
વડોદરા જિલ્લાના ડભોઈ આર્ટસ અને સાયન્સ કોલેજ ખાતે મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અશોકભાઈ પટેલ, ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતા, કલેકટરશ્રી એ.બી ગોર, અને જિલ્લા વિકાસ અધિકારી ડો.રાજેન્દ્ર પટેલની ઉપસ્થિતમાં PMJAY યોજના અંતર્ગત લાભાર્થીઓને પ્રિન્ટેડ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવા આવ્યું હતું. વડોદરા જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ તાલુકા કક્ષાએ લાભાર્થીઓને વિવિધ મહાનુભાવની હાજરીમાં આયુષ્યમાન કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા.


વડોદરા જિલ્લામાં કુલ ૬,૭૦,૨૪૪ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. તેમાંથી ગંગા સ્વરૂપા ૪૬,૯૬૩ બહેનોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. વડોદરા જિલ્લામાં યોજના અંતર્ગત કુલ ૨,૮૪,૫૪૮ લાભાર્થીઓએ સારવારનો લાભ લીધો છે. તેનો અંદાજિત ખર્ચ રૂ. ૪૪૧.૩૩ કરોડ તબીબી ખર્ચ લાભાર્થી વતી સરકાર ઘ્વારા એમ્પેનલ હોસ્પીટલોને ચૂકવવામાં આવ્યો છે.


આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે લાભાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે, જન-જનના આરોગ્યની હવે સરકાર દરકાર કરે છે. અને આ માટે લોકોએ હવે ક્યાંય જવાની કે ધક્કા ખાવાની જરૂર નથી. ‘આપકે દ્વાર આયુષ્યમાન’ મંત્રને વરેલી સરકાર હવે ગરીબો અને જરૂરિયાતમંદોને ઘરે જઈને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ આપે છે. તેમણે કહ્યું કે, ફ્રીમાં વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધા આપવી એ મોદી સરકારની નેમ છે. આરોગ્ય સુવિધામાં ગરીબ-અમીર વચ્ચે કોઈ ભેદ ન રહે અને સારવારથી કોઈ વંચિત ન રહે તે વિચાર આયુષ્યમાન ભારત યોજનાનો જન્મદાતા હોવાનું તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.

અન્ય દેશના અધિકારીઓ અને રાજનેતાઓ વિશ્વની સૌથી મોટી હેલ્થ ઈન્શ્યોરન્સ સ્કીમ અંગે જાણવા અને સમજવા આવતા હોવાનું જણાવી તેમણે આ સરકાર ગરીબો અને મધ્યમ વર્ગની પ્રજાની હર હંમેશ પડખે હોવાનું ઉમેર્યું હતું. પૈસાના અભાવે કોઈ સારવારથી વંચિત ના રહી જાય અને સારવાર માટે હવે ગરીબ દેવાના ડુંગર હેઠળ નથી દબાઈ જતા તેવું ગૌરવસહ જણાવી તેમણે આ કલ્યાણકારી યોજના માટે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.


ડભોઈના ધારાસભ્યશ્રી શૈલેષભાઈ મહેતાએ માત્ર ડભોઈ તાલુકામાં જ ૧૭,૫૬૩ આયુષ્યમાન કાર્ડનું વિતરણ થયું હોવાનું જણાવી, સરકારની આ અદભૂત અને પ્રજાલક્ષી યોજનાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ગરીબ અને મધ્યમવર્ગના લોકોને ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળી શકે તેવો અગાઉની સરકારોને વિચાર પણ ન્હોતો આવ્યો. આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈના દિશાદર્શનમાં ગુજરાત સરકારે અનેક કામો કર્યા હોવાનું જણાવી તેમણે દર્દીઓને હવે નિ:શુલ્ક અદ્યતન આરોગ્ય સુવિધા મળતું હોવાનું પણ કહ્યું હતું.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ રાજ્યના અમુક લાભાર્થીઓ સાથે આત્મીયતાભર્યો સંવાદ પણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, સહિતના પદાધિકારીશ્રીઓ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, મોટી સંખ્યામાં લાભાર્થીઓ અને ડભોઈ તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

