


પરિવારથી છૂટા પડેલા, મજૂરી કરતા, ભિક્ષા માગતા બાળકોની જાણકારી આર.પી.એફ અથવા ચાઈલ્ડ હેલ્પલાઇનને આપવા પ્રવાસીઓને કરાઈ અપીલ
આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વેરાવળ રેલ્વે સ્ટેશન પર લોક જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ચાઈલ્ડ હેલ્પલાઇનના કર્મચારીઓ અને રેલવે પોલીસ ફોર્સ દ્વારા પ્રવાસીઓને ચાઇલ્ડ હેલ્પલાઇન -૧૦૯૮ અને તેના કાર્યો વિશે માહિતી આપવામા આવી હતી. ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી ચાઇલ્ડ હેલ્પલાઇન -૧૦૯૮ સેવા કાર્યરત જે ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહયોગથી સમગ્ર ભારત દેશમાં આ સેવા કાર્યરત છે. આ સેવા સતત ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ચાલતી નિશુલ્ક રાષ્ટ્રવ્યાપી સેવા છે. વિશેષ કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતાં બાળકો માટે ચાઇલ્ડ હેલ્પલાઇન સેવા કાર્ય કરે છે. જેમા અનાથ બાળકો, રખડતા ભટકતા બાળકો, બાળ મજુરી કરતા બાળકો, ભિક્ષુક બાળકો જેવા બાળકો જેઓને કાળજી અને રક્ષણની જરૂરિયાત છે. આવા ૦ થી ૧૮ વર્ષ સુધીના તમામ પ્રકારના બાળકોને આ ચાઈલ્ડ લાઈન મદદ કરે છે. વેરાવળ અને સોમનાથ રેલવે સ્ટેશન પશ્ચિમ રેલવેના સૌથી મહત્વપૂર્ણ સ્ટેશન છે. અહી પરિવારથી વિખૂટા પડેલા બાળકો, મજૂરી કરવી પડે અથવા ભિક્ષા માંગવી પડે તેવી પરિસ્થિતિ ધરાવતા બાળકો રેલવે સ્ટેશન પર આવતા મુસાફરોને મળે તો તેની જાણ રેલવે પોલીસ ફોર્સ અને ચાઈલ્ડ હેલ્પલાઇનમાં કરવા માટે અને હેલ્પલાઇનની સેવાઓ વિશે સ્ટેશન પરના પ્રવાસીઓને માહિતગાર કરાયા હતા. જિલ્લામાં ચાઇલ્ડ લાઇન-૧૦૯૮ સેવા ગીર પછાત જાતિ વિકાસ સેવા સમિતિના ઉપક્રમે કાર્યરત છે. જેના પ્રમુખ શ્રીદેવજી ભાઇ માકડીયા છે જેઓ છેલ્લા બે દાયકાઓથી સેવાના કાર્યો સાથે જોડાયેલા છે.

