ઝાંઝરકાના મહંત શ્રી શંભુનાથજી ટુંડીયા કચ્છની મુલાકાતે વિવિધ ગામોમાં દલિત આગેવાનો સાથે બેઠકો યોજી ઝાંઝરકા જાગીરના મહંત અને પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી શંભુનાથજી ટુંડીયા કચ્છની મુલાકાતે પધાર્યા હતા . સાંસદ વિનોદભાઈ ચાવડા , ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી , પૂર્વ સાંસદ પૂનમબેન જાટ , કચ્છ જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખ સામતભાઈ મહેશ્વરી વગેરે આગેવાનો સાથે તેમણે કચ્છના વિવિધ ગામોની મુલાકાત લઈ દલિત સમાજના ભાઈઓ સાથે ખાટલા બેઠક તેમજ સભાઓ યોજી અબડાસા વિધાનસભા પેટા ચુંટણીમાં પ્રદ્યુમનસિંહ જાડેજાને પ્રચંડ બહુમતિથી વિજયી બનાવવામાં દલિત સમાજને સક્રિય ભૂમિકા ભજવવા અનુરોધ કર્યો હતો . સૌ પ્રથમ પાલનપુર ( બાંડી ) ખાતે દલિત સમાજના આગેવાનો સાથે ખાટલા બેઠક યોજી ત્યાર બાદ નિરોણા ખાતે મારવાડા અને મહેશ્વરી સમાજના ભાઈઓ સાથેની બે અલગ અલગ ખાટલા બેઠકમાં ભાગ લીધો હતો . ત્યાર બાદ નિરોણા ખાતે જ એક જાહેર સભાને તેમણે સંબોધી હતી અને છેલ્લે મોરઝર ( વિથોણ ) ની જાહેર સભામાં પણ સંબોધન કર્યું હતું . મહંત શ્રી શંભુનાથજી ટુંડીયાએ જણાવ્યું હતું કે , પ્રદ્યુમનસિંહ જાડેજા જેવા અજાત શત્રુ અને સાચા સેવક આપણે મળ્યા છે એ આપણા સૌ માટે ગૌરવની વાત છે . પ્રદ્યુમનસિંહે હંમેશા તેમના રાજકીય અને સામાજિક જીવનમાં નાનામાં નાની વ્યકિત સાથે અંગત ધરોબો કેળવ્યો છે અને એમના સુખ – દુઃખના સાથીદાર બનીને વખતો વખત સૌને પડખે ઉભા રહયા છે ત્યારે આવા નિરાભીમાની ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે દલિત સમાજ તેનું શ્રેષ્ઠ યોગદાન આપે એ દલિત સમાજ સહિત સમગ્ર અબડાસાની જનતાના હિત માટે અત્યંત આવશ્યક છે . સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે , ભાજપની કેન્દ્ર અને રાજયની સરકારો દિનદયાલજીએ આપેલા અંત્યોદયના વિચારને અપનાવીને સર્વે સમાજને ધ્યાને રાખીને સમતોલ વિકાસ અને સમરસતાની દિશામાં સફળતા પૂર્વક આગળ વધી રહયું છે . વંશવાદ અને જાતિવાદથી દૂર રહીને કેન્દ્રમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આયુષ્યમાન ભારત , પ્રધાનમંત્રી આવાસ યોજના , ઉજવલા યોજના , પ્રધાનમંત્રી સુરક્ષા વિમા યોજના જેવી અનેક મહત્વાકાંક્ષી યોજનાના લાભ ગ્રામ્ય સ્તરના નાનામાં નાના માનવીની ચિંતા કરીને છેક છેવાડાના માનવી સુધી પહોંચાડયા છે ત્યારે સમસ્ત દલિત સમાજની આ પેટા ચુંટણીમાં ફરજ બની રહે છે કે સૌ એ એક જૂટ થઈને પ્રદ્યુમનસિંહની તરફેણમાં મતદાન કરીને તેમની નિશ્વિત જીતની સરસાઈમાં વધારો કરીએ . પૂર્વ સાંસદ પૂનમબેન જાટે જણાવ્યું હતું કે , રાજયમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર હંમેશા દલિતો પ્રત્યે કુણુ વલણ અપનાવીને દલિત સમાજના ઉત્થાન અને વિકાસ માટે અવિરતપણે પ્રયત્નશીલ છે . એક સંવેદનશીલ મુખ્યમંત્રી હોવાના નાતે તેમણે હંમેશા સમરસતાની દિશામાં અગ્રેસર કદમ ઉઠાવ્યા છે ત્યારે આપણા સમાજના સૌ ભાઈઓ – બહેનોએ આ વખતે આ ચુંટણીમાં આપણી એકતા અને સંગઠન શકિતનો અદભૂત પરિચય આપી ભાજપના ઉમેદવારને વિજયી બનાવવા માટે સંકલ્પવાન થવાનું છે . ઉપરોકત કાર્યક્રમોમાં જિલ્લા ભાજપ મંત્રી જે.પી. મહેશ્વરી , આગેવાનો ભીમજીભાઈ જોધાણી , રાજેશ ભાનુશાલી , અજયભાઈ ગઢવી , કેશવજીભાઈ રોશીયા , રવિલાલ નામોરી , અશોકભાઈ હાથી , રમેશભાઈ ધુઆ , ગાભુભાઈ વણકર , કિરણભાઈ ભાનુશાલી , હિતેશભાઈ ગોસ્વામી , મોહનભાઈ ચાવડા સહિત મોરચાના હોદેદારો , ચુંટાયેલા લોક પ્રતિનિધીઓ ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું .



