
વન ગુજરાત – વન ડાયાલીસીસ હેઠળ વધુમાં વધુ ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાનો સરકારનો લક્ષ્યાંક – રાજ્યમંત્રી શ્રી નિમિષાબેન સુથાર


સરકારના પ્રયાસથી છેલ્લા બે દાયકામાં આરોગ્યક્ષેત્રે નવી પહેલ થઈ છે – સાંસદ, શ્રી વિનોદભાઇ ચાવડા







આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભુજ ખાતે નવનિર્મિત માનસિક આરોગ્યની હોસ્પિટલના બિલ્ડીંગનું વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યની ગરિમામય ઉપસ્થિતિમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ, રાજ્યમંત્રી શ્રી નિમિષાબેન સુથારના વરદહસ્તે લોકાર્પણ કરાયું હતું. ભુજના કેમ્પ એરીયા ખાતે રૂ.૭૯૦.૪૪ લાખના ખર્ચે બનેલી નવનિર્મિત બિલ્ડીંગનું લોકાર્પણ કરતા આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રીશ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું કે, ભુજનો મિજાજ ભાંગી પડ્યામાંથી બમણી ગતિથી બેઠો થવાનો છે. પરીવારમાં કોઇ માનસિક રીતે પીડાતું હોય ત્યારે આ પીડામાંથી પરીવાર પણ પસાર થતો હોય છે. આ પરિસ્થિતિમાંથી બહાર આવીને દર્દી તથા તેનો પરિવાર અન્યની જેમ જ સુચારુ જીવન પસાર કરે તે સરકારનો હેતુ છે. આ હેતુને સાર્થક કરવા આ હોસ્પિટલ માધ્યમ બનશે. ત્રણ જિલ્લા કચ્છ, બનાસકાંઠા અને પાટણને આ હોસ્પિટલનો લાભ મળશે. ઉપરાંત પંજાબ, ઓડિસા સહિતના અન્ય રાજ્યોના દર્દીઓ પણ અહીં સારવાર લેશે ત્યારે હોસ્પિટલની બેડ કેપેસિટી ૧૬થી વધારીને ૭૫ બેડની કરવામાં આવી છે. આ ટાંકણે તેમણે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં ભુજમાં વાયુસેના માટે રન-વે બનાવનાર ૩૦૦ મહિલાઓને યાદ કરીને તેમની હિંમતને બિરદાવી હતી. તેમણે હોસ્પિટલમાં માત્ર ફરજ નહીં પરંતુ સમર્પિત થઈને વાત્સલ્ય સાથે દર્દીઓની સેવા કરતા કર્મયોગીઓને તેમની સંવેદના જાળવી રાખવાની અભ્યર્થના સાથે અભિનંદન આપ્યા હતા. ડાયાલીસીસના દર્દીઓ માટે વન ગુજરાત- વન ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવાના સરકારના લક્ષ્યાંકને જણાવીને ઉમેર્યું હતું કે, છેલ્લા ૭ માસમાં આ યોજના હેઠળ નવા ૩૦થી ૩૨ સેન્ટર શરૂ કરાયા છે. જેમાં મધ્યપ્રદેશથી ગુજરાતમાં દર્દીઓ સેવા લેવા આવતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, હિમોફીલીયાના દર્દીઓ માટે વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં ૨૫ કરોડની ફાળવણી કરી હોવાની તથા આગામી સમયમાં સરકાર દરેક તાલુકાકક્ષાએ દર્દીઓ માટે જરૂરી ઇન્જેકશન અને સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. આ તકે તેમણે વિવિધ જનકલ્યાણની યોજનાઓ અમલી હોવાથી લાભાર્થીઓને લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષા શ્રી ડૉ.નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ભૂકંપમાં માનસિક આરોગ્યની હોસ્પિટલ પડી ગયા બાદ હાલ આધુનિક સુવિધા સાથે નવી બની છે ત્યારે પાડોશી રાજ્યોના લોકોને પણ તેનો લાભ મળશે. ભુલ્યા-ભટ્કયા લોકોને પણ અહીં સેવા આપવામાં આવે છે. આરોગ્યક્ષેત્રને ગુજરાત સરકાર પ્રાથમિકતા આપી રહી છે. તેમણે આયુષ્યમાન યોજનાને સર્વશ્રેષ્ઠ ગણાવીને વધુમાં વધુ નાગરિકો સુધી તેનો લાભ પહોંચાડવા લોકોને અનુરોધ કર્યો હતો. કચ્છ અને ભુજને વડાપ્રધાનશ્રીનું બાળક ગણાવીને તેમણે અમલી કરેલી યોજનાઓના કારણે તેમને ગરીબોના ખરા અર્થમાં બેલી ગણાવ્યા હતા. ૨૦ વર્ષમાં સરકારના માધ્યમથી આરોગ્યક્ષેત્રે નવી પહેલ થઇ હોવાનું જણાવીને કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ ઉમેર્યું હતું કે, સરકારના નવા નવા પ્રયોગો થકી જન જન સુધી વિવિધ યોજનાઓનો લાભ પહોંચ્યો છે. વડાપ્રધાનશ્રીની યોજનાઓ થકી આરોગ્યક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. તેઓએ ૧૦ કરોડ પરિવાર અને ૫૦ કરોડ લોકો વિશ્વની સૌથી મોટી યોજના આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ લઈ રહ્યા છે જેને અદભુત બાબત ગણાવી હતી. ઉપરાંત આ કાર્ડ બનાવવામાં કચ્છ ગુજરાતમાં મોખરે રહ્યું હોવાનું જણાવીને તેમણે કર્મયોગીઓની સેવાને બિરદાવી હતી. આ તકે જિલ્લા પંચાયતના અધ્યક્ષા શ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, કચ્છના આરોગ્ય ક્ષેત્રની ખુટતી કડી પુરવા સરકાર કટિબદ્ધ છે. જે હેઠળ જ માનસિક આરોગ્યની હોસ્પિટલની નવી ઈમારત બનાવવામાં આવી છે. તેમણે માનસિક આરોગ્ય ક્ષેત્રે લોકોને અંધશ્રદ્ધાને ત્યજીને જાગૃત થઈને સારવાર કરાવવા અનુરોધ પણ કર્યો હતો. વડાપ્રધાનશ્રી દ્વારા હીમોફીલીયાના દર્દીઓ માટે રાજ્ય સરકારને રૂ. ૨૫ કરોડ ફાળવાયા છે ત્યારે ભુજના વિવેક યાદવ કે જે હિમોફીલીયાના દર્દી છે અને હાલ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને જીએસટી વિભાગમાં રાજ્યવેરા અધિકારી તરીકે નિમણૂક પામીને સૌ માટે પ્રેરણારૂપ બન્યા હોવાથી આ પ્રસંગે તેમનું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ તકે આયુષ્યમાન કાર્ડના ૫ લાભાર્થીને કાર્ડ વિતરણ કરાયા હતા. કાર્યક્રમનું સંચાલન પંકજ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ભુજ પાલિકા પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, પાલિકા ઉપાધ્યક્ષા શ્રી રેશ્માબેન ઝવેરી, કલેક્ટર શ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, મદદનીશ અધિક કલેક્ટર શ્રી અતિરાગ ચાપલોત, ડૉ.પાર્થ જાની, સીડીએચઓ ડૉ. જનકભાઇ માઢક, સીડીએમઓ ડૉ. કશ્યપ બુચ, અધિક્ષક શ્રી મેન્ટલ હોસ્પિટલ ડૉ. હરેશ બરવાડીયા, ડીટીઓ ડૉ.મનોજ દવે, ડૉ. પ્રેમકુમાર કન્નર, ડૉ. શ્રી પીપડીયા સહિતના અધિકારીઓ, ભુજ સુધરાઈના પદાધિકારીઓ તથા શહેરીજનો હાજર રહ્યા હતા.
