



આગામી તા. ૩૧ના રોજ યોજનારા કાર્યક્રમ અંગે કાર્યકારી પ્રભારી સચિવ શ્રી મહોમ્મદ શાહીદે સમીક્ષા કરી
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ સાધવાના છે અને તેમાં વડોદરાનું પણ તંતુસંધાન થયું છે ત્યારે, આ કાર્યક્રમનું સુચારૂ સંચાલન થાય તે માટે કાર્યકારી પ્રભારી સચીવ શ્રી મહમ્મદ શાહીદે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી પૂર્વતૈયારીની વિગતો મેળવી હતી. આ બેઠકમાં માહિતી આપતા કલેક્ટર શ્રી અતુલ ગોરે જણાવ્યું કે, સરકારની આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના, જલ જીવન મિશન, ગરીબ કલ્યાણ અન્ન યોજના, વન નેશન-વન રાશનકાર્ડ, સહિતની કુલ ૧૩ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાનશ્રી હિમાચલ પ્રદેશના શિમલાથી સંવાદ સાધવાના છે. તેમાં વડોદરા શહેર અને જિલ્લાના પણ લાભાર્થીઓ પણ જોડાવાના છે. જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપતા અન્ન અને નાગરિક વિભાગના અગ્રસચિવ શ્રી શાહીદે કહ્યું કે, લાભાર્થીઓને કોઇ પણ પ્રકારની તકલીફ ના પડે તે પ્રકારનું આયોજન ઘડી કાઢવું જોઇએ. લાભાર્થીઓ માટે પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા ઉપરાંત બેઠક વ્યવસ્થા સહિતની બાબતે તેમણે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે એનએફએસએના ડાટાના આધારે જરૂરતમંદ પરિવારોને ઝડપથી આષ્યુમાન કાર્ડ કાઢી આપવા માટે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બાબતે કલેક્ટર શ્રી ગોરે માહિતી આપી કે, વડોદરા જિલ્લામાં એ દિશામાં કામગીરી શરૂ દેવામાં આવી છે. આ કામગીરી ઝૂબેશરૂપે ઉપાડવામાં આવ્યું છે. છેલ્લા એક જ સપ્તાહ દરમિયાન ૬ હજાર જેટલા એનએફએસએ કાર્ડ કાઢવામાં આવ્યા છે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર શ્રીમતી શાલિની અગ્રવાલ, નિવાસી અધિક કલેક્ટર શ્રી કુલદીપસિંહ ઝાલા, કાર્યપાલક ઇજનેર શ્રી અગોલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
