ભારત સરકાર અને રાજ્ય સરકાર એફ.પી. ઓ.ના માધ્યમ થી પ્રાકૃતિક કૃષિની ખેત પેદાશોના વેચાણની સુવિધાને પ્રોત્સાહન અને મૂલ્યવર્ધન માટે જરૂરી સાધન સહાયતા આપે છે…


શ્રી સુભાષ પાલેકર દ્વારા વિકસિત દેશી ગાય માતા આધારિત પ્રાકૃતિક કૃષીનું મોડેલ રાજ્યના અને દેશના ખેડૂતો વિનામૂલ્યે અપનાવી શકે છે અને ગુજરાતના ગામે ગામ આ જમીન,જળ અને હવામાન સંરક્ષક ખેતીને પહોંચાડવા એક સશક્ત જન આંદોલન છેડવામાં આવ્યું છે.
ભારત સરકાર અને ગુજરાત સરકાર આ ખેતીને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રત એના પ્રખર હિમાયતી છે.ભારત સરકારે આ ખેતી કરતા ખેડૂતોના ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનીઝેશન બનાવીને,આ એફ.પી.ઓ.ના માધ્યમ થી પ્રાકૃતિક ખેતીના ખેડૂતો તેમના ખેતી અને બાગાયત ઉત્પાદનોનું પ્રોસેસિંગ,પેકિંગ અને સેલ્ફ માર્કેટીંગ દ્વારા આત્મ નિર્ભર બને તે માટે જરૂરી સાધનો અને યંત્રો ઉપલબ્ધ કરાવવાનું આયોજન કર્યું છે.આત્મા ના માધ્યમ થી દેશી ગાય ઉછેરી તેના દ્વારા એસ.પી.એન.એફ. અપનાવનારા ખેડૂતોને માસિક ગાય નિભાવ ખર્ચ યોજનાનો લાભ આપવામાં આવે છે.
તેના અનુસંધાને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિના મધ્ય ગુજરાત જન આંદોલનના સંકલન થી નીલકંઠ ધામ,પોઈચાના યજમાન સૌજન્ય હેઠળ તાજેતરમાં ખેડૂત શિબિર યોજવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા અને તેમાં રસ અને વિશ્વાસ ધરાવતા ૨૫૦ જેટલા ખેડૂતોએ આ ખેતીની પદ્ધતિ અને લાભોનું માર્ગદર્શન મેળવ્યું હતું.
સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનોને સ્થાનિક સ્તરે જ સારું બજાર મળે,ખેત ઉત્પાદનો નું પ્રોસેસિંગ,પેકિંગ અને વચેટિયા વગરની વેચાણ વ્યવસ્થા આ ખેતી વધુ વળતરયુક્ત બને,તેના માધ્યમ તરીકે સરકારી યોજનાઓ હેઠળ એફ.પી.ઓ.બનાવવા અને ખેડૂતો દ્વારા જ તેનું સંચાલન કરવું જેવી બાબતોનો શિબિરમાં વ્યાપક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
સાવલી તાલુકાના વાંકાનેર ના વતની અને આ જન આંદોલન સાથે જોડાયેલા ધર્મેશ પટેલે જણાવ્યું કે આઝાદીના અમૃત પર્વે સરકારનો સંકલ્પ જિલ્લાના દરેક ગામના ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાનો છે.તેને અનુલક્ષીને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના બાગવાની મોડલ,ફળ પાકોના જંગલ ઉછેરવા જેવા કન્સેપ્ટ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતોને સાંકળવાનો વિચાર કરવામાં આવ્યો હતો.
આ બાબતમાં સ્વામીજી એ પણ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.ધર્મેશ પટેલ કહે છે કે પ્રાકૃતિક ખેતીનું એસ.પી.એન.એફ. મોડેલ ખેડૂતોને આત્મ નિર્ભર બનાવવાની સાથે છેક ગ્રામ વિસ્તાર થી હવામાન પરિવર્તન એટલે કે કલાયમેટ ચેંજના પડકારો નો સામનો કરવામાં મદદરૂપ બની શકે.
આ અગાઉ સુભાષ પાલેકર મધ્ય ગુજરાત પ્રાકૃતિક કૃષિ જન આંદોલન સંયોજક મંડળ દ્વારા સાવલીમાં સ્વખર્ચે શિબિર યોજીને આ પ્રકૃતિ સંરક્ષક ખેતી પધ્ધતિ અપનાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું જેનો મોટી સંખ્યામાં ખેડૂતોએ લાભ લીધો હતો.

