


વિશ્વ યોગ દિવસ નિમિત્તે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહેસૂલ મંત્રીએ નગરજનો સાથે યોગ સાધના કરી વડોદરામાં ઉજવાયો આંતરરાષ્ટીય યોગ દિવસ… ભારતનો યોગ વિશ્વવ્યાપી બનતો જાય છે અને પ્રધાનમંત્રીના અથાક પ્રયત્નોથી વિશ્વ યોગ દિવસને મળેલી માન્યતા બાદ તેનો વ્યાપ ઝડપભેર વધી રહ્યો છે યોગ અભ્યાસને લોક જીવનની દૈનિક આદત બનાવવા ગુજરાત સરકાર સંકલ્પબદ્ધ છે, તેવી લાગણી વ્યક્ત કરતા મહેસૂલ અને કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે, રાજ્ય યોગ બોર્ડ સંખ્યાબંધ શિબિરો યોજીને કવોલિફાઇડ યોગ શિક્ષકોનું ઘડતર કરે છે અને તેમના માધ્યમથી યોગને જન જન સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. મહેસૂલ મંત્રીએ ૮ માં વિશ્વ યોગ દિવસે સમા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે મહાનુભાવો અને લોકો સાથે યોગ સાધના કરી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના અથાક પ્રયત્નોથી વિશ્વ રાષ્ટ્ર સંઘે ભારતના યોગને ૨૧મી જુનનો દિવસ સમર્પિત કર્યો તે પછી તેનો વ્યાપ ઝડપથી વિસ્તરી રહ્યો છે. યોગ માટે રોજ સમય ફાળવો, યોગ તમને નિરોગી રાખશે એવો ખાસ અનુરોધ તેમણે કર્યો હતો. આ સ્થળે તેમની સાથે યોગ સાધનામાં સાંસદ રંજનબેન, મેયર કેયુર રોકડિયા, નાયબ મેયર નંદા જોશી, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ, ડો.વિજય શાહ, નગર સેવકો, પદાધિકારીઓને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના યોગ નિપુણ અલ્પા ઠક્કરે યોગ કરાવ્યા હતા. મહેસૂલ મંત્રીએ રાજેન્દ્ર ત્રિવેદીએ યોગને મહાદેવનું વરદાન ગણાવતા યોગ સંસ્કૃતિના વિકાસમાં મહર્ષિ પતંજલિ અને ઋષિ મુનિઓના યોગદાનની જાણકારી આપી હતી. તેમણે યોગને લોક પ્રચલિત કરવામાં બાબા રામદેવના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રીની અખૂટ ઊર્જાનો સ્ત્રોત યોગ છે. સમગ્ર વિશ્વ યોગમય બને વિશ્વ શાંતિ સાકાર થાય એવી તેમણે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીના યોગ દિવસ સંદેશનું તથા પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં મયસોર ખાતે યોજાયેલા દેશના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

