

વાલીઓને તેમના સંતાનોને શિક્ષણના સંસ્કાર સાથે સ્વ વિકાસથી સમાજ અને રાજ્યના વિકાસમા યોગદાન આપવાનુ આહવાન કરતા મંત્રીશ્રી :
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ
આહવા: તા: ૨૫: ડાંગ જિલ્લાના મુખ્ય વહીવટી મથક આહવાની આંબાપાડા અને સરદાર પ્રાથમિક શાળા ખાતે ૨૧ કુમાર, અને ૨૮ કન્યા મળી કુલ ૪૯ બાળકોને શાળા પ્રવેશ કરાવતા રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ, પ્રવેશ પામતા બાળકોને આશીર્વચન પાઠવ્યા હતા.
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતમા શરૂ કરાયેલા કાર્યક્રમોને કારણે, છેલ્લા વિસ વર્ષોમા ગુજરાતે સર્વાંગીણ વિકાસ સાધ્યો છે, તેમ જણાવતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ શાળા પ્રવેશોત્સવ, અને કન્યા કેળવણી મહોત્સવની ફળશ્રુતિ વર્ણવી હતી.
કોરોના કાળના બે વર્ષ બાદ ફરી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉપયોગિતા વર્ણવતા મંત્રીશ્રીએ, શિક્ષિત ભાવિ પેઢીના ઘડતર માટે શિક્ષણ ઉપર વિશેષ લક્ષ કેળવવાના પ્રધાનમંત્રીશ્રીના અભિગમે, ગુજરાતના વિકાસને નવા મુકામ પર પહોંચાડ્યો છે તેમ જણાવ્યુ હતુ.
આહવાના આંબાપાડા અને સરદાર શાળાના કાર્યક્રમમા મંત્રીશ્રીએ ઉપસ્થિત વાલીઓને તેમના સંતાનોને શિક્ષણના સંસ્કાર સાથે, સ્વ વિકાસથી સમાજ અને રાજ્યના વિકાસમા યોગદાન આપવાનુ આહવાન કર્યું હતુ.
કાર્યક્રમ દરમિયાન શ્રીમતી સીતાબેન નાયકે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનુ કન્યા કેળવણીનુ સ્વપ્ન ગુજરાતમા સાકાર થતુ જોઈ શકાય છે તેમ જણાવ્યુ હતુ. દેશની બદલાયેલી તાસીર અને તસ્વીરનો ચિતાર આપતા શ્રીમતી નાયકે નવા પ્રવેશપાત્ર બાળકોને શિક્ષણના સંસ્કાર આપવાની નવતર પ્રણાલી શરૂ કરીને, ગુજરાતમા શિક્ષણનો પાયો મજબૂત કર્યો છે તેમ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા શ્રીમતી નિલમ ચૌધરી, આહવા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ શ્રી દેવરામભાઈ જાદવ, ડાંગ જિલ્લા ભાજપા પ્રભારી શ્રીમતી સીતાબેન નાયક, મહિલા અગ્રણી શ્રીમતી સુમનબેન દળવી, સામાજિક કાર્યકર સર્વશ્રી ગીરીશભાઈ મોદી, નરેશભાઈ ગવળી, સિદ્ધાર્થ હિરે, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણિલાલ ભૂસારા, હિસાબી અધિકારી શ્રી એન.એસ.ચૌધરી, ગ્રામ પંચાયતના સદસ્યો, વાલી સમિતિના સભ્યો, અને ગ્રામજનોની ઉપસ્થિતમા યોજાયેલા મિલપાડા પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવ દરમિયાન, ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટનુ વિતરણ કર્યું હતુ. શાળા પટાંગણમા વૃક્ષા રોપણ સાથે, મહાનુભાવોએ વાલી સમિતિના સભ્યો સાથે સંવાદ પણ સાધ્યો હતો.
બાળકોએ પ્રાસંગિક વિચારો રજૂ કરી તેમની ક્ષમતાનો પરિચય આપ્યો હતો. મહાનુભાવોએ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનુ સન્માન કર્યું હતુ. આહવાના અંતિમ દિવસના આ કાર્યક્રમોમા નાયબ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નરેન્દ્રભાઇ ઠાકરે, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પ્રગ્નેશ પટેલ, બી.આર.સી. શ્રી કનકસિંહ જાદવ, સી.આર.સી. શ્રી અનિલભાઈ વાઘ, આંબાપાડા સ્કૂલના આચાર્યા શ્રીમતી ઉષાબેન ગામીત, સરદાર શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પઢીયાર, અને મિલપાડા સ્કૂલના આચાર્ય શ્રી વિજયભાઈ ખાંભુ તથા શિક્ષક ગણે કાર્યક્રમોની વ્યવસ્થા સંભાળી હતી.
