



જિલ્લાની ૫૦૦ હાઇસ્કુલ અને ૧૭૦૦ પ્રાથમિક શાળાઓમાં એક સાથે – એક જ દિવસે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ




બાળકોએ ફળદ્રુપ જમીનમાં આંબા,ખારેક જેવા ફળાઉ વૃક્ષોની પણ વાવણી કરી


આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન અને અમલીકરણ થઇ રહ્યું છે જે અન્વયે દરેક શાળાઓમાં ઓછામાં ઓછા ૭૫ વૃક્ષો વાવણીના નિર્ણય હેઠળ તા.૧૮મીના કચ્છ જિલ્લામાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના બાળકોએ સ્કુલોમાં એક જ દિવસમાં ૫૭,૨૬૦ વૃક્ષો વાવીને કચ્છના પર્યાવરણના જતન અને સંર્વધનમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું.


કચ્છ જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ખુબ સારો વરસાદ થયો છે ત્યારે તમામ સરકારી પ્રાથમિક, ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓના નાના ભુલકાઓ તા.૧૮મીના વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી બનીને સામાજિક વનીકરણનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડો.બી.એન.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં તમામ શાળાઓમાં એક સાથે, એક જ દિવસે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોમાં પર્યાવરણના જતન અંગે જાગૃતિ આવે તેને ધ્યાને લઇને વિદ્યાર્થીઓને ભાગીદાર બનાવી શાળા પ્રાંગણમાં તથા આસપાસની જમીનમાં બહોળા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. માત્ર છોડના વાવેતર નહીં પરંતુ તેનો યોગ્ય ઉછેર થાય તે માટે ટપકસિંચાઇ પધ્ધતિ પણ શાળાઓમાં અપનાવાઇ છે. તો કેટલીક શાળાઓની ફળદ્રુપ જમીન પર ફળાઉ વૃક્ષો જેવા આંબા, ખારેક, જામફળ સહિતના છોડનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.

