NDRF અને SDRF ની ટીમના જાંબાઝ જવાનોએ જિલ્લા પ્રસાશન તરફથી SOU – એકતાનગરની સફર-પ્રવાસના આયોજનની માણી અદભૂત લિજ્જત

ભારે વરસાદને લીધે રાજપીપલામાં હાથ ધરાયેલા રેસક્યૂ ઓપરેશનમાં ૨૫ વ્યક્તિઓને નવજીવન બક્ષનાર જાંબાઝ જવાનોની કદરરૂપે જિલ્લા વહિવટીતંત્રનું SOU ના પ્રવાસનું નવલુ નજરાણું

તમામ ટીમના લીડર સહિત ૬૯ જેટલા જાંબાઝ જવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વેલ્વે ફ્લાવર્સ, નર્મદા ડેમ સાઈટ એકતા નર્સરીની મુલાકાત લઈને પ્રકૃતિની ગોદના સૌંદર્યનો માણ્યો અદભૂત નજારો

જિલ્લા પ્રસાશન દ્વારા કરાયેલા વિશેષ પ્રવાસ અને સવલતોના આયોજન બદલ જાંબાઝ જવાનો તરફથી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત

શૈશવ રાવ- રાજપીપલા,

નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં રાહત બચાવની કામગીરીમાં સહાયરૂપ થવા સરકારશ્રી તરફથી ૧ NDRF અને ૩ SDRF ની ટીમો જિલ્લા પ્રસાશનની મદદમાં મૂકી છે, ત્યારે જિલ્લામાં ભારે વરસાદને કારણે કરજણ નદીમાં ભારે પાણીને લીધે જૂના કોટ સ્મશાન વિસ્તાર અને હેલિપેડ વિસ્તારમાં ફસાયેલી કુલ ૨૫ જેટલી વ્યક્તિઓને પોતાની જાનના જોખમે NDRF અને SDRF ની ટીમના સભ્યોએ રેસ્કયૂ કરીને જીવનની આશા છોડી દીધેલા આ ૨૫ લોકોને નવજીવન બક્ષવાનું જે કામ કર્યુ છે તેને નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લાના પ્રજાજનોએ ઉદારતાથી બિરદાવી છે. તેની સાથો-સાથ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે રાજપીપલાની મુલાકાત દરમિયાન પણ NDRF અને SDRF ના આ જાંબાઝ જવાનો સાથેની સૌજન્ય મુલાકાતમાં ખૂબ જ આત્મીયભર્યો સંવાદ કરીને તેમની પીઠ થાબડવાની સાથે રેસ્કયૂ કામગીરીના દિલધડક ઓપરેશનમાં આ જવાનોએ ભજવેલી ભૂમિકાની મુક્તકંઠે પ્રસંશા કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આ ૨૫ વ્યક્તિઓને બચાવવા માટે જિલ્લા પ્રસાશને રાજ્ય સરકાર પાસેથી હેલિકોપ્ટરની સેવાઓ લઈને પાણીમાં ફસાયેલા લોકોને ઉગારવાનો નિર્ણય લઈને સરકારશ્રી પાસેથી હેલિકોપ્ટરની સેવાઓ પણ એક તબક્કે માંગવામાં આવી હતી. પરંતુ તા.૧૧મી એ સાંજથી NDRF અને SDRF ની ટીમે હાથ ધરેલા રેસ્કયૂ ઓપરેશનમાં કરજણ નદીમાં પાણીની જાવક વધુ હોવાને લીધે રેસ્ક્યૂની કામગીરીમાં થઈ રહેલો વિક્ષેપ દૂર કરવા જિલ્લા પ્રસાશને થોડા કલાકો પુરતું પાણીની જાવકનું પ્રમાણ ઘટાડી દઈને NDRF અને SDRFની કામગીરી સરળ અને વેગીલી બનાવતા, માત્ર ગણતરીના કલાકોમાં જ પાણીમાં ફસાયેલા લોકોને સલામત રીતે ઉગારવાની ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ હતી. ત્યાર બાદ તુરંત જ કરજણ ડેમમાંથી પાણીની જાવકનું પ્રમાણ પૂર્વવત કરવામાં આવ્યું હતું. આમ, જિલ્લા વહિવટી તંત્રની સમય સૂચકતા અને આ જાંબાઝ જવાનોની જિંદાદિલીને લીધે હેલિકોપ્ટરની સેવા લીધા વિના જ આ ૨૫ લોકોના જાન બચાવી શકાયા છે. જે સમગ્ર જિલ્લા અને રાજ્ય વહિવટી તંત્ર માટે ખુબ જ સરાહનીય બાબતની સાથે ગૌરવપ્રદ બિના કહી શકાય. 
