પોષણ માસની ઉજવણીમાં લોકોની વધેલી અપ્રતિમ જનભાગીદારી
મહિલાઓ-બાળકોમાં કુપોષણ અટકાવવા અને સારા સ્વાસ્થ્ય માટે ટ્રાયબલ
ફૂડ આશીર્વાદ સમાન છે – શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરી
પોષણ માસ અંતર્ગત આંગણવાડી કેન્દ્રો પર બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓના આરોગ્યની નિ:શૂલ્ક તપાસ કરાઈ
શૈશવ રાવ. રાજપીપળા
મહિલાઓ-બાળકોમાં કુપોષણને જડમૂળથી દૂર કરવા તેમજ તેમના સર્વાંગી વિકાસ માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ “ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૨” અંતર્ગત સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેને અનુલક્ષીને નર્મદા જિલ્લા ICDS ના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ક્રિષ્નાબેન પટેલના માર્ગદર્શન હેઠળ નાંદોદ ઘટકમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
હાલમાં રાજ્યભરમાં પોષણ માસની ઉત્સાહભેર ઉજવણી કરીને મહિલાઓ-બાળકોમાં કુપોષણને સમાપ્ત કરવા માટેની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે નાંદોદ તાલુકા સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી હેમાંગીનીબેન ચૌધરીએ નાંદોદ ઘટકમાં “પોષણ પંચાયત” પર વિશેષ ભાર આપી આંગણવાડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા-બાળકો સહિત સૌ ગ્રામજનોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને સ્વચ્છતાને ધ્યાનમાં લઇ પરંપરાગત પૌષ્ટિક આહારનો વધુ ઉપયોગ કરવા તેમજ આ અંગે ગ્રામજનોને જાગૃત કરવા વિવિધ કાર્યક્રમો થકી સમજણ પુરી પડાઇ રહી છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, મહિલાઓ-બાળકોમાં કુપોષણ અટકાવવા માટે અને સ્વાસ્થ્ય સારું રાખવા માટે ટ્રાયબલ ફૂડ આશીર્વાદ સમાન છે. બાફેલી વાનગીઓમાં સૌથી વધુ પોષકતત્વો હોય છે, જ્યારે તળેલી વાનગીઓ પચવામાં મુશ્કેલ હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આંગણવાડી કેન્દ્ર પર આંગણવાડી કાર્યકર બહેનો તેમજ ઉપસ્થિત મહિલાઓને પૌષ્ટિક આહાર વિષે માહિતગાર કરી સગર્ભા તથા ધાત્રી માતાઓ, કિશોરીઓ અને ગામની બહેનોને પૌષ્ટિક આહાર, સ્વચ્છતા, આરોગ્ય વિષે જાણકારી અપાઇ હતી. તેમજ "ટ્રાયબલ ફૂડ" અને “પોષણ પંચાયત” પર વિશેષ ભાર આપી ઘરઆંગણે તથા વાડામાં કિચન ગાર્ડન બનાવવા અંગે સમજ પુરી પાડી હતી. આ સાથે આંગણવાડી કેન્દ્ર પર બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓના આરોગ્યની તપાસ પણ કરવામાં આવી હતી.