







ગુજરાત રાજય પ્રાકૃતિક કૃષિ દ્વારા કૃષિ ક્રાન્તિનું પ્રેરણા કેન્દ્ર બનશે – રાજયપાલશ્રી
કમલમ ન્યુઝ પંચમહાલ જતીન સોની
ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે
ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જન અભિયાન ઉપાડયુ છે.
ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે હાલોલ તાલુકાના તાજપુરા ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ પ્રકૃતિના શરણે પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન આપ્યુ હતું. તેમણે જણાવ્યુ હતું કે ગુજરાત રાજય પ્રકૃતિક કૃષિ દ્વારા કૃષિ ક્રાન્તિનું પ્રેરણા કેન્દ્ર બનશે. રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુક્તિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવી એ આજના સમયની માંગ છે.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ રાસાયણિક કૃષિથી મુક્તિ માટેના સંકલ્પ સાથે ગુજરાતમાં ઓર્ગેનિક કૃષિ યુનિવર્સીટીની સ્થાપના કરી હતી. આજે ગુજરાતે હાલોલની પાવન ધરા ઉપર પ્રાકૃતિક કૃષિ અને કૃષિ યુનિવર્સીટીની સ્થાપના કરી માત્ર દેશ માટે નહી સમગ્ર વિશ્વ માટે પ્રેરણા પુરી પાડી છે. તેમણે જણાવ્યું હતું કે દેશના ખેડૂતો આત્મનિર્ભર બનશે તો દેશ આત્મનિર્ભર બનશે. ખેડૂતો અને ખેતીને આત્મનિર્ભર બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ પ્રાકૃતિક કૃષિ છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર દેશના કિસાનોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા આહવાન કર્યુ છે અને આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ સાથે જોડાવા અનુરોધ કર્યો છે ત્યારે, ગુજરાતે પ્રત્યેક ગામમાંથી ૭૫ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ સાથે જોડવા જન અભિયાન ઉપાડયુ છે.
રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના મુળ ભાવને સમજાવતા જણાવ્યું હતું કે જંગલમાં વૃક્ષ, વનસ્પતિને કોઇ રાસાયણિક ખાતર કે જંતુનાશકો આપવામાં આવતા નથી તેમ છતાં તેનો પ્રાકૃતિક રીતે વૃધ્ધિ વિકાસ થાય છે. આ જ રીતે ખેતરમાં પ્રાકૃતિક રીતે કૃષિ કરવામાં આવે તે જ પ્રાકૃતિક કૃષિ કહેવાય છે.
રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે આજે સમગ્ર વિશ્વ ગ્લોબલ વોર્મિગની સમસ્યાથી ત્રસ્ત છે. ગ્લોબલ વોર્મંગની આ સમસ્યા પાછળ રાસાયણિક કૃષિનો ૨૪ ટકા ફાળો છે. તેમણે જણાવ્યું હતું કે આઝાદી બાદ દેશની ખાધ્યાન્નની જરૂરીયાતને પુરી કરવા હરિત ક્રાંતિના માધ્યમથી રાસાયણિક કૃષિ અપનાવીએ તે સમયની માંગ હતી. પરંતુ હવે રાસાયણિક કૃષિના દુષ્પરિણામો સામે આવી રહ્યા છે. રાસાયણિક કૃષિના કારણે જળ-જમીન અને પર્યાવરણ દુષિત થયા છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના અંધાધૂધ ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન સતત ઘટી રહયો છે. જમીનની ફળદ્રુપતા ઘટતી રહી છે. જેના કારણે જમીન બંજર બની રહી છે. રાસાયણિક કૃષિમાં કૃષિ ખર્ચ સતત વધી રહયો છે. અને ઉત્પાદન સતત ઘટી રહયુ છે. જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક કૃષિના કારણે ઉત્પાદિત દુષિત ખાધ્યાન્ન્ આરોગવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખતરો ઉભો થયો છે. લોકો કેન્સર, ડાયાબિટીસ, હ્દયરોગ, જેવા અસાધ્ય રોગના ભોગ બની રહયા છે.
રાજયપાલશ્રીએ રાસાયણિક કૃષિના દુષ્પરિણામોથી મુકિત મેળવવાના મજબૂત વિકલ્પ તરીકે પ્રાકૃતિક કૃષિને ગણાવી જણાવ્યું હતું કે પુરી વિધિથી પ્રાકૃતિક કૃષિ પ્રમાણિકતાથી કરવામાં આવે તો આ કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણવતા રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે એક દેશી ગાયની મદદથી ૩૦ એકર જમીનમાં પ્રાકૃતિક કૃષિ થઇ શકે છે.
