


જે શાળામાંથી શિક્ષણ મેળવ્યુ એ જ શાળામાં શિક્ષક અને આચાર્ય બનવાની તક મળવી એ જીવનભરનું સંભારણું છે: (HTAT)આચાર્ય પુષ્પાબેન બારડ
આચાર્ય પદ સંભાળ્યા બાદ કરી શાળાની કાયા પલટ: ‘સ્માર્ટ શાળા’ બનાવી અને ‘સ્વચ્છતાના અવોર્ડ’ મેળવ્યા
સુરત:શનિવાર: સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલી પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય શ્રીમતી પુષ્પાબેનને શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાનો શ્રેષ્ઠ આચાર્ય(HTAT), પ્રાથમિક વિભાગનો પુરસ્કાર મળ્યો છે.B.SC, B.ED(ગોલ્ડ મેડાલીસ્ટ) ૫૨ વર્ષીય પુષ્પાબેનની એક વિદ્યાર્થીથી આચાર્ય બનવા સુધીની રસપ્રદ અને પડકારજનક સફર પર એક નજર કરીએ…
૭૭૪ છોકરીઓ સાથે સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યમાં બીજો અને જિલ્લામાં પ્રથમ ક્રમાંક ધરાવતી બારડોલીની પ્રાથમિક કન્યા શાળામાં આચાર્ય તરીકે એક દશક વટાવી ચુકેલા પુષ્પાબેને જોગાનુજોગ પોતાના ભણતરની શરૂઆત એટલે કે પ્રાથમિક શિક્ષણની શરૂઆત આ જ શાળામાંથી કરી હતી. આ યાદ સંભારતા જ ભાવવિભોર થઈ પુષ્પાબેન જણાવે છે કે ‘પહેલેથી જ આ શાળા માટે કઈ કરવાની ઈચ્છા હતી.’B.ED પુરૂ કરી સૌ પ્રથમ B.A.B.S હાઇસ્કુલ બારડોલી થી શિક્ષક તરીકેનો સફર શરૂ કર્યો ત્યાં એક વર્ષ ભણાવ્યા બાદ વરાડ હાઇસ્કુલ, ૧૯૯૮માં ચોર્યાસી તાલુકાની તલંગપુર પ્રાથમિક શાળા,સચિન પ્રાથમિક શાળા,મોટી ભટલાવ પ્રાથમિક શાળામાં ગણિત અને વિજ્ઞાનના શિક્ષક તરીકે ફરજ બજાવ્યા પછી વર્ષ ૨૦૧૧થી પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષક તરીકેની સફર શરૂ કરી.
જ્યાં વર્ષ ૨૦૧૨થી તેમણે આચાર્ય તરીકેનો કાર્યભાર સંભાળ્યો.વર્ષ ૨૦૧૨મા રાજ્ય સરકાર તરફથી મળતા ગુણોત્સવ રેન્કમાં ‘D’ ગ્રેડ ધરાવતી આ શાળાને પુષ્પાબેનના અથાગ પ્રયત્નોથી ગ્રેડ ‘A+’ માં સ્થાન મળ્યું. ગરીબ ઘરમાંથી આવતી બાળાઓને દીકરીની જેમ સાચવતા પુષ્પાબેને તેમને માત્ર શિક્ષણના જ નહિ શિસ્ત અને સ્વચ્છતા જેવા જીવનના મહત્વના પાઠ પણ ભણાવ્યા છે. અને જૂની શાળાને ધીરે ધીરે કરી નવનિર્મિત કરી વિદ્યાર્થીઓની સુવિધામાં વધારો કર્યો.
બાળકોના જીવનમાં સ્વચ્છતાનું ઘડતર કરી શાળાને જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વચ્છતામાં અનેકો એવોર્ડ અપાવ્યા. સાથે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થતા સંગીત, ભરતનાટયમ નાં વર્ગો તેમજ તેઓ માટે એસેમ્બલી હોલનું નિર્માણ પણ પુષ્પાબેને દાતાઓની સહાય વડે કરાવ્યું.અન્ય સુવિધાઓમાં તેમણે પીવા માટે R.O પાણી, ડિજિટલ ક્લાસરૂમ, લાઇબ્રેરી, બોરની વ્યવસ્થા અને કોમ્પ્યુટર ક્લાસિસ પણ શરૂ કરાવ્યા. તેમની અદભૂત કામગીરીને ધ્યાનમાં લેતા તાલુકા કક્ષાએ પુષ્પાબેન બારડને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળી ચૂક્યો છે. અને હવે આચાર્ય તરીકે તેમની કામગીરીને બિરદાવતા જિલ્લાના શ્રેષ્ઠ આચાર્યનો અવોર્ડ મળતા આનંદની લાગણી અનુભવે છે.
