
–
ગુણવંતી ગુજરાત! અમારી ગુણવંતી ગુજરાત !
રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

એક સમયે સમગ્ર ડાંગ પ્રદેશના ‘ઘર ઘરના દીવડા’ તરીકે લોકહ્રદયમાં સ્થાન પામનારા, ડાંગના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી ઘેલુભાઈ નાયક લિખિત પુસ્તક ‘મારી સ્મરણ યાત્રા’ માં આલેખાયેલો અહેવાલ, ખાસ કરીને નવી પેઢી ‘આઝાદીના અમૃતકાળ’ માં ઇતિહાસથી રૂબરૂ થાય તે માટે અત્રે પ્રસ્તુત કરવો, એ પ્રાસંગિક લેખાશે.
‘ઘેલુકાકા’ લખે છે કે, સ્વરાજ પછી ૧૯૪૮માં અમારે ડાંગ વસવાનું થયું. અમે ડાંગી પ્રજાને ગુજરાતની અસ્મિતા અને સંસ્કારનું ભાથું પીરસતા હતાં. એવામાં ‘મહાગુજરાત આંદોલન’ ના પડધમ વાગવા શરૂ થયા.
મહાગુજરાત આંદોલનની ચળવળ હિંસક બનતી જતી હતી. તોફાનો, ગોળીબાર, અને જન-આંદોલનથી લોકો વધુ ઉશ્કેરાતા જતા. ઈન્દુલાલ યાજ્ઞિક, બ્રહ્મકુમાર ભટ્ટ, જયંતિ દલાલ, જેવા નેતાઓએ સપ્ટેમ્બર ૧૯૫૬ના રોજ મહાગુજરાત માટે ચળવળ ચાલુ રાખી હતી.
આ આંદોલનમાં કેટલાયે શહીદ થયા. તેથી અમદાવાદમાં લાલ દરવાજા નજીક શહીદ સ્મારક રચવાનો મહાગુજરાત જનતા પરિષદે નિર્ણય કર્યો. ઈન્દુલાલ યાજ્ઞિક શહીદ સ્મારક સત્યાગ્રહના સંચાલનકર્તા બન્યા અને જનતામાં ‘ચાચા’ તરીકે વિખ્યાતિ પામ્યા.
આબુ અને ડાંગ પ્રદેશ માટે વિશેષ ખેંચતાણ થઈ. ખાસ કરીને ડાંગ મહારાષ્ટ્રને જોઈતું હતું. લડાઈ અટપટી હતી. મહાગુજરાતના વિભાજનને સ્વીકારતો કાયદો પણ ૧૯૫૬માં સંસદમાં પસાર થઈ ચૂક્યો હતો.
“ગુજરાતની અસ્મિતા’ એવો પહેલ વહેલો શબ્દ પ્રયોગ કરનાર કનૈયાલાલ મુનશીને ગુજરાતમાં મુંબઈ પણ જોઈતું હતું. “મહાગુજરાત જનતા પરિષદ” આ વ્યવહારૂ લાગણીને માન્યતા આપતી નહોતી. તેથી બંને વચ્ચે સૈદ્ધાંતિક વિરોધ થયો.
ભાઈલાલભાઈ પટેલ મહાગુજરાત આંદોલનમાં છેવટ સુધીના સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યાં.
મુશ્કેલી એ સર્જાઈ કે કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર, ગુજરાત અને મુંબઈ એમ ત્રણ અલગ હિસ્સા પાડવા મથતી હતી. જેને કારણે મરાઠી ભાષીઓને એવું લાગ્યું કે ગુજરાતીઓને કારણે મુંબઈને મહારાષ્ટ્રથી છીનવી લેવામાં આવે છે. આવી ગેરસમજણમાં થયેલ તોફાનો વખતે અનેક લોકો મૃત્યુ પામ્યા. આ બધાની વચ્ચે ડાંગનો પ્રશ્ન વિકટ હતો. ડાંગની પ્રજા મરાઠી ‘બોલી’ જેવી ‘બોલી” બોલતા હતાં. આવું મોરારજીભાઈ દેસાઈએ જાહેર કર્યું ને પલિતો ચંપાયો. તે વખતે ગુજરાત સાહિત્ય સભાએ આ જાહેરાતમાં જોરદાર વિરોધ પ્રદર્શિત કર્યો. કલાક્ષેત્રેથી પ્રખર ગાયક પંડિત ઓમકારનાથ પણ પોતાના બુલંદ અવાજ સાથે આ નિર્ણયના વિરોધમાં ઊભા રહ્યાં.
