


આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લામાં વસતા દરેક નાગરિકોને સ્થળ પર જ સમયસર આરોગ્ય સેવાઓનો લાભ મળી રહે તે માટે આરોગ્ય સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત મુંદરા તાલુકામાં બે માસમાં 42 જગ્યાએ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટર દીઠ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે.
આરોગ્ય સેવા સેતુ અંતર્ગત યોજાનાર કેમ્પમાં ખાસ કરીને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના – મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ આયુષ્ય માન કાર્ડ બનાવવા, કોવિડ રસીકરણ તથા ડાયાબિટીસ, બ્લડ પ્રેસર જેવા બીન ચેપી રોગોનું સ્થળ પર જ નિદાન કરીને સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મુંદરાના સુખપર અને મહેશ નગરમાં સેવા સેતુ કેમ્પો યોજીને કાર્યક્રમની શરૂઆત કરી દેવામાં આવી છે. અને આગામી બે માસમાં તાલુકાના તમામ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરો ખાતે કેમ્પોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યાનું જણાવતા તાલુકા આરોગ્ય અધિકારી ડો. ક્રિષ્નાબેન ઢોલરીયાએ આયુષ્ય માન કાર્ડ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે નિયત માપદંડો ધરાવતા સામાજિક, આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ 2011ની યાદીમાં સમાવિષ્ટ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો માટે આ યોજના શરૂ કરવામાં આવેલ ત્યાર બાદ આ યોજનાનો વ્યાપ વધારીને વાર્ષિક ચાર લાખથી ઓછી આવક ધરાવતા તમામ મધ્યમવર્ગીય પરીવારોને પણ લાભ આપવાનું નક્કી કરવામાં આવેલ છે. ઉપરાંત માન્ય પત્રકારો, આશા બહેનો, ફિક્સ વેતનમાં કામ કરતા સરકારી પગારદારો, 6 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીજનો, વિધવા – ત્યકતા બહેનો, અનાથ બાળકો, સાત્વિક જીવન જીવતા સાધુ સંતો જેવા વિવિધ માપદંડો સાથે આ યોજનાનો વ્યાપ વધારવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી અમૃતમ યોજનામાં કુટુંબના તમામ સભ્યો દીઠ એક જ કાર્ડ આપવામાં આવતો હતો જ્યારે આયુષ્ય માન કાર્ડ દરેક વ્યક્તિ દીઠ વિના મૂલ્યે બનાવવામાં આવે છે. કાર્ડ બનાવવા માટે રાશન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઈલ નંબર અને આવકનો દાખલો લઈ આવવાનો હોય છે જરૂરી આધારો કેમ્પના દિવસ પહેલા તૈયાર કરી લેવા અને ખાસ તો આવકના દાખલા માટે ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સરપંચ, તલાટીઓ લોકોને સાથ સહકાર આપે એવી અપીલ આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં આવી છે.
મુંદરામાં યોજાયેલ કેમ્પમાં તાલુકા સુપરવાઈઝર હરિભાઈ જાટીયા, કેસરબેન મહેશ્વરી, પ્રકાશભાઈ ઠકકર, સામુદાયિક આરોગ્ય અધિકારી ડો. હસનઅલી આગરિયા, પંકજભાઈ તાવીયાડ, ખુશ્બુબેન અસારી, જયેશભાઈ પાટડીયા, નગમાબેન મલેક તથા લક્ષ્મીબેન અને કાંતાબેન સહયોગી રહ્યા હતા.

