
૨૧ ઓગસ્ટ, ૧૯૦૭ ના રોજ જર્મનીના સ્ટુટગાર્ટ શહેર ખાતે આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભાગ લેવા વિશ્વભરમાંથી એક હજાર પ્રતિનિધિઓ આવ્યા હતા. આ અવસરે ૨૨મી ઓગસ્ટ ૧૯૦૭ ના રોજ તમામ પ્રતિનિધિઓની સમક્ષ એક ભારતીય પારસી મહિલાએ ભારતીય ધ્વજ ફરકાવ્યો અને આ ધ્વજને ‘ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ’ તરીકે ઓળખાવ્યો. વિદેશની ધરતી પર સૌપ્રથમવાર ભારતીય ધ્વજ ફરકાવવામાં આવ્યો અને આ કાર્ય કર્યું ભારતની બહાદુર મહિલા અને સ્વતંત્ર સેનાની ‘મેડમ ભીખાઈજી રુસ્તમ કામાએ’.
આજે ૨૪મી સપ્ટેબરે મેડમ ભીખાઈજી કામાની જન્મજ્યંતી નિમિત્તે બહાદુર મેડમ કામાને યાદ કરીએ, જેમનું સમગ્ર જીવન રાષ્ટ્રસેવા માટે સમર્પિત હતું. તેઓ સાચા અર્થમાં ‘નારીશક્તિનું સ્વરૂપ’ હતા.
પરિષદમાં ધ્વજ ફરકાતા મેડમ કામાએ પોતાના જ્વલંત ભાષણથી બધાને સ્તબ્ધ કરી દીધા અને કહ્યું, “જુઓ, આ ધ્વજ ભારતની આઝાદીનો છે ! તે ભારતીય યુવાનોનાં રક્ત દ્વારા પવિત્ર છે જેમણે તેના સન્માનમાં પોતાના જીવનનું બલિદાન આપ્યું છે. આ ધ્વજના નામે હું વિશ્વભરના સ્વતંત્રતા પ્રેમીઓને આ સંઘર્ષને સમર્થન આપવા અપીલ કરૂં છું.” તેમણે કોન્ફરન્સના પ્રતિનિધિઓને સ્વતંત્ર ભારતના પ્રથમ ધ્વજને ઊભા થઈ સલામી આપવા પણ આપીલ કરી હતી. આ ધ્વજની રચના તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સાથે મળીને કરી હતી. આ આવૃત્તિ કલક્તા ધ્વજની સંશોધિત આવૃત્તિ ગણવામાં આવે છે. વર્તમાન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઈનમાં પણ તેનો પ્રભાવ જોવા મળે છે. આ ધ્વજની સમય જતાં સ્વતંત્રતા કાર્યકર ઈન્દુલાલ યાગ્નિકે બ્રિટિશ ભારતમાં દાણચોરી કરી હતી, જે હાલ પુણેની ‘મરાઠા’ અને ‘કેસરી’ પુસ્તકાલયમાં પ્રદર્શિત છે.

૨૪મી સપ્ટેબર ૧૮૬૧માં મેડમ ભીખાઈજી કામાનો જન્મ નવસારીના સમૃદ્ધ પારસી પરિવારમાં થયો હતો. મુંબઈમાં શરૂઆતનું શિક્ષણ મેળવ્યું હતું. આસપાસના ભારતીય રાષ્ટ્રવાદી ચળવળનાં વાતાવરણથી નાની ઉંમરે પ્રભાવિત થઈ રાષ્ટ્ર ભાવના તરફ ખેચાયા હતાં. મેડમ કામા ભારતીય સ્વતંત્રતા ચળવળનાં સક્રિય સભ્ય હતાં. ઈંગ્લેન્ડમાં ભારતીય સમુદાયમાં સ્વરાજના હેતુનો પ્રચાર કર્યો હતો. મેડમ કામા ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સામેલ બહાદુર મહિલાઓમાંના એક હતાં. તેમણે સ્ત્રીઓને સશક્ત બનાવવા માટે દેશ અને વિદેશમાં અનેક અભિયાનો હાથ ધર્યા તેમજ પ્રદર્શનોનું આયોજન પણ કર્યું હતું. યુરોપમાં વર્ષો સુધી દેશનિકાલ ભોગવ્યો. આ સમય દરમિયાન તેઓએ દેશનિકાલમાં રહેતા નોંધપાત્ર રાષ્ટ્રવાદી સભ્યો સાથે કામ કર્યું.