“તે વખતે હું ઘેલુભાઈ નાયક શું કરતો હતો? પ્રશ્ન ઉઠચો. ઉત્તર આપું ?’” “હું ફક્ત ડાંગની બોલી ગુજરાતની ભાષા અને મરાઠી ભાષાનો અભ્યાસ કરતો હતો. ભાષાની છઠ્ઠી વિભક્તિનો પ્રત્યય ડાંગી બોલીમાં’’ “ના” હતો. ચા’ નહીં. આ ભાષાકીય ખાસ અને મજબૂત પ્રત્યયને ધ્યાનમાં લઈ ડાંગની ભાષા નથી. “બોલી’’ છે. છતાં આ છઠ્ઠી વિભક્તિનો “ના” પ્રત્યય છે. તે ગુજરાતી ભાષાનો છે.’ આ નિવેદનની અસર એવી પડી કે ભાષાકીય ખેંચતાણ થઈ અને મરાઠી મિત્રોએ ડાંગની ખોલીમાં “ના” હતો તે બદલીને “ચા” કર્યો. એટલે મરાઠી મિત્રો સામે વિરોધનો સૂર છૂટયો, તેવી પ્રવૃત્તિ શરૂ થઈ. વળી પાછું જ્યાં જ્યાં “ચા’ કરવામાં આવ્યું હતું ત્યાં ફરી પાછું “ના’’ ઉમેરવાનું શરૂ થયું.
આ ચળવળ વખતે ડાંગનું બલ્કે સમગ્ર ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ‘સાપુતારા’ ગુજરાત રાજ્યમાં જ રહે,અન્ય પાડોશી રાજ્ય (મહારાષ્ટ્ર) તેને પડાવી ન જાય, તે માટે અમે લોકજાગૃતિ લાવવા માટે જુદા જ પ્રકારની ચળવળ શરૂ કરી.વિકાસની દૃષ્ટિએ પછાત ગણાતો ડાંગ પ્રદેશ, કુદરતી દૃષ્ટિએ અત્યંત સમૃદ્ધ એવા સાગ, વાંસ, મહુડો, આંબા વગેરેથી તો ભર્યોભાદર્યો હતો. ડાંગ એટલે જાણે ઔષધી વનસ્પતિઓના ભંડાર ! આવી ખુલ્લી તિજોરી જેવા ડાંગને હાથમાંથી કેમ કરી જવા દેવાય !
ડાંગની મૂળ પ્રજા ભીલ ઉપરાંત ચૌધરી, હળપતિ, કુકંણા, કુનબી, વારલી જેવી જનજાતિઓ વસે છે. (એક આડવાત : કહેવાય છે, શબરી આ જ પ્રદેશમાં ભીલ રાજાની કન્યા હતી.) અહીં ઉગતા ફળ-ફૂલનો કુદરતી સ્વાદ બીજે ક્યાં મળે ? સીધા સાદા સાફ મનના નિર્દોષ માનવીઓને જેમ હાંકો તેમ હાલે. ડાંગ અમારે મન સ્વર્ગના બગીચા નંદનવનથી જરાય ઉતરતો લાગતો નહીં. એવા ડાંગને ગુજરાતનો કાળજાનો કટકો જ કહેવાય. તેને અમે કોઈ રીતે ગુજરાતમાંથી રદબાતલ કરી દેવાનું સપનું પણ જોઈ શકતા ન હતા.
પરંતુ એક નક્કર મુશ્કેલી આંખ સામે હતી. ડાંગની પ્રજાની બોલીમાં મરાઠીની છાંટ વર્તાતી, તે સત્ય હતું. એવા ડાંગને ગુજરાત સાથે શી રીતે જોડવું, તે સવાલ જાણે પ્રાણપ્રશ્ન બની ગયો હતો.
અમે જન સંપર્ક કરી ઘરે ઘરે ગુજરાતની અસ્મિતાનું લોકોને ભાન કરાવવા નીકળી પડચાં. શરૂઆત ક્યાંથી અને કેવી રીતે કરવી. કશું જ સમજાતું નહીં. આખાયે પ્રદેશને ગુજરાતની અસ્મિતા સાથે કઈ રીતે જોડવું સમજાતું નહીં. પરંતુ અમે અમારા નિર્ણય પર અટલ હતાં. હું અને છોટુભાઈ અમે બંને એ નિર્ધાર કર્યો, જગતમાતા જનનીથી શરૂ કરવું. અમે કેટલીક બહેનોને ગુજરાતી સાડી પહેરતા શીખવવાનું નક્કી કર્યું. અમે ગુજરાતી ભજનો પદો, દૂહા, છંદ, રાભાઓમાં બોલતા અને લલકારતા અને ડાંગને ગુજરાતમય કરવાની કોશિષ થતી.
