
ભવાડીના ગીતાબેન મોકાશીએ તેમને ‘આત્મનિર્ભર’ બનાવનારા વડાપ્રધાનશ્રીના દીર્ધાયુ સાથે સુખાકારીની કામના વ્યક્ત કરી

છેલ્લા સાડા ત્રણ દાયકા સુધી જંગલની જમીનમા ખેતી કરીને પેટીયુ રળતી ભવાડી ગામની આદિવાસી મહિલા ગીતાબેન મોકાશીને, રાજય સરકારે તે જે જમીનમા વર્ષોથી ખેતી કરતી હતી, તે ૧.૪૪ હેક્ટર જમીન નામે કરી આપીને, આ જમીનની તેને માલિક બનાવી દીધી છે. મહિલાઓના સશક્તિકરણને વરેલી રાજ્ય સરકારના વન અધિકાર ધારા હેઠળ ભવાડી ગામના આ મહિલા લાભાર્થી ગીતાબેન જ્યેશભાઈ મોકાશીને, અંદાજીત રૂપિયા નવેક લાખની તે સમયની બજાર કિંમતની ૧.૪૪ હેક્ટર જમીન વિનામુલ્યે પ્રાપ્ત થતા, તેઓ હવે જમીનદાર બની ગયા છે. ભવાડી ગામની સીમમા આવેલી જંગલ વિભાગ હસ્તકની સર્વે નંબર ૧૫/૧, ક્મ્પાર્ટમેન્ટ નંબર : ૧૮ની આ જમીનમા વર્ષો સુધી ખેતી કરીને પરિવારનુ ભરણપોષણ કરતા આ લાભાર્થી, હવે કોઈ પણ જાતની બીક વિના ખેતી કરીને તેના પરિવારનુ ભરણપોષણ કરી રહ્યા છે. પોતાના નામે આજદિન સુધી જમીનનો એક નાનો અમથો ટુકડો પણ ન હતો તેમ જણાવી ગીતાબેન મોકશીએ કહ્યુ હતુ કે, સને ૨૦૧૩ની ૨૫મી જૂને ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે પધારેલા તત્કાલીન મુખ્યમંત્રી, અને હાલના ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ જમીનનો હક્કપત્ર તેમને એનાયત કરાયો હતો. ત્યારે ગરીબોની બેલી જેવી આ સરકાર પ્રત્યે તેઓને અહોભાવ જાગ્રત થયો હતો. વિશેષ કરીને મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને, મહિલાઓને સ્વાવલંબી બનાવનારી આ સરકાર પ્રત્યે ગીતાબેન મોકશીએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. ગીતાબેનને મળેલી ત્રણ ટુકડાની આ જમીનમા સફેદ મૂસળી સહિતના પાકોનુ તેઓ પ્રતિવર્ષ વાવેતર કરે છે. જુવાર, ડાંગર, નાગલી, તુવેર, અડદ, વરઈ, મગફળી વગેરેનુ વાવેતર કરીને કૃષિ ઉત્પાદન વધારવાના પ્રયાસો પણ તેમણે હાથ ધર્યા છે. આમ, ડાંગ જિલ્લાના ભવાડી જેવા ઊંડાણના ગામની આદિવાસી સ્ત્રી માટે વન અધિકાર ધારો જીવનનો આધાર બન્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કૃપાથી પ્રાપ્ત થયેલી જમીનમા પરિશ્રમનો પ્રસ્વેદ રેડીને ગીતાબેન મોકશીએ કરેલા વિકાસનો શ્રેય, રાજ્ય અને કેન્દ્ર સરકારને આપતા તેઓએ તા.૧૦મી જૂને દક્ષિણ ગુજરાતના ખુડવેલ ગામે ‘આદિવાસી ગૌરવ સંમેલન’મા પધારી રહેલા વડાપ્રધાનશ્રીને ચિત્રકલાના માધ્યમથી તેમની અભિવ્યક્તિ વ્યક્ત કરતા પેઈન્ટિંગ ભેટ આપીને, અહોભાવ વ્યક્ત કરવાની મહેચ્છા વ્યક્ત કરી છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે, ત્યારે ગીતાબેન મોકશીએ પોતાની જમીનમા આઝાદીથી ખેતી કરીને ‘આત્મનિર્ભર’ બનવાનો અવસર પ્રદાન કરનારા વડાપ્રધાનશ્રીના દીર્ધાયુ સાથે તેમની સુખાકારી, અને ઉજ્જવળ ભવિષ્યની કામના વ્યક્ત કરી છે.

