

કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાએ તા. ૧ ડિસેમ્બર, ગુરુવારે ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ભાજપના ઉમેદવાર રીટાબેન પટેલના સમર્થનમાં રાંધેજા ખાતે જાહેરસભા સંબોધી હતી જેમાં વિશાળ સંખ્યામાં સ્થાનિક જનતા ઉપસ્થિત રહી હતી. શ્રી રૂપાલાએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત અને દેશના થઈ રહેલા વિકાસને વધુ વેગવંતો બનાવવા ભાજપાની તરફેણમાં વધુ ને વધુ મતદાન કરી રીટાબેન પટેલને મોટા માર્જિનથી વિજયી બનાવવા હાકલ કરી હતી. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા વિકાસમાં રોડા નાખવાનું અને પણ દેશની જનતાને ગુમરાહ કરી ગેરમાર્ગે કરવાનું કાર્ય કર્યું છે, દેશની અસ્મિતા અને સાંસ્કૃતિક ગૌરવને ભુલાવી દેવાનું કામ કર્યું છે. ભાજપ જે યોજનાનું ખાતમુહૂર્ત કરે છે તે યોજનાનું લોકાર્પણ પણ ભાજપ જ કરે છે. આજ કોંગ્રેસે નર્મદા યોજનામાં રોડા નાખવાનું કામ કર્યું હતું. જે કોંગ્રેસને નર્મદા યોજનામાં રસ નથી તે કોંગ્રેસમાં ગુજરાતની જનતાને પણ રસ નથી. ગુજરાત અને દેશની અસ્મિતા તેમજ સાંસ્કૃતિક ધરોહરને વિશ્વભરમાં પ્રતિષ્ઠા અપાવવાનું કામ ભાજપે કર્યું છે. ગુજરાત પ્રત્યે અન્યાય સિવાય કોંગ્રેસે કશું કર્યું નથી. ગુજરાતની અવિરત વિકાસયાત્રા જેમના નેતૃત્વમાં ચાલી રહી છે એવા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હાથ વધારે મજબૂત કરવા માટે ગાંધીનગર થી વિજયરૂપી કમળનું ફૂલ ભેટ આપવા માટે તેમને જનતાને અપીલ કરી હતી.
આ પ્રસંગે ગાંધીનગરના મેયરશ્રી હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયરશ્રી પ્રેમલસિંહ ગોલ, વિધાનસભાના ઇન્ચાર્જશ્રી મહેન્દ્રસિંહ રાણા, સંગઠનના હોદ્દેદારો, સિનિયર આગેવાનશ્રીઓ, ચૂંટાયેલા સભ્યશ્રીઓ, કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક સમર્થકો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

