

શૈશવ રાવ
જિલ્લા કલેકટર શ્રીમતી તેવતિયાના અધ્યક્ષપદે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠક
નર્મદા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લાના પ્રજાકીય પ્રશ્નોના સમયસર યોગ્ય, ઝડપી અને સુચારું ઉકેલ સાથે પ્રજાજનોને લોકાભિમુખ વહિવટની પ્રતિતિ થાય તે જોવાનો “ટીમ નર્મદા” ને ખાસ અનુરોધ કર્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, તાલુકા પંચાયતના પમુખશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વનસંરક્ષકશ્રી નિરજકુમાર અને શ્રી મિતેશ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.કે.વ્યાસ, પ્રાયોજના વહિવટદારશ્રી બી.કે.પટેલ, પ્રાંત અધિકારીશ્રી શૈલેષભાઇ ગોકલાણી અને શ્રી આનંદ ઉકાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી સુધાબેન વસાવા સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાએ જિલ્લા સંકલન સમિતિમાં જિલ્લાના જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોના ઉકેલની દિશાના પ્રગતિ અહેવાલ સહિત અગાઉના જૂના જે-તે પ્રશ્નો-કામો પૂર્ણ થયેથી તેનો સંપૂર્ણ અહેવાલ જિલ્લા કલેક્ટરાલયને મોકલવાની હિમાયત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આગામી માસથી પ્રજાના જનપ્રતિનિધિશ્રીઓના આવા ઉકેલ માંગતા પ્રશ્નોની જરૂરી સમીક્ષા કરાશે, જેથી આવા પ્રશ્નોના ઉકેલ સાથે સંબંધિત જનપ્રતિનિધિશ્રીઓને તેની સમયસર જાણ થાય તે સુનિશ્વિત કરવાની શ્રીમતી તેવતિયાએ ખાસ સૂચના આપી હતી.આ બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ તરફથી રજૂ કરાયેલા વિવિધ વિભાગોને લગતા પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઇ હતી અને તેના વ્યવહારુ અને સુચારું ઉકેલ માટે જિલ્લા કલેકટર શ્રીમતી તેવતિયાએ સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. આ બેઠકમાં જુદા-જુદા સરકારી વિભાગો વચ્ચેના આંતરિક વહિવટી બાબતોના ઉકેલ અંગે પણ ચર્ચા-વિચારણા કરાઇ હતી.