રાષ્ટ્રીય ચળવળ માટે ક્રાંતિકારી સાહિત્યિક કૃતિઓ લખી અને તેને વહેંચતા પહેલાં સ્વિટ્ઝર્લેન્ડ અને નેધરલેન્ડ્સમાં પ્રકાશિત કરી. આવી જ એક સાહિત્યિક કૃતિ ‘બંદે માતરમ’નું પેરિસથી ભારતીય રાષ્ટ્રવાદી પ્રકાશન હતું. ‘બંદે માતરમ’ બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા વખાણાયેલી રાષ્ટ્રવાદી કવિતા ‘વંદે માતરમ’ ઉપર બ્રિટિશ પ્રતિબંધના પ્રતિભાવ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમણે ‘પેરિસ ઈન્ડિયન સોસાયટી’ની વર્ષ ૧૯૦૯માં સહ-સ્થાપના કરી. તેનાં કાર્યોના ભાગરૂપે ૧૯૦૯માં ક્રાંતિકારી સ્વતંત્રતા સેનાની મદનલાલ ઢીંગરા(વિલિયમ હટ કર્ઝન વાઈલીની હત્યા કરનાર)ના નામ ઉપરથી ભારતીય રાષ્ટ્રવાદી જર્નલ ‘મદનની તલવાર’ની શરૂઆત કરાઈ. આ સાપ્તાહિક બર્લિનથી પ્રકાશિત થતું. આવા પ્રકાશનો ઉપર ભારત અને ઇંગ્લેન્ડમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ભારતીય સ્વતંત્રતાના ક્રાંતિકારી કાર્યકર્તા વિનાયક દામોદર સાવરકરની વાઈલીની હત્યા બાદ ધરપકડ કરાઈ હતી. જહાજ દ્વારા ભારત લઈ જતી વખતે તેઓ કોઈ રીતે ભાગી નીકળ્યા પરંતુ મોડેથી પહોંચતા સાવરકર તેમની રાહ જોતા મેડમ કામા અને બીજા કાર્યકર્તાઓને શોધી શક્યા નહીં અને તેમની ફરીથી અંગ્રેજોએ ધરપકડ કરી લીધી. સાવરકરને બચાવવામાં આ નિષ્ફળતા માટે મેડમ કામાને જીવનભર પસ્તાવો થતો રહ્યો.
મુંબઈમાં ઓક્ટોબર ૧૮૯૬ માં ફાટી નીકળેલા બ્યુબોનિક પ્લેગે અનેક લોકોને ભીંસમાં લીધા હતા. આવા કપરા સમયે પણ મેડમ કામાએ પીડીતોની સારસંભાળમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પીડીતોની મદદ કરતાં તેઓ પણ પ્લેગની ચપેટમાં આવ્યા હતાં પરંતુ સાહસ શક્તિથી તેઓએ આ ગંભીર બીમારીને હરાવી દેશસેવાનું કાર્ય અવિરત પણે ચાલતું રાખ્યું હતું.
તેઓ આઝાદીના બહાદુર કાર્યકર્તાની સાથે સાથે સક્રિય નારીવાદી પણ હતાં. નારીશક્તિ માટે કાર્યો કરતાં સ્ત્રીઓના ભણતર, મતાધિકારના આગ્રહી હતાં. તેઓ લિંગ સમાનતાના સમર્થક હતાં અને એવું માનતા હતાં કે આઝાદી બાદ મહિલાઓને માત્ર મતાધિકાર જ નહિં પરંતુ અન્ય અધિકારો પણ મળશે. આજની યુવા પેઢી માટે મેડમ ભીખાઈજી કામા પ્રેરણારૂપ છે. તેઓની દેશની આઝાદી માટેની ઈચ્છાશક્તિ આજે પણ દેશપ્રેમની ભાવના પ્રજ્વલિત કરાવે છે. સાચા અર્થમાં નારીશક્તિ માટે કાર્યો કરવાની પ્રેરણા પૂરી પાડે છે. આજે ૧૬૧ મી જન્મજયંતિ પર મેડમ કામાએ દર્શાવેલા દેશભક્તિના પથ ઉપર આગળ વધી દેશના વિકાસમાં પોતાનો હિસ્સો આપી મેડમ કામાને હ્રદયપૂર્વક યાદ કરીયે.