
ચીખલી તાલુકામાં રૂા.૧૪.૭૪ કરોડ અને વાસંદા તાલુકાના વિવિધ ગામોમાં રૂા.૪.૪૯ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત થયું

આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે રૂા.૧૯.૨૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા વિવિધ વિકાસકામોનું ખાતમુર્હૂત કરાયું
નવસારીઃ સોમવાર: નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાંક, કાંગવાઈ, સુરખાઈ, હરણગામ, ખરોલી, કુકેરી, સરવાણી, અંબાચ, ફડવેલ, માંડવખડક, કાકડવેલ, વેલણપુર, ઝરી ઢોલુમ્બર ગામો અને વાંસદા તાલુકાના ઘોડમાળ, લાછકડી, વાડીચોંઢા, ચોંઢા, કણધા અને ખાટાઆંબા ગામો ખાતે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલના હસ્તે રસ્તાઓ સહિત વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .
ચીખલી તાલુકા વિસ્તારમાં રૂા.૧૪.૭૪ કરોડના ખર્ચે ૨૬૮ કામો અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.૪.૪૯ કરોડના ખર્ચે દસ નાના મોટા વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .


આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષના વિકાસ અભિમુખ શાસનમાં સરકારે વિકાસની ગતિને તેજ બનાવી છે. છેવાડાના ગ્રામજનો સુધી રસ્તાઓ, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય લગતી સેવા માટે આયુષ્માન કાર્ડ, શૌચાલય અને ઉજ્જવલા જેવી સુવિધાઓ સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી હોય તે માટેનો લોકાભિમુખ અભિગમ રાજ્ય સરકારનો રહ્યો છે. સાથોસાથ વિવિધ ગામોના રસ્તાઓનું રિસ્ટ્રક્ચરીંગ અને મજબૂતીકરણની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રીમતી દિપાબેન પટેલ, ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી કલ્પનાબહેન ગાંવિત , વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શાંતુભાઈ ગાંવિત, ગામોના સરપંચશ્રીઓ, પદાધિકારીઓ/અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.
