અંત્યોદયના ઉદ્ધારની વાત સરકાર સાર્થક કરી રહી છે – સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા
















કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાશભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ભુજ ટાઉનહોલ ખાતે ગરીબ કલ્યાણ, સેવા, સુશાસન અંતર્ગત કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓનો કાર્યક્રમ યોજાયો હતો.
કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાશભાઇ ચૌધરીએ આ તકે જણાવ્યું હતું કે, દરેક સમસ્યાના નિરાકરણની કામગીરી પ્રધાનમંત્રીશ્રીએ કરી છે. છેવાડાના વંચિતો અને ગરીબોના દરેક વર્ગના દરેક સમાજના લોકોના સર્વાંગી વિકાસ માટે સરકારે વિવિધ યોજનાઓ બનાવી છે. આજે દરેક માટે કલ્યાણકારી યોજનાઓ સુશાસન હેઠળ અમલી થઈ રહી છે. ગુજરાત મોડલના અનુરૂપ દેશનો વિકાસ થઈ રહ્યો છે. આજે દેશમાં ૯૯ ટકા વીજળીની સુવિધાઓ ઉપલબ્ધ છે. દિનદયાળ ગ્રામ જ્યોતિ યોજના હેઠળ ગ્રામ્યસ્તરે ૯૯ ટકા વીજળી પહોંચી છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ દર ચાર માસે રૂ. ૬૫ હજાર કરોડ ૧૧.૫ લાખ કિસાનોને તેમના બેંક ખાતામાં સીધા જમા કરાવી આપે છે.
કચ્છમાં પણ કમલમ, ખારેક, કેરી માટેની શોર્ટિંગ, ગ્રેડીંગ માટે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડમાં રૂ.૨ કરોડની સહાય ખેડૂતને રૂ.૩ ટકાના વ્યાજે મળવાપાત્ર છે. જેની ગેરન્ટી ભારત સરકાર આપે છે. ૧૦ હજાર એફપીઓની રચના કરવાનો સરકારનો લક્ષ્ય છે. ખેડૂતો હાઈટેક ખેતી કરી પોતે વ્યાપારી બની ઉત્પાદન વેચે એવું સ્વપ્ન પ્રધાનમંત્રીનું છે.
વૈશ્વિક મહામારી નોવેલ કોરોના વાઈરસ કોવિડ-૧૯માં સરકારના દૂરદર્શી નિર્ણયો અને વ્યવસ્થાઓના પગલે દેશને કોરોનાથી રક્ષણ મળ્યું હતું. તેમાં વિકાસ કયાંય રોકાયો નથી. દેશવાસીઓને વિનામૂલ્યે રસી અને અન્ય દેશોમાં પણ ભારતે રસી આપી હતી.
ભારતમાં સર્વાંગી ચૌમુખી વિકાસ સાથે નાગરિક કલ્યાણકાર્યો પણ થઇ રહ્યા છે. આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ કેન્દ્ર સરકારના ૮ વર્ષની ઉપલબ્ધિઓનો કાર્યક્રમ જયારે આયોજિત થઇ રહયો છે ત્યારે દેશના વિકાસમાં પ્રત્યેક વ્યકિત પોતાનું યોગદાન આપે. સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયત્ન સૌનો વિશ્વાસને સાર્થક કરી પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં દેશને અગ્રેસર બનાવીએ.
કચ્છ-મોરબી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ આ તકે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના ૮ વર્ષના સેવા, સુશાસનના ગરીબ કલ્યાણની વાત કરનાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દેશ, ગુજરાત, કચ્છને વૈશ્વિકસ્તરે લઈ ગયા છે.
રોડ રસ્તા, આરોગ્ય, પ્રાથમિક સુવિધાઓ કે સ્વાસ્થ્યની વાત હોય બે દસકામાં ભૌતિક સુવિધા અને સુખાકારીનો જે વધારો છે તે નરેન્દ્રભાઈએ કરી બતાવ્યું છે. ૧૩ વર્ષ મુખ્યમંત્રી તરીકે ૮ વર્ષ પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્રભાઈએ પ્રજા વચ્ચે જઇ પ્રજાના કામો કર્યાં. ૧૧ કરોડ શૌચાલયનું નિર્માણ કરાયું છે. જનધન ખાતાઓ ગરીબ માટે ખોલાવ્યા છે. આવાસ અને રોજગારી આપી કરોડો લોકોના જીવનમાં ખુશીઓ આપી છે.
