
બાળ વાર્તાકાર શ્રી ગિજુભાઈ બધેકાની જન્મ જયંતી દિન તા.૧૫મી નવેમ્બરને સમગ્ર રાજ્યમાં બાળવાર્તા દિન તરીકે ઉજવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આ સ્વર્ણિમ જયંતી પ્રસંગે જાણીતા બાળ વાર્તાકાર શ્રી પ્રહલાદભાઈ સુથારના “પમરાટ પુષ્પ પુષ્પ ” અને ” આ… તો… વાતો…” બાળવાર્તાના પુસ્તકોનું વિમોચન શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગર ખાતે કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ કહ્યું હતું કે, ભારતનું ભવિષ્ય એવા બાળકને ગમતા બાળગીતો-બાળવાર્તાઓની કથની હવે લુપ્ત થવા જઈ રહી છે ત્યારે વર્તમાનમાં જે જીવંત રહે અને બાળકોના ઘડતરમાં તેનો ઉપયોગ થાય તે માટે રાજ્ય સરકારે બાળવાર્તા દિન તરીકે ઉજવણી કરવાનો આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ લેખક શ્રી પ્રહલાદભાઇ સુથારને અભિનંદન આપતા કહ્યું કે, શ્રી ગિજુભાઈ બધેકા ૧૦૦ વર્ષ પહેલા બાળમાનસને કેળવવા અને ઘડતર કરવાના વિચારનો પાયો નાખ્યો હતો. બાળ મંદિર અને બાળમાનસની કેળવણીનો ખ્યાલ પણ તેમણે આપ્યો હતો. જાહેર જનતા તેમને ‘મુછાળી માં’ તરીકે ઓળખે છે. શ્રી જીતુભાઇ વાઘાણીએ પ્રહલાદભાઈ સુથારની બાળવાર્તાઓ બાળકોમાં રસપ્રદ બનશે અને ભાષાપ્રેમ જારી રાખશે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર શ્રી સાકળચંદ પટેલ સંકલિત ગિજુભાઈની વખણાયેલી વાર્તાઓ ભાગ ૧ થી ૪ મંત્રીશ્રીને અર્પણ કરી હતી.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહજી જાદવ અને ડો. આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ચેરમેન શ્રી ગૌતમભાઈ ગેડિયાએ કહ્યું હતું કે, ઉપદેશના ભાર વગર બાળકના મનને રાજી કરવું, કેળવવું અને જીવન બોધ કરાવવો તેઓ હેતુ શ્રી પ્રહલાદભાઇ સુથારની બાળવાર્તાઓમાંથી મળે છે.
સમગ્ર કાર્યક્રમના સંકલનકર્તા અને જાણીતા ઉદઘોષક શ્રી ભાનુભાઇ દવેએ રાજ્ય સરકારશ્રીની સાહિત્ય સહયોગી યોજના અને માતૃભાષામાં સાહિત્ય સેવા પ્રદાન કરવાના મહત્વને પ્રસંશનીય ગણાવી અમૂલ્ય સમય ફાળવવા બદલ મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો અને ‘લોકગીતોમાં કૃષ્ણચરિત’ (સંપાદક ર્ડો. હસુ યાજ્ઞિક) પુસ્તક ભેટ આપી લેખક શ્રી સુથારને શુભેચ્છાઓ આપી હતી. મંત્રીશ્રીનું ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યા બાદ શ્રી પ્રહલાદભાઇ સુથારે આ દિવસને અવિસ્મરણીય દિન સમાન ગણાવી ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુસ્તક પ્રકાશન માટે અપાતી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે જ્ઞાન જ્યોત શિક્ષણ સમિતિ, કલોલના સ્થાપક પ્રમુખ શ્રી જયદીપભાઇ વ્યાસ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
