિથ્ય ભાવનાથી વખણાય છે. તે આતિથ્યભાવ આપણે આજે પણ ગામડાઓમાં જોવા મળે છે. તેના પાયામાં સરપંચ છે જેમણે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનું કામ કર્યુ છે. જો ગામડુ મજબૂત હશે તો જ દેશ મજબૂત બની શકે, રાષ્ટ્ર કે રાજ્યના વિકાસના પાયામાં ગામડુ રહેલું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણ જાળવણીના ભવિષ્યના પડકારને ધ્યાનમાં રાખીને ગ્રામ્ય સ્તરે અસરકારક આયોજન થાય તે જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી શ્રી તાજેતરના ગુજરાત પ્રવાસ દરમિયાન યોજાયેલ સરપંચ સંમેલનની વાત કરતા ઉમેર્યુ હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગામમાં ૭૫ વૃક્ષ વાવવા, ૭૫ નાના-મોટા તળાવનું નિર્માણ કરવું,શાળા-ગામનો જન્મદિવસની ઉજવણી તેમજ પ્રભાત ફેરી જેવા કાર્યક્રમોનું આયોજન કરી ગામડાને જીવંત કરવા અનુરોધ કર્યો હતો.
તેમણે રાજયના સુશાસનનો આધાર ગામડા હોવાનું જણાવતા કહ્યુ હતું કે, વિકાસને સાચી દિશા આપવાનું કામ ગામના સરપંચ અને તલાટી કરતા હોય છે જે ત્યાંની સાચી જરૂરીયાતોથી અવગત હોય છે. જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ ઉપસ્થિત સરપંચોને વિચારોની આપ-લે કરવા જણાવ્યું હતું જેનાથી વિકાસને વધુ વેગ મળે, તેમણે જણાવ્યું હતું નાણા પંચના અમલથી સરપંચોને સીધા નાણા અપાય છે જેથી ગામના અગ્રતા ધરાવતા કામોને પ્રાધાન્ય આપી શકાય .
ગ્રામસભા એ સંસદ કે વિધાનસભાથી જરાય ઉતરતી ન હોવાનું જણાવ્યું હતું કે, ગામની મૂળભૂત જરૂરીયાતો અને સમસ્યાઓનું ગ્રામસભામાં ચર્ચા કરીને તેનું સમાધાન લાવવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત આ કાર્યશિબીરમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ), નેશનલ રૂરલ લાઇવલી હુડ મિશન અને સ્વસ્થ્ય ભારત મિશન એમ ચાર યોજનાઓનું પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ કાર્યશાળામાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી અમૃતસિંહ સોલંકી, કારોબારી અધ્યક્ષશ્રી વિપુલભાઇ પટેલ, દંડક શ્રી ધિરેનભાઇ અસારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર , જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ તેમજ તલોદ,પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાના સરપંચશ્રીઓ તેમજ તલાટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
