






ગાયોમાં ફેલાઈ રહેલ લમ્પી રોગ પર નિયંત્રણ લાવવા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઈ અસરકારક કામગીરી
કચ્છ જિલ્લામાં ગાયોમાં જોવા મળી રહેલ લમ્પી રોગને નિયંત્રણમાં લાવવા જિલ્લા પંચાયત કચ્છ દ્વારા અસરકારક કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ રોગ પર સત્વરે નિયંત્રણ લાવી શકાય તે હેતુથી રસીકરણ યોગ્ય પશુઓમાં રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો તાત્કાલિક ૧૯૬૨ હેલ્પલાઈન, તાલુકા ખાતે આવેલ પશુ દવાખાના અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો સંપર્ક કરવા પશુપાલકોને અનુરોધ છે. જિલ્લામાં જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે જિલ્લાના નોડલ અધિકારી તરીકે ડો.એચ. એમ. ઠક્કર , નાયબ પશુપાલન નિયામક, જિ. પ. – ભુજ ૯૪૨૬૭૧૪૯૧૯ અને સહ નોડલ અધિકારી તરીકે ડો. એ. એસ. પરમાર , નાયબ પશુપાલન નિયામક, ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના ભુજ ૯૯૦૯૬૭૪૮૧૨ ની નિમણુંક કરાયેલ છે. જ્યારે તાલુકા નોડલ અધિકારી તરીકે ભુજ તાલુકા માટે ડૉ. ડી.જે. ઠાકોર મો.નં. ૯૪૨૭૦૦૩૧૧૦, નખત્રાણા અને લખપત તાલુકા માટે ડૉ. આર. યુ. ચૌધરી ૯૯૨૫૫૪૧૯૮૨, અબડાસા માટે ડો. મહેંદ્રસિંહ ચૌહાણ ૯૯૭૯૭૮૪૨૧૧, માંડવી અને મુંદ્રા માટે ડો. વી.ડી. રામાણી ૯૮૭૯૧૨૧૩૫૯, અંજાર અને ગાંધીધામ માટે ડૉ. ગિરીશ પરમાર ૯૮૨૫૫૯૧૪૭૩, રાપર અને ભચાઉ તાલુકા માટે ડૉ. નીલેશ પટેલ ૯૯૨૫૩૨૭૭૮૫ ની નિમણુંક કરવામાં આવી છે. પશુમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો ૧૯૬૨ હેલ્પલાઈન, તાલુકાનાં પશુ દવાખાના અથવા નીમવામાં આવેલ નોડલ ઓફિસરનો તાત્કાલિક સંપર્ક કરવા તંત્ર દ્વારા અનુરોધ છે. LUMPY SKIN DISEASE ( LSD) રોગ વિશે : કચ્છ જિલ્લાના ઘણા વિસ્તારોમાં ગાયોમાં હાલમાં લમ્પી સ્કીન ડીસીઝ (LSD) નામનો ચેપી રોગચાળો જોવા મળેલ છે. આ રોગ કેપ્રી પોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જૂ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.
રોગના લક્ષણ : રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે.મોઢામાંથી લાળ પડે છે. ત્યારબાદ પશુની ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિને લીધે આપોઆપ ૨ થી ૩ અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફ્લાવાનો દર માત્ર ૧૦ થી ૨૦ ટકા છે. જ્યારે મૃત્યુ દર ખૂબજ ઓછો ૧ થી ૨ ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.આરોગ મુખ્યત્વે તેના લક્ષણો પરથી પરખાઇ આવે છે. તે ઉપરાંત પી.સી.આર. અને એલાઇઝા પ્રકારની ટેસ્ટ દ્વારા લેબોરેટરી નિદાન થાય છે.
રોગચાળાને અટકાવવા અને કાબૂમાં લેવાના પગલાં : આ રોગચાળાને કાબૂમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી તેમજ યોગ્ય દવાઓનાં ઉપયોગથી માખી, મચ્છર અને ઇતરડી નો ઉપદ્રવ અટકાવવો. રોગગ્રસ્ત વિસ્તારમાંથી કોઇ પશુ લાવવું નહી. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું.
જિલ્લામાં પશુપાલન વિભાગ દ્વારા કરાયેલ કામગીરી: કચ્છ જીલ્લામાં સૌ પ્રથમ આ રોગ લખપત તાલુકાના કૈયારી વિસ્તારમાં નોંધાયેલ હતો. જિલ્લા પંચાયત, કચ્છની પશુપાલન વિભાગની ટીમ દ્વારા ત્યારથી સતત આ વિસ્તારની-મુલાકાત લઈ પશુપાલક માલધારીઓને સમજાવટ કરી રોગગ્રસ્ત પશુઓની સારવાર કરવામાં આવેલ. તેમજ ચોક્કસ નિદાન માટે જરૂરી સેમ્પલ લઈ અમદાવાદની પશુપાલન ખાતાની લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ. કચ્છ જીલ્લામાં અત્યાર સુધીમાં લમ્પી સ્કીન ડીસીઝ નાં ૧૫૮૦ કેસ નોંધાયેલ છે. તેમજ કુલ ૧૧૫૫૭ પશુઓને રસીકરણ કરવામાં આવેલ છે. સરકારી ધોરણે રસીકરણની કામગીરી ઉપરાંત માટે સ્થાનિક ગ્રામ પંચાયતો અને ગૌરક્ષણ સંસ્થાઓ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન, વી.આર.ટી.આઇ. જેવી સંસ્થાઓએ પણ સહકાર માટેની તૈયારી દર્શાવેલ છે.
જ્યાં સુધી આ રોગ સંપૂર્ણ કાબૂમાં આવે નહી ત્યાં સુધી સારવાર અને રસીકરણની કામગીરી ચાલુ રહેશે. જેથી તમામ પશુપાલકો અને જાગૃત નાગરિકોને અપીલ છે કે આ રોગની સારવાર માટે નજીકના પશુ દવાખાના કે ફરતા પશુ દવાખાના કે જેનો સમગ્ર રાજ્ય માટે ૧૯૬૨ હેલ્પ લાઈન નંબર છે તેનો સંપર્ક કરવો. તથા રસીકરણ માટે તાલુકાના મુખ્ય પશુ દવાખાનાનો સંપર્ક કરવો એમ નાયબ પશુપાલન નિયામક શ્રી ડો.એચ. એમ. ઠક્કર જીલ્લા પંચાયત કચ્છ દ્વારા જણાવાયું હતુ.

