ઓક્યુપેશનલ હેલ્થ- ચેલેન્જીસ એન્ડ સ્ટ્રેટરજી વિષયક બે દિવસીય પરિસંવાદનો શ્રમ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પ્રારંભ કરાવ્યો








ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય ખાતું તથા ઇન્ડિયન એસોસીએશન ઓફ ઓક્યુપેશનલ હેલ્થના સંયુક્ત ઉપક્રમે ગુજકોન-૨૦૨૨ શીર્ષક હેઠળ અહીં યોજાઇ રહેલા ઓક્યુપેશનલ હેલ્થ- ચેલેન્જીસ એન્ડ સ્ટ્રેટરજી વિષયક બે દિવસીય પરિસંવાદનો શ્રમ અને ગ્રામ વિકાસ રાજ્ય મંત્રી શ્રી બ્રિજેશ મેરજાએ પ્રારંભ કરાવ્યો હતો. પરિસંવાદમાં ઉપસ્થિત તબીબો ઉપરાંત આ ક્ષેત્રના નિષ્ણાંતોને સંબોધન કરતા રાજ્યમંત્રી શ્રી મેરજાએ કહ્યું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વની ગુજરાત સરકાર સર્વે સંતુ નિરામયાઃના મંત્રે વરેલી છે. રાજ્યના તમામ નાગરિકોનું આરોગ્ય તંદુરસ્ત રહે એ માટે આ સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમયોગીઓને કામ કરવા માટે સલામત અને આરોગ્યમય માહોલ મળી રહે એ માટે સતત પગલાં લેવાતા આવ્યા છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી શ્રમની મહત્તા સમજે છે અને એટલે જ તેમણે શ્રમયોગીઓના કલ્યાણ માટે ચિંતા કરી છે. એટલે જ શ્રમયોગીઓ જ્યાં કામ કરતા હોય એ ઔદ્યોગિક એકમ સ્વચ્છ હોય, સલામત હોય એ જરૂરી છે. ઘણી વખત ઔદ્યોગિક અકસ્માતના કારણે અનિચ્છનીય ઘટના બનવાથી કોઇ પરિવાર ઉપર આફત આવી પડતી હોય છે. એથી જ રાજ્ય સરકારનો ઔદ્યોગિક સલામતી વિભાગ આવા એકમમાં સતત નિરીક્ષણ કરી પ્રિવેન્ટિવ પગલાં લે છે.
ગુજરાતના વિકાસની પૃષ્ઠભૂમિમાં શાસકીય સ્થિરતા, સુશાસન, ઔદ્યોગિક શાંતિ અને કૌશલ્યવાન માનવબળની ઉપલબ્ધતા મહત્વની છે, એમ કહેતા રાજ્યમંત્રી શ્રી ઉમેર્યું કે, ગુજરાતના યુવાનોને કાર્યકૌશલ્યની તેજ બનાવવા માટે સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટીની રચના કરવાની સાથે ઔદ્યોગિક શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર સતત જાગૃત છે.
આ બે દિવસીય સેમિનારમાં વિચારમંથન દરમિયાન જે નિકર્ષનું નવનીત નીકળે એનાથી ઓક્યુપેશનલ હેલ્થમાં ફાયદાકારક બનશે, તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ વેળાએ અગ્રણી ડો. વિજય શાહે પ્રાસંગિક પ્રવચન કરી સેમિનારનો ઉદ્દેશ સ્પષ્ટ કર્યો હતો. આ સેમિનારમાં મેયર શ્રી કેયુરભાઇ રોકડિયા, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, નિયામક શ્રી પી. એમ. શાહ, સંયુક્ત નિયામક શ્રી બામણિયા, એસોસીએશનના શ્રી પી. સી. જૈન, શ્રી હર્ષિત સક્સેના, શ્રી મિલન ઠક્કર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