આમ, NDRF અને SDRF ની જિંદાદિલીની ઉક્ત કામગીરીની કદરના ભાગરૂપે નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ડી.એ.શાહના માનવીય અને સંવેદનશીલ અભિગમના પરિણામરૂપે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આજે તા. ૧૩મી જૂલાઈના રોજ જિલ્લામાં વરસાદ બાદ થયેલા ઉઘાડને ધ્યાને રાખીને આ જાંબાઝ જવાનોની ખાસ એવી કોઈ જરૂરિયાત ન હોવાની બાબતને લક્ષમાં લઈને જિલ્લા વહિવટીતંત્ર દ્વારા આ જવાનો માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગરનો ખાસ પ્રવાસ યોજીને તેમને પ્રકૃતિની ગોદના પ્રાકૃતિક સૌંદર્ય માનવાનો લ્હાવો અપાયો હતો. જેમાં આ તમામ ટીમોના ટીમ લીડર સહિત કુલ ૬૯ જેટલા જવાનો જોડાઈને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી ૧૮૨ મીટર ઉંચી અને વિરાટ અપ્રતિમ પ્રતિમાની મુલાકાત લઈને સરદાર સાહેબને ભાવાજંલી અર્પી હતી અને ૪૫ માળની ઉંચાઈએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી સરદાર સાહેબની પ્રતિમાના હ્રદય સ્થાનેથી માં નર્મદાના દર્શન કરી અદભૂત નજારો માન્યો હતો અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળી જિલ્લા પ્રસાશન દ્વારા આ મુલાકાતની તક બદલ ધન્યતાની લાગણી અનુભવી હતી. ઉક્ત જવાનોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ઉપરાંત સ્ટેચ્યૂ પરિસરમાં ભોંયતળિયે આવેલ મ્યૂઝિયમમાં પ્રદર્શિત કરાયેલ તસ્વીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. તદ્ઉપરાંત સરદાર સાહેબના જીવન કવનને લગતી શોર્ટ-ફિલ્મ સહિત સંલગ્ન અન્ય પ્રવાસન પ્રોજેક્ટ જેવા કે વેલ્વે ફ્લાવર્સ, નર્મદા ડેમ સાઈટ, એકતા નર્સરી વગેરે જેવાં પ્રવાસન આકર્ષણ કેન્દ્રોની મુલાકાત લઈને પ્રકૃત્તિની ગોદમાં ખીલેલા આ વિસ્તારના અદભૂત સૌંદર્યનો લ્હાવો માન્યો હતો. જિલ્લા પ્રસાશન દ્વારા આ જાંબાઝ જવાનો માટે બપોરે એકતા નર્સરી ખાતે ટ્રેડિશનલ ટ્રાઈબલ ફૂડની લિજ્જત માણવાનો અવસર પણ અપાયો હતો. આમ, જિલ્લા પ્રસાશન દ્વારા જાંબાઝ જવાનો માટે કરાયેલા આ વિશેષ પ્રવાસ અને સવલતોના આયોજન બદલ તેમના તરફથી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરાઈ હતી.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM