જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયો ધારણ કર્યો

16 ગામોના 300થી વધુ આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા

કમલમ્ ન્યુઝ,નરેન્દ્ર પટેલ

આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કાંગરા ખરવાની શરૂઆત થઈ ચૂકી હતી. ભરૂચ જિલ્લામાં પૂર્વપટ્ટીના મજબૂત આગેવાન મહેશ પરમાર અને વાગરાના યાકુબ ગુરુજી સહિત આગલી હરોળના અનેક આગેવાનોએ કોંગ્રેસને બાય બાય કરી દેતા કોંગ્રેસનો કિલ્લો ધ્વસ્ત થવાની શરૂઆત થઈ હતી. આ આઘાતની કળ વડે તે પહેલા જ કોંગ્રેસના વધુ એક કદાવર નેતા અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે 20થી વધુ ગામોના આગેવાનો અને કાર્યકરો સાથે કોંગ્રેસને છોડી ભાજપનો કેસરિયો ધારણ કરતા કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. જ્યારે વાગરા વિધાનસભા બેઠક પર ભાજપની પકડ વધુ મજબૂત બની રહી છે.
વાગરા તાલુકાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા ભાજપનું જન સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરીમાં કોંગ્રેસના કદાવર આગેવાન અને જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજ, સાયખાના સરપંચ જયરાજસિંહ રાજ, દુધધારા ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન હેમંતસિંહ રાજ, વાગરા તાલુકા પંચાયતના સભ્ય મુબારક પઠાણ અને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન યુનુસભાઈ સરપંચ સહિત 16 ગામોના આશરે 300થી વધુ કોંગ્રેસના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. જેમને કેસરી ખેસ પહેરાવી ધારાસભ્ય અરુણસિંહ રણા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાએ કેસરી ખેસ પહેરાવી આવકાર્યા હતા.
ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણી હવે સાવ નજીકમાં છે. એક તરફ રાજકીય પક્ષો અને સરકાર પણ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચુક્યા છે. ચૂંટણીલક્ષી રાજકારણ ધીરે ધીરે જામી રહ્યું છે. તેવા સંજોગોમાં કોંગ્રેસના મહેલના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં આગલી હરોળના કોંગ્રેસના અડીખમ આગેવાનો કોંગ્રેસથી છેડો ફાડી રહ્યા છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. આમ છતાં કોંગ્રેસ સંગઠન તાર તાર થઈ રહ્યું છે. થિંગડા મારવાના લાખ પ્રયાસો છતાં ભરૂચ જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ચૂંટણી પહેલા જ હાંસિયામાં ધકેલાઈ ચૂક્યું છે. જેની સીધી અસર આવનારી વિધાનસભા ચૂંટણીમાં જોવા મળે તો નવાઈ નહીં.


મહેન્દ્રસિંહ રાને ગાંધીજીના વિચારને વાચા આપી છે. મારુતિસિંહ અટોદરિયા -પ્રમુખ: ભરૂચ જિલ્લા ભાજપ )

આઝાદી પછી ગાંધીજી કોંગ્રેસને તાળુ મારવાનું કહેતા હતા. કોંગ્રેસ બંધ કરવા માંગતા હતા. ગાંધી જયંતીના દિવસે જ મહેન્દ્રસિંહ રાજે મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે કોંગ્રેસને છોડી ભાજપમાં જોડાઈને ગાંધીજીના વિચારને વાચા આપવાનો પ્રયાસ કર્યો છે. વાગરા તાલુકામાં કોંગ્રેસ નામશેષ થવાના આરે છે.

દસ વર્ષમાં વાગરા વિધાનસભા ક્ષેત્રની કાયાપલટ થઈ છે.અરુણસિંહ રણા -( ધારાસભ્ય-વાગરા )

પહેલાના સમયમાં વાગરા વિધાનસભા ક્ષેત્રમાં ગામડાઓમાં લોકો કાદવ કિચડનો સામનો કરતા હતા. રસ્તાઓ ન હતા. છેલ્લા દસ વર્ષમાં વાગરાની કાયાપલટ થઈ છે. ગામે ગામ રસ્તાઓ છે, બ્લોક નખાયા છે. માં કાર્ડ ઘર ઘર સુધી પહોંચાડ્યા હતા, હવે આયુષ્યમાંન કાર્ડ ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી પરદર્શીતાથી કામ કરે છે. જેના કારણે વિકાસ થયો છે. આ વિકાસના કામોમાં, જનહિતના કામોમાં સહયોગી બનવા મહેન્દ્રસિંહ તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે તે આનંદની વાત છે. સૌ સાથે મળી કાર્ય કરીશું.
કોંગ્રેસના લોકો જે ખેલ કરે છે તેનો જવાબ આપવાનો છે. મેહેન્દ્રસિંહ રાજ

ભાજપનો કેસરિયો ધારણ કરતા જ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજે કેસરિયા મિઝાઝ સાથે હુંકાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસની અંદરની ટાંટિયા ખેંચ વૃત્તિથી નારાજ થયા હતા. કોંગ્રેસ જે ખેલ કરે છે તેનો જવાબ આપ્યા વિના છોડવાના નથી. હવે ગંધાર પટ્ટી માંથી 5000 મતોનું ધ્રુવીકરણ થશે તેમ કહી તેમણે ભાજપમાં જોડાયેલ આગેવાનો અને કાર્યકરોને આવનારી ચૂંટણીમાં સંકલ્પબદ્ધ બની ભાજપ સાથે રહેવા આહવાન કર્યું હતું.

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM