

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનીઝેશન(WHO)એ ‘વર્લ્ડ બ્લડ ડોનર ડે’ બ્લડ ગ્રુપની શોધ કરનાર વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટેઇનરના જન્મ દિવસ 14 જૂનને ‘Be there for someone else. Give blood. Share life’ સ્લોગન સાથે જાહેર કરેલ છે. રક્તદાન જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓ તેમજ જટિલ મેડિકલ તથા સર્જીકલ સારવાર પ્રોસિજરમાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. એ સાથે ઇમર્જન્સી પરિસ્થિતિ જેમ કે કુદરતી આફતો, અકસ્માત, યુદ્ધ વગેરેમાં ઇજાગ્રસ્ત થયેલા લોકો માટે લોહીની જરૂર પડતા ઉપયોગી છે. વિકસિત દેશોમાં રક્તદાન અંગે ખૂબ જાગૃતિ છે, પરંતુ આપણે ત્યાં હજુ પણ ઘણા દર્દીઓને સમયસર લોહી મેળવવામાં મુશ્કેલી પડે છે. હાર્ટ સર્જરી, ટ્રાન્સપ્લાન્ટ, ગંભીર અકસ્માત, બ્લડ કેન્સર, પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન, થેલેસેમિયા વગેરેની સારવારમાં દર્દીનું જીવન બચાવવા લોહી ચઢાવાય છે. આપણે ત્યાં વિનામૂલ્યે સ્વૈચ્છીક રક્તદાનનું પ્રમાણ બહુ ઓછું હોય મોટાભાગે દર્દીના સગા-સંબંધી કે ઓળખીતા દ્વારા કે પ્રાયવેટ બ્લડબેંકોમાંથી ખરીદી લોહીની જરૂરિયાત પુરી કરાય છે.
રક્તદાન વખતે શરીરમાં કોઈ બીમારી ન હોય, ઉંમર 18થી 65 વર્ષ વચ્ચે હોવી જોઇએ. શરીરનું વજન 50 કિલો વધુ અને લોહીની કમી ન હોવી જોઈએ. રક્તદાતાએ એન્ટિબાયોટિક દવા લીધી ન હોવી જોઇએ. તાજેતરમાં શરીર પર ટેટૂ કરાવ્યું ન હોવું જોઈએ. ઓરી, અછબડા, દાદર, હીપેટાઇટીસ બી વગેરે રસીકરણ કરાવ્યું ન હોવું જોઇએ. સ્તનપાન કરાવતી મહિલાએ રક્તદાનથી દૂર રહેવું જોઈએ. નિયમીત રક્તદાન કરવાથી લોહીમાં આયર્નનું પ્રમાણ ઘટતા હાર્ટ અટેક, લકવો અને કેન્સરની શક્યતા ઘટે છે. રક્તદાતાના શરીરમાં તાત્કાલિક નવા રક્તકણોનું નિર્માણ શરુ થતા એક-બે મહિનામાં નવું લોહી બનતા તંદુરસ્તી સાથે શરીરમાં સ્ફૂર્તિ વધે છે. રક્તદાન સમયે રક્તદાતાના મીની બોડી ચેકઅપ સાથે હીમોગ્લોબિન, બ્લડ સુગર, બ્લડ પ્રેશર, એચઆઇવી, હિપેટાઇટિસ બી, હિપેટાઇટિસ સી વગેરે ફ્રી તપાસ થઇ જાય છે.
રક્તદાનથી લોકોનું જીવન બચાવી શકાતું હોય આ માનવતાપૂર્ણ કાર્યમાં સહયોગ આપવાથી સાત્વિક આનંદ અનુભવાય છે. રક્તદાનથી દર્દી સાથે તેની ઉપર નિર્ભર સમગ્ર પરિવારને મદદરૂપ થઇ શકાતું હોય રક્તદાનને મહાદાન કહ્યું છે. જો સૌ સાથે મળી રક્તદાન કરવાનું પ્રણ લે તો લોહીના અભાવે મૃત્યુ પામતી અનેક જિંદગીઓ બચી શકે છે.