દેશી ગાયના એક ગ્રામ છાણમાં ૩૦૦ કરોડ જેટલા સુક્ષ્મ જીવાણુ હોય છે. ગાયનું ગૌમૂત્ર ખનીજોનો ભંડાર છે. દેશી ગાયના છાણ ગૌમૂત્ર, દાળનું બેશન, ગોળ, પાણી અને માટીના મિશ્રણથી બનતા જીવામૃત અને ઘન જીવામૃત કલ્ચર તરીકે કાર્ય કરે છે. આ પ્રાકૃતિક ખાતરથી જમીન ફળદ્રુપ બને છે. જળ, જમીન અને પર્યાવરણની રક્ષા થાય છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન-સંવર્ઘન થાય છે. આ પધ્ધતિમાં કૃષિ ખર્ચ નહીવત આવે છે. અને ઉત્પાદન પુરતું મળતુ હોવાથી ખેડૂતો માટે આ પધ્ધતિ અત્યંત લાભદાયી છે.
રાજયપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિના સિધ્ધાંતો સમજાવતા જણાવ્યું હતું કે આ પધ્ધતિમાં છાણ,ગૌમૂત્રથી બનતા બીજામૃતથી બીજને સંસ્કારિત કરવામાં આવે છે. જેના કારણે બીજનું અંકુરણ ઝડપથી થાય છે. જીવામૃત – ઘન જીવામૃત, પ્રાકૃતિક ખાતર જેવું કાર્ય કરે છે. આ પધ્ધતિમાં કૃષિ અવશેષોથી જમીનને આંકવામાં આવે છે. આ મલ્ચીંગથી જમીનનું ઉંચા તાપમાન સામે રક્ષણ થાય છે. જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહે છે. જેથી આ પધ્ધતિમાં પાણીનો વપરાશ ૫૦ ટકા ઘટાડી શકાય છે. મલ્ચીંગને કારણે અળસીયા જેવા મિત્રજીવો અને અન્ય સુક્ષ્મજીવોને દિવસ દરમિયાન કાર્ય કરવાનું વાતાવરણ મળી રહે છે. આ ઉપરાંત આ પધ્ધતિમાં માટીના કણો વચ્ચે હવા અને ભેજના પ્રમાણની જાળવણી થવાથી વાત્સાનું નિર્માણ થાય છે. આ પધ્ધતિમાં મિશ્રપાકનું પણ મહત્વ છે.
રાજયપાલશ્રીએ ઓર્ગેનિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિને સાવ અલગ ગણાવી જણાવ્યું હતું કે ઓર્ગેનિક કૃષિ અર્થાંત જૈવિક કૃષિમાં ઉપયોગમાં લેવાતા વિદેશી અળસિયા ભારતીય વાતાવરણમાં પુરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતા નથી આ પધ્ધતિમાં વર્મી કંપોસ્ટના નિર્માણ પાછળ ઘણો ખર્ચ અને મહેનત થાય છે. ઓર્ગેનિક કૃષિમાં નિંદામણની સમસ્યાનો હલ મળતો નથી.એટલું જ નહી ઓર્ગેનિક કૃષિમાં શરૂઆતના વર્ષોમાં ઉત્પાદન ઘટે છે. જેથી આ કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે લાભદાયી બનતી નથી. જયારે પ્રાકૃતિક કૃષિમાં ઉત્પાદન ઘટતુ નથી. જીવામૃત-ઘન જીવામૃત જેવા પ્રાકૃતિક ખાતરના નિર્માણ માટે ખર્ચ નહીવત થાય છે. એટલું જ નહી જીવામૃત – ઘન જીવામૃતના ઉપયોગથી અળસિયા જેવા મિત્ર જીવો અને સુક્ષ્મ જીવોની વૃધ્ધિ થાય છે. જમીન ફળદ્રુપ બને છે. અને ઉત્પાદનમાં વધારો થાય છે. પ્રાકૃતિક કૃષિમાં ઓછા ખર્ચથી વધુ ઉત્પાદન મળવાથી ખેડૂતો માટે લાભદાયી છે.
રાજયપાલશ્રીએ અળસિયાને ખેડૂતોના મિત્રજીવ ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ભૂમિમાં રહેલા જટિલ ખનિજો અને પોષક તત્વોને આરોગીને અળસિયા તેનું શોષી શકાય તેવા સરળ પદાર્થમાં રૂપાંતર કરે છે. જેનું શોષણ કરી છોડ પોષણ મેળવે છે. પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત – ઘન જીવામૃતના ઉપયોગથી આ મિત્રજીવો અને અન્ય સુક્ષ્મજીવોની પુરતી વૃધ્ધી થાય છે. ધરતીના ઓર્ગેનિક કાર્બનમાં વૃધ્ધિ કરે છે. અને જમીન ફળદ્રુપ બને છે. અળસિયા જમીનમાં અસંખ્ય છેદ બનાવી જમીનને નરમ બનાવે છે. જેથી જમીનને ઓકસિજન મળે છે. આ અસંખ્ય છેદ દ્વારા વરસાદનું પાણી જમીનમાં ઝડપથી ઉતરે છે અને કુદરતી રીતે જળ સંચય થાય છે.
રાજયપાલશ્રી એ પ્રાકૃતિક કૃષિને ખેડૂતો અને કૃષિની સમૃધ્ધિ માટે આવશ્યક ગણાવ્યું હતું અને વધુ ને વધુ ખેડૂતો આ પધ્ધતિમાં જોડાય તે માટે અનુરોધ પણ કર્યો હતો.
આ પરિસંવાદમાં આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નિમિષાબેન સુથારે જણાવ્યું કે, સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિનું પૂજનીય સ્થાને છે. પરંતુ અત્યારે વિકાસનું દોડમાં વિશ્વભરમાં પ્રકૃતિનું ભરપૂર દોહન કરાયું છે. ખેત ઉત્પાદન વધારવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી જમીનની ફળદ્રુપતાને વ્યાપક નુકશાન થયું છે અને માનવ જીવનમાં પણ રોગોનો ઉપદ્રવ વધ્યો છે. ત્યારે પ્રાકૃતિક ખેતી એ ધરતીમાતાના પૂજન સમાન છે.
તેમણે જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ થકી જમીનની ફળદ્રુપતા વધશે. ખેત ઉત્પાદન વધશે અને ખેતીનો ખર્ચ પણ ઘટશે. પરિણામે ખેડૂત સમૃદ્ધ બનશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આઝાદી ના અમૃત મહોત્સવ અંતર્ગત દરેક ગ્રામ પંચાયત વિસ્તારમાં ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે આહ્વાન કર્યું છે. તેને આપણે સાકાર કરવાનું છે.
પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, સમગ્ર દેશની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિશ્વ વિદ્યાલયનું આજે હાલોલ ખાતે ભૂમિપૂજન થયું છે તે ગર્વની બાબત છે. રાસાયણિક ખાતરો, જંતુનાશક ખેતીથી જમીન અને માનવ સ્વાસ્થ્યને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે પ્રાકૃતિક કૃષિ તેનો ઉત્તમ ઉકેલ છે. પ્રાકૃતિક કૃષિ અપનાવી ખેડૂતો ઓછા ખર્ચે બમણું ઉત્પાદન મેળવી શકે છે અને તેમની આવકમાં પણ વધારો થશે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના વરદ હસ્તે ૭૫ પ્રાકૃતિક કૃષિ સાફલ્ય ગાથા પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના પ્રારંભે કલેક્ટર શ્રી સુજલ મયાત્રાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરી સૌને આવકાર્યા હતા અને કાર્યક્રમના સમાપનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી અર્જુનસિંહ રાઠોડે આભાર પ્રવચન કર્યું હતું.
પરિસંવાદ કાર્યક્રમમાં મહાનુભાવોનું પ્રાકૃતિક ખેતપેદાશોથી સ્વાગત કરાયું હતું. અહીં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોના ખેત ઉત્પાદનના સ્ટોલ પણ ઉભા કરાયા હતા.
આ વેળાએ કાલોલના ધારાસભ્ય સુશ્રી સુમનબેન ચૌહાણ, ગુજરાત પ્રાકૃતિક વ સેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના ઉપ કુલપતિ શ્રી સી.કે. ટીંબડીયા, એસપીએનએફ રાજ્ય સંયોજક શ્રી પ્રફુલ્લભાઈ સેંજલિયા, પ્રાયોજના વહિવટદાર શ્રી ડી.આર. પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી.એસ.પટેલ, નાયબ ખેતી નિયામક વિસ્તરણ શ્રી અરવિંદ સોનારા, ખેતીવાડી અધિકારી શ્રી એમ.જી. પટેલ, શ્રી નારાયણ આરોગ્ય ધામના ટ્રસ્ટી શ્રી રાજેશભાઈ, પ્રાકૃતિક કૃષિ નિષ્ણાત શ્રી રમેશભાઈ સાવલિયા સહિતના અધિકારીશ્રીઓ, અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલ, શ્રી મયંકભાઈ દેસાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