આ તકે સાંસદશ્રીએ ઉમેર્યું કે, સરકારશ્રીની આરોગ્ય યોજના માટે કચ્છમાં ૨.૮૩ લાખ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી અન્ન યોજનામાં મધ્યમ, ગરીબ પરિવાર ૨.૮૪ લાખ લોકો લાભ મેળવે છે. વડાપ્રધાનશ્રીની દીર્ધદષ્ટિના પગલે દેશવાસીઓ વૈશ્વિક મહામારી કોરોનામાં જંગ જીત્યા છે.
ભારતના દરેક જિલ્લામાં પાસપોર્ટ કેન્દ્ર બન્યા છે. ૧.૨૫ લાખ કચ્છીઓએ પાસપોર્ટ સેવાનો લાભ લીધો છે. પંડિત દિનદયાળ અંત્યોદયના ઉદ્ધારની વાતને સરકાર સાર્થક કરી રહી છે.
પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજસ્થાન અને કચ્છની પશુપાલન, સામાજિક સંસ્કૃતિ લગભગ સામ્યતા ધરાવે છે. કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારના ૮ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં કચ્છના વિશ્વ નોંધનીય વિકાસનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈને જાય છે.

અગ્રણીશ્રી નંદાજી ઠાકોરે આ તકે જણાવ્યું હતું કે, કેન્દ્રની સરકારે સામાન્યજન અને છેવાડાના લોકોની સેવા, કલ્યાણ અને ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. વિવિધ યોજનાઓ થકી સરકાર લોકકલ્યાણના કાર્યો કરી રહી છે. જન ધન યોજના, આયુષ્યમાન કાર્ડ, કિસાન સન્માનનિધિ, ઉજ્જવલા યોજના, જયોર્તિગ્રામ યોજના જેવી ગરીબલક્ષી યોજનાઓનો લાભ લોકો મેળવી રહ્યા છે.
આ કાર્યક્રમમાં કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી કૈલાશભાઈ ચૌધરી, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, અંજાર ધારાસભ્યશ્રી વાસણભાઇ આહિર તેમજ શ્રી નંદાજી ઠાકોરે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરી યોજનાના લાભથી તેમના જીવન પરિવર્તન અને લાભાલાભ બાબતે માહિતી મેળવી હતી.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની યોજનાના પાંચ લાભાર્થીઓને પ્રતિકરૂપે ચેક સહાય અને કીટ વિતરણ કરવામાં આવ્યા હતા. આ તકે રૂ.૧૮.૩૦ લાખની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. સંકલિત બાળ વિકાસ યોજનાના ૧થી ૪ વર્ષ સુધીના પાંચ બાળકોને પ્રતિકરૂપે સુપોષણ કીટ પણ મંચસ્થ મહાનુભાવોએ અર્પણ કરી હતી.
સ્વાગત પ્રવચનમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આસ્થાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, “ અત્યંત છેવાડાના ગામ કે જીવનમાં કોઈ લાભાર્થી યોજનાથી વંચિત ના રહી જાય તેનું જિલ્લા વહીવટી તંત્ર ધ્યાન રાખશે.”
કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિશ્રી મનનભાઇ ઠક્કરે કરી હતી.
આ કાર્યક્રમમાં સર્વશ્રી અગ્રણી કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, માંડવી-મુન્દ્રા ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ વણવીરભાઇ રાજપુત, તાલુકા પંચાયત પ્રમુખશ્રી મંજુલાબેન ભંડેરી, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી જયાબેન ચોપડા, ભુજ નગરપતિશ્રી ઘનશ્યામ ઠકકર, ઉપનગરપતિશ્રી રેશ્માબેન ઝવેરી, રાજુ બેનિવાલ, બાલારામ મોઢ, કલેક્ટરશ્રી પ્રવિણા ડી.કે., જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, પ્રાંત અધિકારીશ્રી અતિરાગ ચપલોત, પ્રાંત અધિકારી ડો.મેહુલ બરાસરા, જિલ્લા શિક્ષણાધિકારી ડો.પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારી ડો.કે.ઓ.વાઘેલા, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ઈરાબેન ચૌહાણ, સમાજ કલ્યાણ અધિકારીશ્રી એ.પી.રોહડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી રાઠોડ, મામલતદારશ્રી વિવેક બારહટ, શ્રી નિરવ બ્રહ્મભટ્ટ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના અગ્રણી પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