‘મજોકઠા સેવા સંગઠન’ના વર્ષ 2023ના વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમમાં ‘રક્તદાન એ જ મહાદાન’ સૂત્રને સાર્થક કરતા જન સામાન્યના લોકલાડીલા આગેવાનશ્રી કાનાભાઇ લખમણભાઇ કાનગડ (કાનાબાપા)નો રક્તતુલા સન્માન સમારોહ 23 જુલાઇ 2023, રવિવારના સવારના 8=00થી સાંજના 5=00 કલાક દરમિયાન માન.શ્રી વજુભાઇ વાળા પૂર્વ રાજ્યપાલ કર્ણાટક રાજ્યની અધ્યક્ષતામાં અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયલ હોલ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મૂળ મજોકઠાના પરંતુ હાલ મોરબી, વાંકાનેર, ચોટીલા, રાજકોટ, બોટાદ, જસદણ, જામનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત વગેરે શહેરોમાં રહેતા પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાનાબાપા રક્તતુલા સન્માન સમારોહમાં ગણમાન્ય રાજકીય તેમજ સામાજિક આગેવાનો સાથે ઓડિટોરીયલ હોલની ક્ષમતા કરતા બમણી સંખ્યામાં લોકોએ હાજરી આપી. એ સાથે રણછોડનગર કોમ્યુનિટી હોલમાં રાખેલ ભોજન સમારંભમાં આશરે બે હજારથી વધુ લોકોએ સ્વરૂચી ભોજનનો આનંદ માણ્યો હતો. સૌથી આનંદની વાત એ છે કે સવારના 9=00થી બપોરના 2=00 વાગ્યા દરમિયાન 350 (ત્રણસો) જેટલા બ્લડ યુનિટ્સનું રક્ત દાતાઓએ રક્તદાન કરતા કાનાબાપા રક્તતુલા સન્માન સમારોહને ભવ્ય રીતે સફળ થયો હતો. જોકે બપોરના 2=00થી રક્તતુલા કાર્યક્રમ શરૂ થતા આશરે 100 (સો) જેટલા રક્તદાતાઓ રક્તદાનથી વંચીત રહી જવાની પીડા તેઓના ચહેરા ઉપર જોવા મળી હતી.
ઢોલ-વાજીંત્રોના નાદ સાથે મજોકઠા સેવા સંગઠનની દીકરીઓએ કંકુ-ચોખાના તિલક કરી માન.શ્રી વજુભાઇ વાળા, કાનાબાપા કાનગડ તથા આમંત્રિત મહેમાનોનું ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત બાબુભાઇ આહીરે ભગવાન શ્રીકૃષ્ણની પ્રાર્થના અને શ્રી વજુભાઇ વાળા તથા મુખ્ય મહેમાનોને હાથે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. કાર્યક્રમના અધ્યક્ષશ્રી વજુભાઇ વાળાને પુષ્પગુચ્છથી જય પ્રકાશભાઇ કાનગડે આવકાર્યા. તથા મજોકઠા સેવા સંગઠન દ્વારા માન.શ્રી વજુભાઇ વાળા, માન.શ્રી કાનાભાઇ કાનગડ, શ્રી ભગવાનજીભાઇ બારડ, શ્રી અરજણભાઇ કાનગડ અને શ્રી વિક્રમભાઇ સુવાનું સાફો બાંધવા સાથે તલવારથી સન્માનિત કરવામાં આવ્યું. એ સાથે સ્ટેજ પર બિરાજમાન પચાસથી વધુ આમંત્રીત મહેમાનોને શાલ-પુષ્પગુચ્છથી મજોકઠા સેવા સંગઠન દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. શ્રી કાનાબાપા કાનગડ રક્તતુલા સન્માન સમારોહમાં શ્રી બલીભાઇ ડાંગર પણ ખાસ ઉપસ્થિત રહેતા શ્રી દેવર્ષભાઇ કાનગડે તેનું શાલ-પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમની રૂપરેખા, મજોકઠા સેવા સંગઠનની પ્રવૃત્તિઓ અને શ્રી કાનાબાપા કાનગડના સંઘર્ષમય જીવન પ્રસંગો સાથે જયંતિભાઇ આહીરે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાનાબાપા કાનગડ રક્તતુલા સન્માન સમારોહમાં આમંત્રિત મહેમાનો શ્રી વિજયભાઇ વાંક, શ્રી વીકે હુંબલ, શ્રી અશોકભાઇ ડાંગર, શ્રી ગોવિંદભાઇ કાનગડ, શ્રી અરજણદ્ભાઇ કાનગડ, શ્રી ઘનશ્યામભાઇ ખાટરીયા, અંબાજી અન્નક્ષેત્ર સમિતિના પ્રમુખ, પરા બજાર એસોસીએશનના પ્રમુખ, શ્રી કરણાભાઇ માલધારી, શ્રી ભગવાનજીભાઇ બારડ વગેરેએ કાનાબાપાના આજીવન સેવા કાર્યોને સન્માનિત કરતા મજોકઠા સેવા સંગઠન દ્વારા આયોજીત રક્તતુલા સન્માનની પ્રશંસા સાથે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. એ સાથે શ્રી કાનાબાપા કાનગડે પોતાના રક્તતુલા સન્માન સમારોહનું આયોજન કરનાર મજોકઠા સેવા સંગઠનની સેવા કાર્યોની પ્રશંસા કરતા ગીતાજીના કર્મ સિદ્ધાંતને આધિન કર્મ કરનાર ક્યારેય દુ:ખી થતા નથી. ભગવાન શ્રીકૃષ્ણ દરેક મનોકામના પૂર્ણ કરતા હોય શ્રીદ્વારકાધીશ પર શ્રદ્ધા રાખવાની વાત કરી હતી.
