








આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં તા.૧૯ જુલાઈ સુધી વંદે ગુજરાત વિકાસ યાત્રા યોજાઈ છે. વડોદરા જિલ્લામાં ગામે ગામ વંદે ગુજરાત વિકાસ યાત્રાને વ્યાપક પ્રતિસાદ સાંપડી રહ્યો છે.ગ્રામજનો દ્વારા વંદે ગુજરાત વિકાસ યાત્રાનું ઢોલ નગારા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.ગામડાઓમાં રથનું કંકુ તિલક સહિત ફૂલહારથી વ્યાપક આવકાર આપવામાં આવી રહ્યો છે. વડોદરા તાલુકાના પોર, તલસટ, અંકોડીયા, કોયલી, બાજવા,નંદેસરી અને ડેસર તાલુકાના ડેસર, વરસડા, પ્રતાપપુરા,ઇટવાડા અને સાવલી તાલુકાના લાંછનપુર અને ભાદરવા સહિત ૧૨ ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું સફળ પરિભ્રમણ થયું છે. વડોદરા તાલુકાના છ ગામોમાં વંદે ગુજરાત વિકાસ યાત્રા દરમ્યાન રૂ.૧૧૬.૩૮ લાખના ૪૫ જેટલા વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.સાવલી તાલુકાના લાંછનપુર અને ભાદરવા ગામે રૂ.૧૨.૫૦ લાખના વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.યાત્રા દરમ્યાન વિવિધ વિભાગોની યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસ કાર્યોને પ્રજાજનો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા વડોદરા જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ૨૦ વર્ષનો વિશ્વાસ -૨૦ વર્ષનો વિકાસ અંતર્ગત યોજાયેલ વંદે ગુજરાત યાત્રાના માધ્યમથી અબાલ વૃદ્ધ સહુ ગુજરાતના વિકાસની ઝાંખી નિહાળી રહ્યા છે. વડોદરા જિલ્લામાં આ વંદે ગુજરાત વિકાસ યાત્રાના બે રથ રોજના બે ગામોમાં પરિભ્રમણ કરી રહ્યા છે.વડોદરા જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો અને જિલ્લાની ચાર નગરપાલિકા વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના થકી ગુજરાતે છેલ્લા બે દાયકામાં સાધેલ વિકાસની ઝાંખી લોકો સમક્ષ મૂકવામાં આવી રહી છે.

