દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર વીર સપૂતોના સ્વપ્નને સાકાર કરવાના લક્ષ્ય સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટે સૌને સંકલ્પબધ્ધ થવા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાનું આહવાન

દેડિયાપાડા તાલુકા મથકે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના યોજાયેલા ધ્વજારોહણ સમારોહમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો

જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાના હસ્તે PMJAY અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જનરલ હોસ્પિટલ રાજપીપલા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ગરૂડેશ્વરના તબીબો ઉપરાંત ઈમરજન્સી સેવા ૧૦૮ના કર્મયોગીઓને સન્માનિત કરાયા.

દેડિયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક કલેક્ટરશ્રીના હસ્તે મામલતદારશ્રીને કરાયો અર્પણ

શૈશવ રાવ

રાષ્ટ્રના ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગત સોમવારે દેડિયાપાડા તાલુકા મથકે  પીઠાગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજારોહણ સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તારાબેન રાઠોડ, પૂર્વ વન મંત્રીશ્રી મોતીસિંહ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી શંકરભાઈ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નું, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુબે સહિત જિલ્લાના અગ્રણી મહાનુભાવો, શાળાના વિદ્યાર્થીઓ, જિલ્લાવાસીઓ અને નગરજનોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ આજના સ્વાતંત્ર્ય પર્વના વધામણાં સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને સ્વાતંત્ર્ય દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવાની સાથોસાથ ઉપસ્થિત મહાનુભાવોનું તેમણે અભિવાદન પણ કર્યું હતું. 

     જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ “ મા ” ભારતીના ઇતિહાસના ગૌરવપૂર્ણ દિવસની આજની ઉજવણી પ્રસંગે ધ્વજવંદન બાદ ઉપસ્થિત માનવ મેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, આજે આપણે બધા ઉન્નત મસ્તકે મુક્ત પણે જીવન જીવી રહ્યાં છે તેની પાછળ મહાન સ્વાતંત્ર્ય વીરોના બલિદાન, ત્યાગ અને તપસ્યાની ત્રિવેણી વહી રહી છે. રાષ્ટ્રપિતા પૂજ્ય બાપુ મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઇ પટેલ, શ્યામજી કૃષ્ણ વર્મા, વીર સાવરકર જેવા અસંખ્ય સ્વાતંત્ર્ય વીરો અને મહા પુરૂષોએ દેશને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવા માટે અથાગ સંધર્ષ કર્યો છે. અને તેના પરીણામે આજે આપણને આઝાદ ભારતના સંતાન હોવાનું સદભાગ્ય સાંપડ્યું છે.  આ તકે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર જેવા તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર-અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી.

     શ્રીમતી તેવતિયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતના એક પનોતા પુત્ર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે એક રાષ્ટ્ર બનાવ્યું તો બીજા પનોતા પુત્રશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપણા દેશને “ એક ભારતને શ્રેષ્ઠ ભારત” બનાવવાની દિશામાં નક્કર કદમ માંડ્યા છે. આપણો દેશ અમૃત કાળમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે દેશની આઝાદી માટે પોતાનુ સર્વેસર્વા ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઇ રહ્યું છે તેનુ આપણને સૌને ગૌરવ છે. દેશની એકતા અખંડિતતા અને ગૌરવના પ્રતિક સમાન તિરંગાના સન્માન માટે “ હર ઘર તિરંગા” ની સંકલ્પના આપવામાં આવી ત્યારે તમામ દેશવાસીઓ જાતિ, ધર્મ કે સરહદોથી પર ઉઠીને તિરંગાના સન્માન માટે એક થઇને “એક ભારત શ્રેષ્ઠ ભારત” નો મંત્ર સાર્થક કરી રહ્યાં છીએ. ભારતની સ્વતંત્રતાની ૭૬ મી વર્ષગાંઠ નિમિત્તે “ આઝાદીકા અમૃત મહોત્સવ “ ની થીમ સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થઇ રહી છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધીને ગુજરાતની વણથંભી વિકાસયાત્રા તેઓ આગળ ધપાવી રહ્યાં છે, તેમ તેમણે ઉમેર્યુ હતુ. 
      વધુમાં તેમણે કહ્યું કે, SOU-એકતાનગર ખાતે અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઉંચી અને વિરાટ પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે વિશ્વના પ્રવાસન નકશામાં અંકીત થયેલા નર્મદા જિલ્લાએ અનેક ક્ષેત્રોમા નામના અનેક ખ્યાતિ મેળવી છે. સ્વાતંત્ર્ય પર્વ એ આઝાદીના ઘડવૈયાઓ અને લડવૈયાઓને અંજલી આપવાનું પર્વ તો છે જ, સાથોસાથ દેશે આઝાદી બાદ કરેલી પ્રગતિના લેખા-જોખા કરવાનો પણ અવસર છે. ત્યારે નર્મદા જિલ્લાએ પણ વિવિધ ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિની સાથે પ્રગતિશીલ ગુજરાતના મિશનને વધુ વેગવાન બનાવવાના સહિયારા પ્રયાસો સાથે સહુ દેશવાસીઓને મજબૂત રાષ્ટ્રના નિર્માણની ભાવના સાથે દેશના સન્માન અને સ્વાભિમાનને બરકરાર રાખવાની કટિબધ્ધતા સાથે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વધુ સાર્થક બની રહે તે માટે સંકલ્પબધ્ધ થવાનું આ તકે શ્રીમતી શ્વેતા તેવતિયાએ આહવાન કર્યું હતું.

      મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યની સતત ચિંતા કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તાજેતરમાં જ ગુજરાતમાં પ્રારંભ કરાયેલી પોષણ સુધા યોજનાનો ઉલ્લેખ કરતા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ જણાવ્યું કે, માન. વડાપ્રધાનશ્રીની “સહી પોષણ-દેશ રોશન” ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લો પણ કમર કસી રહ્યો છે. જિલ્લાની ૯૫૨ આંગણવાડી કેન્દ્રના અંદાજે ૩૦ હજાર જેટલા ભૂલકાઓને ફ્લેવર્ડ મિલ્ક, પોષણ યુક્ત આહાર, ટેક હોમ રેશન અંતર્ગત બાલ શક્તિ ઉપરાંત અંદાજે ૫ હજાર જેટલી સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃશક્તિ તથા અંદાજે ૧૨,૯૭૫ કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સ પુરા પાડવામાં આવી રહ્યાં  છે. હાલમાં જિલ્લામાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ચણા, તુવેર દાળ, સીંગતેલ તેમજ પોષણ સુધા યોજના અંતર્ગત સગર્ભા-ધાત્રી માતાઓને આંગણવાડી ખાતે બપોરે સંપૂર્ણ આહાર-ભોજન પુરુ પાડવામાં આવી રહ્યું છે. 

          ગુજરાતમાં આદિવાસી સમાજના હિત માટે સરકારશ્રી દ્વારા લેવાઇ રહેલાં સકારાત્મક પગલાંની વાત કરતા કલેકટરશ્રી તેવતિયાએ જણાવ્યું કે, અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વપટૃીના આદિવાસી વિસ્તારના સર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજનાના સઘન અમલીકરણ માટે પણ સરકાર કટિબધ્ધ છે. તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લામાં કરાયેલી ઉજવણી નિમિત્તે અંદાજે કુલ રૂા. ૧,૩૮૩.૨૯ લાખના ખર્ચે ૭૮,૫૦૦ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાકીય સહાયના લાભોનું વિતરણ કરાયું છે. તો વન અધિકાર ધારો-૨૦૦૬ અને અધિનિયમ-૨૦૦૮ હેઠળ કુલ-૧૨,૨૪૦ જેટલા લાભાર્થીઓના હક્ક-દાવાઓ મંજૂર કરીને આશરે ૧૬,૭૭૧ હેક્ટર જમીનના આદેશપત્રોનું વિતરણ કરાયેલ છે.

           આ તબક્કે જિલ્લા વહિવટી-આરોગ્યતંત્રની સુસજ્જતા ઉપરાંત જિલ્લાના નાગરિકોની જનસુખાકારી અને કર્મયોગીઓની સુખાકારી સહિત વિવિધ ક્ષેત્રોના સર્વાગીણ વિકાસ સંદર્ભે હાંસલ કરાયેલ વિશિષ્ટ સિધ્ધિઓ સહિતના જિલ્લા પ્રસાશનના મહત્વના પ્રોજેકટસ અંતર્ગત થયેલી નોંધનીય કામગીરીની આંકડાકીય રૂપરેખા સાથેનો સવિસ્તાર ચિતાર જિલ્લા કલેક્ટરશ્રીએ આપ્યો હતો.

           આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના હસ્તે દેડીયાપાડા તાલુકાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક મામલતદારશ્રી એસ.વી.વિરોલાને અર્પણ કરાયો હતો. જ્યારે PMJAY (પ્રધાનમંત્રી જન આરોગ્ય વિમા યોજના) અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર જનરલ હોસ્પિટલ રાજપીપલા અને સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, ગરૂડેશ્વરના તબીબોને પ્રશસ્તિપત્રો આપી જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાના હસ્તે સન્માન કરાયું હતું. તદઉપરાંત ૧૦૮ ના સ્ટાફ સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓનું પ્રશસ્તિપત્ર આપી સન્માન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન દેડીયાપાડા તાલુકાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બની કૃતિઓ રજૂ કરી હતી. જેમાં  પ્રથમ, દ્વિતીય અને તૃતિય સ્થાન હાંસલ કરનાર કૃતિઓના વિદ્યાર્થિઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા મહિલા પોલીસ દ્વારા વેપન (હથિયાર) હેન્ડલિંગનું નિદર્શન કરાયું હતું. આ પ્રસંગે પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) રજૂ થઇ હતી. અંતમાં જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા અને ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે પીઠા ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણ પણ કરાયું હતું.
KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM