રાજપીપલા,ગુરૂવાર :- શૈશવ રાવ આજે એકતાનગર (કેવડિયા કોલોની) ખાતે સરદાર સરોવર જળાશય ૧૩૮.૬૮ મીટરની પૂર્ણ ક્ષમતાએ છલોછલ ભરવાના ગુજરાત વ્યાપી હર્ષના પ્રસંગે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પુરોહિતો દ્વારા પવિત્ર મંત્રોચ્ચાર વચ્ચે હૃદયની શ્રધ્ધા અને ભાવ સાથે નર્મદા પૂજન કર્યું હતું અને આખા ગુજરાતના ક્ષેમકુશળની પ્રાર્થના કરી હતી.
તેમણે નર્મદા માતાને શ્રીફળ, દૂધ,ચૂંદડી અને પુષ્પો તથા પવિત્ર દ્રવ્યો અર્પણ કરી જીવન દાત્રીના જળને વધાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ નિયંત્રણ કક્ષમાં જઈને અને નકશાની મદદથી ડેમની સમગ્ર વ્યવસ્થા અને યોજનાને સમજી હતી. નિયંત્રણ કક્ષમાં તેમણે દરવાજાની ઊંચાઈ, પાણી છોડવાની વ્યવસ્થા, દરવાજાઓની મદદથી પુર નિયંત્રણ, પાણીનો પ્રવાહ, હોટ લાઈન સહિત કોમ્યુનીકેશન વ્યવસ્થા ,સી.સી.ટી.વી. નેટવર્ક અને ટેકનિકલ બાબતોની ખૂબ ઝીણવટભરી જાણકારી નર્મદા નિગમના એમ.ડી.શ્રી જે.પી.ગુપ્તા, ટેકનિકલ ડીરેક્ટરશ્રી સી.વી. નાદપરા અને મુખ્ય ઇજનેરશ્રી કાનુન્ગો પાસેથી મેળવી હતી.