સંજોગો વિપરિત હતાં. ખુદ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ ડાંગ મહારાષ્ટ્રમાં જાય તેના ખુલ્લા તરફદાર હતાં. આવા પડકારો વચ્ચે સ્વરાજ આશ્રમના અનેક સમર્પિત કાર્યક્રરોએ જબરજસ્ત ચળવળ ચલાવી. આ એક જંગ જ હતી જેની સામે રાજનીતિક ઉઠાપટક, કેટલાંય દાવ-પેચ ચાલ્યા. હું અને છોટુભાઈ સાતેક વખત દિલ્હી ગયા. નેહરૂ સમક્ષ જોરદાર રજૂઆત કરી એક વખત પંડિત નેહરૂએ મને આંખમાં આંખ નાખી પૂછી નાખ્યું,
“બતાઈયે આપ ભારતીય હે કે નહીં?” મારી પાસે હાઁ કહેવા સિવાય છૂટકો ન હતો. એટલે પછી પંડિતજીએ મને કહ્યું, “તો ફીર ડાંગ ગુજરાત મેં રહે યા મહારાષ્ટ્ર મેં ગભરાહટ ક્યોં, આખીર તો ભારતમેં હી રહેગા ?” જવાબ આપવા માટે હું જરાક ગુંચવાયો. પણ છોટુભાઈએ વાતાવરણ પોતાને હસ્તે ચોકસાઈ અને વિનમ્રપણે છતાં જોરદાર રીતે લીધું. એમણે કહ્યું, “પંડીતજી આપ તો સારી દુનિયા કી એક વિભૂતી હૈ, તો મેં આપસે પુછું ‘ફિર કશ્મીર ભારત મેં રહે તો ક્યા ? યા પાકિસ્તાન મેં ગયા તો ક્યા ? આખીર તો કશ્મીર દુનિયામેં હી રહેગાના.’’ પંડિતજી ધીરા પડચા એટલે છોટુભાઈએ પણ કહ્યું, કશ્મીર કે પ્રતિ જૈસી આપકી ભાવના હૈં, વૈસી હી હમારી ભાવના ડાંગ કે બારે મેં ભી હૈં. ચર્ચા અહીંજ અટકાવી દીધી. પછી તો લોકમત પર વાત ગઈ.
ભાષાવાદની ભૂતાવળ કાયમ રહેવાની નથી. નિર્ણય લોકમત ઉપર ઠેલાયો. અમે ભાષાવાદની ભૂતાવળની અનુભૂતિ મેળવી લીધી છે અને ભૂતાવળ શાંતિથી સમી. ત્યાર પછી અમે ડાંગમાં ડાંગી બહેનો જે રીતે સાડી પહેરતી હતી તે રીતને બદલે ગુજરાતની પદ્ધતિથી સાડી પહેરે, ગુજરાતી ભજનો શીખે, ગીતો શીખે એ તરફ વધારે પ્રયત્નો કરતાં થયા. મરાઠી બહેનો સળંગ એક જ સાડી પહેરે છે. જ્યારે ડાંગી બહેન કમ્મરને અને પગને ઢાંકવા માટે એક વચ્ચે જે અડધી સાડી જેટલું હોય અને કમ્મર ઉપરના ભાગ પર બીજું અર્ધ સાડી જેવું વસ્ત્ર વાપરતી હતી, તે પણ ઘણા લોકોનાં ધ્યાનમાં લાવી શકાય.
ઈ.સ.૧૯૫૭/૫૮માં ડાંગ જિલ્લાની પહેલી વહેલી ચૂંટણી યોજાઈ, ત્યારે પણ અમારો સખત વિરોધ થયેલો. ગુજરાતની પેનલ આ ચૂંટણીમાં ૮૬ ટકા મત સાથે વિજયી બની ! ત્યારે નેહરૂજીએ મને કહ્યું, તુમ દોનોં ભાઈઓને લોગો પે જાદૂ કિયા હૈ, ઈસલીયે ચુનાવ કા યે પરિણામ આયા હૈ.” હાશ, અંતે ડાંગ ગુજરાતમાં હતું !
તે વખતે સુરતના સુવિખ્યાત મૈત્રી ટ્રસ્ટમાં પૂ. શ્રી રવિશંકર મહારાજનો મુકામ હતો. ત્યાં તેમને ખાસ વિનંતી કરવાની હતી કે, આપ આકાશવાણી અમદાવાદ પરથી ઉદ્ઘાટન પ્રવચન કરો ત્યારે ખાસ કહેજો કે ડાંગ સાથેનું ગુજરાત રાજ્ય સ્થપાયું છે. તેમણે ખુશીથી ‘હાઁ’ કહી અને પહેલી મે ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે પ્રવચનમાં કહ્યું કે, ડાંગ સાથેના ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ગઈ છે.
ડાંગ ગુજરાતમાં આવ્યું તેની ખુશી ઘર-ઘરમાં હતી. આહવામાં બારેક હજાર લોકોનું વિશાળ સરઘસ ફર્યું. સૌને ભાવથી ભોજન કરાવવામાં આવ્યા અને કેમ ન હોય. બાર-બાર વર્ષની ભૂતાવળ વેઠીને ડાંગ ગુજરાત માટે મેળવ્યું હતું.
ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજભાઈ મહેતા બન્યા. ડાંગ નામનું બાળક ‘મા ગુર્જરી’ને ખોળે બેઠું, ત્યારે માતા એ બાળકને શું આપે ? એવા પ્રશ્ન સરકાર તરફથી અમને પૂછવામાં આવ્યો ત્યારે અમે બે વસ્તુ માંગી, “એક, ડાંગી લોકોને માથે લાખો રૂપિયાનું સરકારી દેવું ચડયું છે તે પૂરેપુરૂં માફ કરવામાં આવે અને બીજું, ‘ડાંગ ફંડ’ જે અત્યાર સુધીમાં રૂપિયા ૬ કરોડ જેટલું થયું છે, તે ડાંગ વિકાસ ફંડના નામે ડાંગની તિજોરીમાં જમાં કરવામાં આવે. તેના વ્યાજમાંથી પણ ડાંગ માટેની વિકાસ પ્રવૃત્તિ ચાલી શકે તેમ છે.”
અમારી બંને માંગણીઓ સ્વીકારી લેવાઈ અને કદાચ તેથી જ બીજા ઘણાં બધા આદિવાસી વિસ્તારો કરતા ડાંગ વધુ ઝડપથી અને વિસ્તૃતપણે પ્રગતિશીલ બની રહ્યું છે.
ડાંગમાં શિક્ષણની સ્થિતિ દિવસે ને દિવસે સુધરતી જઈ રહી છે. પહેલાંના જમાનામાં પાણી માટે પાણીકાર્ડ આપવામાં આવતા અને એક પાણીકાર્ડ દીઠ એક બેડું પીવાનું પાણી આપવામાં આવતું. પરંતુ પાણી પૂરવઠા ખાતાના પરિણામે પરિસ્થિતિ બદલાઈ ગઈ. ફળિયે ફળિયે નળના સ્ટેન્ડ આવી ગયાં. તો ઘરોમાં પણ પાણી પહોંચતું થયું.
ત્યાં દૂર દરાજના ગામડાઓમાં કાચા રસ્તાઓની પણ વ્યવસ્થા ન હતી. ત્યાં એક એક ગામમાં ડામરવાળા એપ્રોચ રોડ’ બની ગયાં. વાહન વ્યવહાર સરળ અને ઝડપી બનવાથી વેપાર વ્યવસ્થા પણ ખીલી ઉઠ્યા છે. હોસ્પિટલ ક્ષેત્રે પણ સુવ્યવસ્થાઓ વધતી જાય છે. ભગત-વૈદ્યોના માન-સન્માન પણ વધ્યા છે. ડાંગનો વિકાસ ઝડપથી અને નક્કરપણે શરૂ થયો છે, તે સુખદ બાબત છે.
ડાંગમાં ખેતી કરનારો પહેલાં ખેતમજૂર હતો, તે હવે જમીન અને વૃક્ષોનો માલિક બન્યો છે. અહીં વર્ષે ૧૦ ઝાડ કાપવાની છૂટ સરકારે આપી છે. પરંતુ શરત એટલી કે ૧૦ ઝાડ કાપવા હોય તો અહીં ૨૦ ઝાડ માટેના છોડ તૈયાર કર્યા બાદ જ ૧૦ ઝાડ કાપી શકાય છે !
