બાળકોને સારું શિક્ષણ મળી રહે તેની ચિંતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે. – સહકાર અને કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)

સમગ્ર રાજ્યમાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુરની શાળાથી કરાવ્યો હતો. રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ), સહકાર અને કુટીર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ(સ્વંતત્ર હવાલો), ઉદ્યોગ, વન અને પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ, પ્રિન્ટીંગ અને સ્ટેશનરી(રાજ્યકક્ષા)એ કચ્છ જિલ્લાના અંજાર મધ્યે વિવિધ શાળાઓમાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવનો આરંભ કરાવ્યો હતો.  

આ તકે સહકાર અને કુટીર ઉદ્યોગ રાજ્યમંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા(પંચાલ)એ જણાવ્યું કે, બાળકોને સારું શિક્ષણ મળે તેની ચિંતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી કરે છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં પ્રારંભિક શિક્ષણને વેગ આપવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. મંત્રીશ્રીએ પ્રવેશ મેળવી રહેલા બાળકો અને અન્ય વિદ્યાર્થીઓને દેશના વૈજ્ઞાનિકો વિશે માહિતી આપી હતી. તેઓએ વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. દરેક વિદ્યાર્થીઓ પોતાના અભિપ્રાયનો પત્ર લખી વડાપ્રધાનશ્રીને મોકલે એવો અનુરોધ તેમણે કાર્યક્રમમાં કર્યો હતો. મંત્રીશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલ, વીર ભગતસિંહ, શ્યામા પ્રસાદ મુખર્જી, ડૉ. એપીજે અબ્દુલ કલામના જીવન સંઘર્ષ અને કાર્યો વિશે બાળકોને માહિતગાર કર્યા હતા.

મંત્રીશ્રીએ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી મહત્વની યોજનાઓ વિશે નાગરિકોને માહિતી આપી હતી. તેઓએ ઉપસ્થિત રહેલા નાગરિકો પાસેથી સરકારી યોજનાઓનો લાભ મળે છે કે નહીં તેના વિશે પૃચ્છા કરી હતી. આ સિવાય જિલ્લા વહીવટીતંત્રના હાજર રહેલા અધિકારીશ્રીઓને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકોને મળે તે માટે સુચારુ આયોજન કરવા માટે સૂચન કર્યું હતું. શાળા પ્રવેશોત્સવ દરમિયાન પ્રવેશ મેળવી રહેલા વિદ્યાર્થીઓને કીટ આપીને તેમને આવકાર્યા હતા.

મંત્રીશ્રીએ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છ જિલ્લાના અંજારની પ્રાથમિક શાળા નંબર ૬, શાળા નંબર ૧૯, શાળા નંબર ૪, શાળા નંબર ૧, કન્યા શાળા નંબર ૧ અને શાળા નંબર ૯ના કાર્યક્રમમાં હાજરી આપી હતી. શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ દરમિયાન શાળાના કેમ્પસમાં મંત્રીશ્રીએ વૃક્ષારોપણ કર્યું હતું. શાળાઓમાં સુવિધાઓનું જાત નિરીક્ષણ કરીને મંત્રીશ્રીએ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સાથે બેઠક કરી હતી. મુલાકાત દરમિયાન શાળાઓની આધુનિક ઈમારતોને લઈને મંત્રીશ્રીએ સરાહના કરી હતી.

આ કાર્યક્રમમાં સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ, નગરપાલિકા પ્રમુખ શ્રી લીલાવંતીબેન પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણા ડી.કે, અંજાર એસડીએમ શ્રી મેહુલ દેસાઈ, અંજાર મામલતદાર શ્રી અફઝલ મંડોરી, સહિત કાઉન્સિલરો, શાળાના આચાર્યો, શિક્ષકો, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM