
વિશ્વ આદિવાસી દિવસની પરંપરા વેશભૂષા, ઢોલ શરણાઇ, તલવાર અને બંડી પાઘડી તથા તીરકામઠા સાથે ઉત્સાહભેર આદિવાસી જનસમુહ આ ઉજવણીમાં જોડાયો









કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની
પંચમહાલ જિલ્લાના મોરવા તાલુકામાં મોરા એ.પી.એમ.સી. ખાતે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ૯ મી ઓગષ્ટ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સમારોહ આદિજાતિ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
રીઓ-ડી જાનેરો બ્રાઝીલમાં પૃથ્વી પરિષદ યોજી હતી જેમાં ૬૮ જેટલા દેશોના ૪૦૦ જેટલા આદિવાસી આગેવાનો ભેગા થયા હતા અને ગહન ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચાના અંતે ૯મી ઓગસ્ટને દર વર્ષે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વર્ષ ૧૯૯૪થી આ દિવસને સંયુક્ત રાષ્ટ્રે ઉત્સાહભેર ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. જુદા જુદા રાષ્ટ્રો, દેશ અને દુનિયા તથા રાજ્યોમાં જન જાગૃતિ પર્યાવરણ, વિશ્વ બંધુત્વની ભાવના વિકસે તે માટે સાથે સાથે માનવ માનવ વચ્ચે સદભાવ સમરસતા વિકશે તેવા મૂળ ઉદેશથી આ દિવસને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આદિજાતિના લોકો દ્વારા અપાયેલા બલિદાનને પણ યાદ કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આદિવાસી દિવસ- ૨૦૨૨ માં પરંપરાગત જ્ઞાનની જાળવણી અને પ્રસારણમાં સ્વદેશી મહિલાઓની ભૂમિકા થીમ ઉપર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રીશ્રી નિમિષાબેન સુથારે શહીદોને ભાવાંજલી આપતા બિરસા મુંડા અને માનગઢ ક્રાંતિના મહાનાયક ગોવિંદ ગુરૂને નત મસ્તક નમન કરતા વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, સરકારે વન બંધુ કલ્યાણ યોજના, પેસા એક્ટ, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ છાત્રાલય,મોડેલ સ્કુલ, આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજો, મેડીકલ સીટો, ગુણવત્તા યુક્ત શિક્ષણ, આઝાદીની લડતમાં મોટુ યોગદાન આપનાર આદિવાસી સમાજનું ભવ્ય રાષ્ટ્રીય કક્ષાનું રાજપીપળા ખાતે ટ્રાયબલ મ્યુઝીયમ, પ્રધાનમંત્રી આવાસ યોજના, દુધ સંજવની યોજના, માં અન્નપુર્ણા યોજના, આયુષ્યમાન ભારત યોજનાઓનો અમલ કરી આદિવાસી સમાજ વધુ સંગઠીત બને વધુ ઉન્નતી પામે અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌના પ્રયાસના સિધ્ધાંતના ન્યાયે સર્વાંગી વિકાસ પામે અને રાજ્ય અને દેશના વિકાસમાં પોતાની ભુમિકા નિભાવે તેવી વિશ્વ આદિવાસી દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી.
મોરા ખાતે મોટી સંખ્યામાં લોકો જય આદિવાસી, ગોવિંદ ગુરૂનો જય, જય જોહરના જય ઘોષ કરતા ઉત્સાહ ઉમંગથી યુવાનો, વડીલો, મહીલાઓ ઉમટી પડ્યા હતા. એક તીર એક કમાન, સૌ આદિવાસીઓ એક સમાનના જય ઘોષથી આદિવાસી સમાજની પરંપરાગત બંડી પાઘડી, તલવાર, તીર અને ઢોલ થાળી કુંડી, શરણાઇના તાલે મન મુકીને ઝૂમી ઉઠ્યા હતા.
મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી લાભાર્થીઓને વન અધિકાર પત્રો,મકાન સહાય યોજનાના મંજુરીપત્ર,મિશન મંગલમ યોજના,કુંવરબાઇનું મામેરું યોજના,વેલાવાળા મંડપ સહાય યોજના,ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન સહાય,ગંગા સ્વરૂપા આર્થિક સહાય,પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, ખેતીવાડીની એ.જી.આર.-૩ યોજના, બોટ સહાય યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને હાઇબ્રીડ શાકભાજી કીટસ યોજના લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત રમત ક્ષેત્રમાં અને અભ્યાસમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી પ્રશસ્તી પત્રો આપવામાં આવ્યા હતા. પ્રારંભમાં દિપપ્રાગટ્ય અને આદિવાસી પરંપરાગત નૃત્યો સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનો આરંભ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજી, જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેનશ્રી વિક્રમભાઇ ડિંડોર અને અગ્રણીશ્રી અશ્વિનભાઇ પટેલે પ્રાસંગીક સંબોધન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાયોજના વહીવટદારશ્રી એસ.પી.ભગોરાએ સૌને આવકાર્યા હતા
મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત પ્રમુખ કું.કામિનીબેન સોલંકી, જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ રાઠોડ, સામાજીક ન્યાય સમિતિના ચેરમેનશ્રી મણીબેન રાઠોડ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ધર્મિષ્ઠાબેન માલીવડ, જિલ્લા પંચાયત સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યો, આદિજાતિના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા આદિવાસી સમાજના માનવ મહેરામણ વચ્ચે ઉજવણી કાર્યક્રમ મદદનીશ આદિજાતિ કમિશ્નરશ્રી ભરપોડાના આભાર દર્શન સાથે સંપન્ન થયો.
