



નાબાર્ડ, ADC બેંક,GSC બેંક અને બાગાયત ખાતાના સંયુક્ત ઉપક્રમે તા-૨૯/૦૪/૨૦૨૨ ના રોજ ઇસનપુર મોટાની સહકારી મંડળી ખાતે ખેડુત શિબિરનું આયોજન કરવાંમાં આવ્યુ હતું. આ શિબિરમાં ૧૫૦ જેટલા ખેડુતો સહભાગી બન્યા હતા.
આ શિબિરમાં સૌપ્રથમ નાબાર્ડનાં AGM વિશાલ શર્મા દ્વારા કૃષિ સિવાય અન્ય આવક જેમ કે ડેરી,મધમાખી ઉછેર, સોલાર ઊર્જા અને એગ્રો પ્રોસેસિંગનો ઉપયોગ કરી કઇ રીતે વધારાની આવક મેળવી શકાય છે, તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.ગામના વિકાસમાં નાબાર્ડ કઈ રીતે મદદરૂપ થઇ શકે તે અંગેની વિસ્તૃત માહિતી આઓવામાં આવી હતી.
નાયબ બાગાયત નિયામક શ્રી જે.આર.પટેલ,ગાંધીનગર દ્વારા ખેડુતોને ખેતીનુ ભુતકાળ,વર્તમાન અને ભવિષ્ય વિશે આંકલન કરાવી ભવિષ્યમાં રહેલ ખેતીની માંગથી પરિચિત કરવામાં આવ્યા હતા. ખેતીમાં કઇ રીતે વોટર હાર્વેસ્ટિંગ કરી પાણીના તળ ઊંચા લાવી શકાય તેના વિશેની પણ ઉંડાણપૃર્વકની સમજ આપવામાં આવી હતી. ત્યારબાદ બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે કોલ્ડ સ્ટોરેજ, શોર્ટીંગ ગ્રેડીંગ મશીનરી, ડ્રીપમાં વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર, કમલમ્ ફળના વાવેતરમાં સહાય, મધમાખી ઉછેરમાં સહાય, મિની ટ્રેક્ટર,પોટેટો પ્લાંટર,હાર્વેસ્ટર, જેવા ઘટકોમાં ખેડુતો સહાયનો લાભ કેવી રીતે લઇ શકે તેની સમજણ આપવામાં આવી હતી. આ સિવાય સહકારી મંડળી દ્વારા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે મંડળીનુ શાકભાજી કલેક્શન યુનીટ બનાવી જાતે પેકિંગ કરીને વેચાણ કરવામાં આવે તો વધારે નફો રળી શકાય તેવો નવિન વિચાર પણ રજુ કરવામાં આવ્યો હતો. આ સાથે બટાકામાં આવતી કૃમિનુ નિરાકરણ કઇ રીતે કરી શકાય તેના વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યુ.
આ શીબિરમાં ખેડુતો દ્વારા “ગામનુ પાણી ગામમાં અને સીમનુ પાણી સિમમાં” સંકલ્પને સાર્થક કરવાનો મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો હતો. આ શીબિરમાં નાબાર્ડનાં AGM વિશાલ શર્મા,બાગાયત ખાતાનાં નાયબ બાગાયત નિયામક શ્રી જે.આર.પટેલ અને બાગાયત અધિકારી શ્રી ભરત આઇ. ચૌધરી, ADC બેંકના AGM શ્રી અંકુલ મહેસુરીયા અને શ્રી સુરેશ પટેલ તેમજ GSC બેંકના AGM શ્રી બિંદેશ લાલાણી ઉપસ્થિત રહ્યા હતા.
