વડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત ઇ-એફ.આર.આઇ અંગેના જાગૃતિ કાર્યક્રમમાં મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારની પ્રેરક ઉપસ્થિતિ

લોકોને વધુમાં વધુ સુવિધા મળે તે સરકારના કેન્દ્રમાં, છેવાડાના માનવીની ચિંતા સરકાર કરે છે: મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમાર

વાહન/મોબાઇલ ચોરીની જેમ ભવિષ્યમાં અન્ય વિષયો સંબંધિત ફરિયાદો પણ e-FIRના માધ્યમથી કરી શકાશે: મેયર શ્રી મેયુરભાઇ રોકડીયા

ડોદરા શહેર પોલીસ દ્વારા આયોજિત e-FIR અંગેના જાગૃતિ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપભાઇ પરમારે વિષય વસ્તુને આવરી લઇને વડોદરા શહેર પોલીસ અને શી ટીમની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ કહ્યું કે, “મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની આગેવાનીવાળી ગુજરાત સરકારમાં સુવિધા, વ્યવસ્થા અને આયોજનના કેન્દ્રમાં નાગરિકોનું હિત હોય છે“. તેમણે ઉમેર્યું કે, “લોકોને કતારો અને ધક્કામાંથી મુક્તિ મળે; જીવન સુવિધાયુક્ત અને સરળ બને; તેમજ લોકોનો સમય બચે તે માટે સંવેદનશીલ સરકાર સતત કાર્યશીલ છે“. પૂર હોય કે કોરોનાકાળ, ગુજરાત પોલીસે સેવા અને શાંતિ થકી સુરક્ષિત વાતાવરણ પૂરું પાડ્યું છે, તેમ કહીને તેમણે જણાવ્યું કે, “ગુજરાતની પોલીસના જવાનો પોતાના જીવની કે પરિવારની ચિંતા કર્યા વગર પ્રજાહિત અને લોકસુખાકારીને જ સર્વોપરી માને છે”

        આ પ્રસંગે મેયર શ્રી કેયુરભાઇ રોકડીયાએ જણાવ્યું કે, “આપણા દેશના સુકાની અને યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી મજબૂત છે એટલે દેશ આંતરિક અને બાહ્ય આક્રમણથી મુક્ત છે”. તેમણે વધુમાં કહ્યું કે, “પોલીસ હવે સ્માર્ટ અને ટેક્નોસેવી બની છે, જેનો ખૂબ ફાયદો પ્રજાને મળી રહ્યો છે”. તેમણે ઉમેર્યું કે, “એક સમયે રાજ્યના ઘણા વિસ્તારો તોફાનગ્રસ્ત રહેતા હતા, અશાંતિનો માહોલ હતો, પરંતુ હવે નાગરિકોને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવાય છે”. મેયરશ્રીએ વડોદરા પોલીસ અને શી ટીમને અભિનંદન પાઠવીને પ્રશંસા કરતા કહ્યું કે, “ભવિષ્યમાં લોકોને e-FIRના માધ્યમથી બીજી પણ સુવિધાઓ મળશે.”

        આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર શ્રી ડૉ. શમશેરસિંઘે હાજર લોકોને e-FIR પ્રોજેક્ટ અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને e-FIR ક્યા સંજોગોમાં થઈ શકે, e-FIR કેવી રીતે કરવી, e-FIR નોંધાવ્યા બાદની પ્રક્રિયા શું હોય છે આ તમામ બાબતોથી હાજર લોકોને માહિતગાર કર્યા હતા.. તેમજ આ સુવિધામાં સુધારા-વધારા કે ફેરફાર માટે લોકોને પ્રતિભાવો અને સલાહ આપવા માટે અનુરોધ કર્યો હતો.

મહત્વનું છે કે, આજે શહેરની એસ.એસ.જી. હોસ્પિટલના ઓડીટોરિયમ હોલ ખાતે ઇ-એફ.આર.આઇ અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા તથા તેમના પ્રચાર-પ્રસાર માટે શહેર પોલીસ દ્વારા એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાહન અને મોબાઇલ ચોરીના કેસમાં નાગરિકોને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા જ એફ.આર.આઇ નોંધાવી શકે તે શુભ આશયથી કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિતભાઇ શાહના હસ્તે તા. ૨૩ જુલાઇ, ૨૦૨૨ ના રોજ ગુજરાતમાં e-FIR પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત નાગરિકો સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપ પર ઘરે બેઠા જ ફરિયાદ નોંધાવી શકે છે.

        આ પ્રસંગે ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, અધિક પોલીસ કમિશનર શ્રી ચિરાગ કોટડીયા, ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીઓ, શહેરના પોલીસ કર્મચારીઓ, કોર્પોરેટરો, સામાજિક અગ્રણીઓ, શાંતિ સમિતિના સભ્યો, ફ્રેન્ડ ઓફ પોલીસના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM