
ચિરાગ પાંડે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા ત્રણ દિવસમાં હજારો કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ કરશે જાહેરસભા સ્થળ લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વડોદરા એરપોર્ટ પર આગમન થઇ ગયું છે. વડાપ્રધાન આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્રણ દિવસમાં હજારો કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન અને લોકાર્પણ હાથ ધરવામાં આવનાર છે. વડોદરા એરપોર્ટથી વડાપ્રધાન મોદી ભવ્ય રોડ શો કરીને લેપ્રસી ગ્રાઉન્ડમાં પહોંચશે. ત્યાં ચુનિંદા ઉદ્યોગપતિઓની હાજરીમાં આયોજિત કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે.

વડોદરામાં ભારતીય વાયુસેના માટે સી-295 એમડબલ્યું ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટનો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ બપોરે શિલાન્યાસ કરશે. તે પૂર્વે રોડ શો પણ કરશે જેની પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રોડ શો અંદાજે બપોરે 1:55 કલાકે એરપોર્ટથી શરૂ થશે અને જાહેરસભા સ્થળ લેપ્રસી ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે.

વડાપ્રધાન વડોદરાની મુલાકાત દરમિયાન, C-295 એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધાનો શિલાન્યાસ કરશે – દેશમાં ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એરક્રાફ્ટ વિનિર્માણ સુવિધા બનશે. આ સુવિધાનો ઉપયોગ ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ અને એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ, સ્પેન વચ્ચેના સહયોગ દ્વારા ભારતીય વાયુસેના માટે 40 C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે થશે. આ સુવિધા સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાની દિશામાં લેવાનારું એક મુખ્ય પગલું હશે અને આ ક્ષેત્રના ખાનગી ખેલાડીઓની ક્ષમતાને ખુલ્લો દોર આપવામાં પણ મદદ કરશે. આત્મનિર્ભર ભારત અંતર્ગત એરોસ્પેસ ઉદ્યોગમાં ટેકનોલોજીકલ અને વિનિર્માણની પ્રગતિ દર્શાવતા પ્રદર્શનની પણ પ્રધાનમંત્રી મુલાકાત લેશે.