ટૂંકમાં, ગુજરાત રાજ્યની સ્થાપનાના આટલા વર્ષ થયા બાદ સ્વર્ણીમ ગુજરાતના આદર્શને ડાંગ જીવી રહ્યું છે.
અમારા સંઘર્ષમય કાર્યક્રમો બાર બાર વર્ષ ચાલ્યા. પણ એ સાથે જ લોકસેવાના અણિશુદ્ધ કાર્યક્રમો ડાંગના એક એક એટલે કે ૩૧૧ ગામોમાં બાર બાર વર્ષો ચાલુ રહ્યાં. ગામે ગામ અમે એક અનોખો પ્રયોગ ચલાવેલો જેને અમે “ગામ ચાલ્યું ન્હાવા’” કહેતા. સ્ત્રીઓ-પુરૂષો, નાના બાળકો, નાની બાળકીઓ નદી કાંઠે કે તળાવ કાંઠે ઢોલ-કાહળ્યા વગાડતા નાચતા-કૂદતા, ડાંગી ગીતો, ગુજરાતી ગીતો ગાતા ગાતા પહોંચતા, સ્નાન કરતા પુરૂષ-પુરૂષો વર્ગના વાળ વ્યવસ્થિત કાપવા કપાવવા, તેમને અન્ય પ્રકારની અંગસફાઈ કે ગ્રામસફાઈ માટે તૈયાર કરવાનું કામ વર્ષો સુધી ભાવ ભરી રીતે કર્યું હતું. એ પણ કામમાં આવી રહ્યું છે.
ડાંગી બહેનોને મન તો હું તેમના સગા ભાઈથી પણ વિશેષ, નદીએ જઈએ ત્યારે તેઓ પણ મારી મદદ લેતી. બહેનો કહે તે પ્રમાણે હું તેમના બે-ત્રણ કે ચાર ચોટલા પણ વાળી આપતો. નાની નટખટ બહેનો તો ચાર ચોટલા ઉપરાંત પાંચમી નારદ ચોટલી પણ વળાવતી, તેઓએ મારા ઉપર જે અઢળક વિશ્વાસ દાખવ્યો તેની વાત કરતા આજે પણ ભાવ ભીના થઈ જવાય છે. મને ‘ઘેલુભાઈ’ કહીને ઘેલી થઈ જનારી મારી એ બહેનો મને પ્રસુતિ વેળાએ પણ પોતાના ઓરડામાં હાજર રાખવા ઇચ્છતી, ડાંગમાં એવા કેટલાંય બાળકો હશે જેમને જન્મતાવેત પહેલ વહેલા મેં જ ખોળામાં લીધા હશે. એમ કરતાં કરતાં મને જ ખબર ન પડી કે ક્યારે હું પ્રસુતિ નિષ્ણાત બની ગયો આ બધું કરવાની પ્રેરણા ને હું ઈશપ્રેરણા લખું છું. મારા અને છોટુભાઈના હાથે ભગવાને ડાંગમાં ખૂબ બધી સદપ્રવૃત્તિઓ કરાવી. આ બધાને કારણે ડાંગ ગુજરાતમાં રહ્યું.
સ્વરાજ આશ્રમના કાર્યકર્તાઓ અથાગ પુરૂષાર્થ કરી રહ્યાં હતાં. અમને સદ્ભાગ્યે નિ:સ્વાર્થ અને સાફ સુથરી છબીવાળા નેતાઓ મળ્યા હતાં. મહાગુજરાત આંદોલન પોતાની ચરમસીમા પર હતું. અમે જે કાંઈ કરી શકાતું હતું તેનાથી વિશેષ કરવા કટિબદ્ધ હતાં.અને એ ક્ષણના ભાગીદાર બનવાનું અમારે લલાટે સ્વયં ઈશ્વરે જ લખ્યું હશે કે બાર–આર વર્ષના પુરૂષાર્થના અંતે ઈ.સ.૧૯૬૦ની પહેલી મે ના રોજ અમારૂં સ્વપ્ન ફળ્યું.વિભાજીત થયેલા ગુજરાતને ડાંગનું નજરાણું મળી ચૂક્યું હતું. આ ડાંગના લોકોની ગુજરાતની સભ્યતાની, અહિંસાના સંસ્કારોની અને અમારા પ્રયાસોની સહિયારી જીત હતી. ને ઉમાશંકર જોષી સમગ્ર ગુજરાતની હૈયાઓને વાચા આપતા પોકારી ઉઠચા.
“મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે,
ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે …”
એકસ્ટ્રા શોટ્સ
“જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત! જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલત.”
–