
જીવન એક ઉત્સવ ફોટો પ્રદર્શનનો શ્રીમંત સમરજીતસિંહે કરાવ્યો પ્રારંભ..

મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષા વકીલ ધારાસભ્યો અને મહાનુભાવો વેધક છબીઓ જોઈ થયાં મંત્રમુગ્ધ….

૧૯ મી ઓગષ્ટના વિશ્વ ફોટોગ્રાફી દિવસના વિશેષ પ્રસંગને અનુલક્ષીને ફોટો જર્નલિસ્ટ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા આયોજિત જીવન ઉત્સવ ક્લિક ૯ તસવીર પ્રદર્શનનું શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડે,મહેસુલ અને કાયદા મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી,મહિલા અને બાળવિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી મનીષા વકીલ,મેયર શ્રી કેયુર રોકડિયા અને ધારાસભ્યશ્રીઓ ની ઉપસ્થિતિ માં પ્રારંભ કરાવ્યો હતો.
અભિવ્યક્તિ આર્ટ ગેલેરી ખાતે આયોજિત આ ત્રણ દિવસના છબી પ્રદર્શનમાં શહેરી જીવન અને ઉત્સવો,સાંપ્રત પ્રસંગોની ચેતના ઉજાગર કરતી ૯૦ તસવીરો મૂકવામાં આવી છે.છેલ્લા ૮ વર્ષથી આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે જેના આ ૯ મી આવૃતિ છે.
કસાયેલા ફોટો પત્રકારો સર્વશ્રી ભૂપેન્દ્ર રાણા,અશ્વિન રાજપૂત, ભરત પારેખ,ચંદન ગિરિ,જીજ્ઞેશ જોશી,કમલેશ સુરવે,કેયુર ભાટિયા,કીર્તિ પડિયા,પ્રણય શાહ અને રણજીત સૂરવે નું પસંદગીનું કેમેરા વર્ક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. ઉત્સાહમાં આવી ગયેલા મહાનુભાવો એ કેમેરો ક્લિક કરીને સૌ ને પ્રોત્સાહિત કર્યા હતા.

આ એવી ક્ષણો છે જે ક્યારેય વિસરાય નહિ એ આપણને ગમે અને આ છબીઓ એ ક્ષણો ને જીવંત રાખે છે એવી લાગણી વ્યક્ત કરતાં મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આપણી આંખો જે જોઈ શકતી નથી એ છબીઓ કેમેરો કંડારી લે છે.આ પ્રદર્શન તેનું ઉત્તમ ઉદાહરણ છે.
આપણા છબીકારો ની સર્જન ક્ષમતાનું નિરૂપણ કરતું આ પ્રદર્શન નિહાળવાની તક હું ક્યારેય ચૂકતી નથી એવી લાગણી વ્યક્ત કરતાં મંત્રી શ્રીમતી મનીષા વકીલે જણાવ્યું કે ઉગતા છબીકારો માટે આ પ્રદર્શન પ્રેરણા સ્ત્રોત સમાન છે.
પૂર્વ મંત્રીશ્રી યોગેશભાઈ પટેલ,ધારાસભ્યશ્રી જીતેન્દ્રભાઇ સુખડીયા,સીમાબેન મોહીલે,શૈલેષ મહેતા અને મહાનુભાવોએ રસપૂર્વક પ્રદર્શન નિહાળી પ્રોત્સાહન આપ્યું હતું.
વાસ્તવિક જિંદગી,એની સાથે જોડાયેલો આનંદ,ઉર્મિઓ,ગ્રામીણ જીવનના ધબકારા,જંગલ જીવનની ચેતના,ઉત્સવ અને પર્વોનો ઉત્સાહ, પ્રકૃતિ ની રમ્યતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભવ્યતા,આદિવાસી જીવનની રમ્યતા પ્રદર્શિત કરતું આ પ્રદર્શન પરિવાર સાથે નિહાળવા જેવું છે.