રક્તતુલા સન્માન સમારોહના અધ્યક્ષ સ્થાનેથી માન.શ્રી વજુભાઇ વાળાએ પોતાના ધારદાર પ્રવચનમાં શ્રીરણછોડરાયની જય બોલાવવા સાથે ભગવાન શ્રીકૃષ્ણના વંશજોને રાજપૂત સમાજની જેમ સંગઠીત થવાની શીખ આપવા સાથે કાનાબાપાની રાજકીય અને સેવાકીય પ્રવૃત્તિના પોતે સાક્ષી હોવાની વાત કરી મજોકઠા સેવા સંગઠન દ્વારા રક્તદાન સાથે રકતતુલાના દરવર્ષે કાર્યક્રમો યોજી સમાજના સન્માનિત વ્યક્તિનું સન્માન કરવાની વાત કરતા આવનાર પેઢી આવા મહાનુભાવો પરથી કંઇક પ્રેરણા લઇ શકે તેવી વાત કરી હતી. કાર્યક્રમના અંતે શરણાઇના સૂર સાથે કાનાબાપા કાનગડની મજોકઠા સેવા સંગઠનના યુવા-યુવતીઓના રક્તદાનથી 6 (છ) કન્ટેનર અને બે પ્લાસ્ટેકની બેગો ભરાઇ તેટલું રક્ત ત્રાજવા સામે મુકવામાં આવતા અટલ બિહારી બાજપાઇ ઓડિટોરીયમ હોલ હર્ષનાદોથી ગુંજી ઉઠ્યો. એ સાથે એક ત્રાજવામાં કાનાબાપા કાનગડ અને બીજા ત્રાજવામાં લોહીના ત્રણ કન્ટેનર મુકતામાં આવતા કાનાબાપાની રક્તતુલા કરવામાં આવી. વધુમાં રક્તદાનથી એકત્ર કરવામાં આવેલા બ્લડ યુનિટ્સના ત્રણ કન્ટેનર અને કન્ટેનર ખુટતા બે મોટી પ્લાસ્ટીક બેગોથી બીજી વખત રક્તતુલા કરવામાં આવે તો પણ બ્લડ યુનિટ્સ વધે તેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હોય કાર્યક્રમના અધ્યક્ષશ્રી વજુભાઇ વાળા સાથે આમંત્રિત મહેમાનો અને મજોકઠા સેવા સંગઠન પરિવારજનોના ચહેરા પર રક્તતુલા સમારોહની સફળતાનો આનંદ જોઇ શકાતો હતો. કાર્યક્રમની આભારવિધિ શ્રી દેવર્ષભાઇ કાનગડે કરી હતી. તથા કાનાબાપા કાનગડ રક્તતુલા સન્માન સમારોહ કાર્યક્રમનું સંચાલન શ્રી જયદીપભાઇ જળુએ ખૂબજ સુંદર રીતે કર્યું હતું. બ્લડ બેંક, સિવિલ હોસ્પિટલ, રાજકોટ ટીમ, અટલ બિહારી બાજપાઇ ઓડિટોરિયમ હોલનો સમગ્ર સ્ટાફ તથા રણછોડનગર કોમ્યુનીટી હોલના ટ્રસ્ટી મંડળ, કાર્યક્રમમાં સુરુચીકર ભોજન તૈયાર કરનાર શ્રીમુળુભાઇની ટીમ, તેમજ સમગ્ર મજોકઠા સેવા સંગઠનના નાના-મોટા દરેક સભ્યોની લાગણી સાથે રક્તદાન સાથે રક્તતુલા સન્માન સમારોહમાં સહયોગ આપવા સાથે કાર્યક્રમનેે જવલંત સફળતા અપાવવા બદલ મજોકઠા સેવા સંગઠન દરેકનો સહૃદયી આભાર માને છે.
