માંગરોળ તાલુકાના તરસાડી ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની ઉપસ્થિતિમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અંગો અને ઉપકરણ સહાયનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો

જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને ઉપકરણો માટે પરિક્ષણ કરાયું


સુરત:સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, સુરત જિલ્લા વહીવટીતંત્ર અને ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ(એલિમ્કો)-કાનપુરના સંયુક્ત ઉપક્રમે સરદારસિંહ રાણા કોમ્યુનિટી હોલ ખાતે દિવ્યાંગજનોને વિનામૂલ્યે કૃત્રિમ અંગ અને સહાયક ઉપકરણો વિતરણ હેતુ એસેસમેન્ટ અને દિવ્યાંગ પ્રમાણપત્ર માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં ઉપસ્થિત સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને કૃત્રિમ અંગો અને ઉપકરણો માટે એસેસમેન્ટ કરાયું હતું. સાંસદશ્રીએ કેમ્પની કામગીરીનું નિરીક્ષણ કરી વધુમાં વધુ દિવ્યાંગોને લાભાન્વિત કરવા અંગે માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.
આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગ ભાઈ-બહેનો આત્મનિર્ભર બની સમાજમાં સન્માનપૂર્વક ઉન્નત મસ્તકે જીવન જીવી શકે તે માટે તેમની ક્ષમતા વધારવા જરૂરી ઉપકરણો પૂરા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, દિવ્યાંગોને સક્ષમ બનાવવા સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ સુગમ્ય ભારત અભિયાન પણ અમલી છે. જેને પરિણામે દિવ્યાંગોના સશક્તિકરણની નવી દિશાઓ ખુલી છે.
શ્રી પ્રભુભાઈ વસાવાએ વધુમાં ઉમેર્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આજે મહુવાના તરસાડી બાદ તા.૫મીએ સુરતના બારડોલી, તા.૬ઠ્ઠીએ પલસાણા ખાતે, તા.૭,૮ અને ૯ સપ્ટે. દરમિયાન તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ અને નિઝરમાં દિવ્યાંગો માટે એસેસમેન્ટ કેમ્પ યોજવામાં આવશે. જેમાં જરૂરિયાત ધરાવતા તમામ દિવ્યાંગોનું પ્રથમ એસેસમેન્ટ અને ત્યારબાદ એક થી બે માસમાં સાધનોનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રસંગે સંગઠન કાર્યકર્તાઓ, તબીબો અને દિવ્યાંગ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
