અમદાવાદના માંડલ ખાતે તાલુકા કક્ષાનો કૃષિમેળો અને પ્રાકૃતિક કૃષિ સંવાદનું આયોજન

શ્રીઅન્નનું વાવેતર વધારવા તેમજ દૈનિક આહારમાં સામેલ કરવા આહવાન

ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ, અમદાવાદ જિલ્લા પંચાયત તેમજ માંડલ તાલુકા પંચાયતના સભ્યોએ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું કર્યું સન્માન

આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ -૨૦૨૩ અંતર્ગત જાડા ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે તાલુકા કક્ષાનો ‘મિલેટ મેળો’ તથા ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

માંડલ સ્થિત ઉમિયાવાડી ખાતે વિરમગામના ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે શ્રી હાર્દિક પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૩ને આંતરરાષ્ટ્રીય તૃણ ધાન્ય વર્ષ તરીકે જાહેર કર્યું છે. શ્રીઅન્નનું વર્ષોથી આપણે વાવેતર કરતા આવ્યા છીએ. ત્યારે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર પણ પ્રાકૃતિક કૃષિ વ્યાપ વધારવા માટે કટિબદ્ધ છે.

શ્રી હાર્દિક પટેલે જણાવ્યું કે, નાગરિકોના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ આવશ્યક બની રહી છે. આરોગ્યની જાળવણી માટે પણ તેમણે ખેડૂતોને મિલેટસનું વાવેતર કરવા આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ વિશે જાગૃતતા ફેલાવવા સરકાર સતત પ્રયત્નશીલ છે એમ જણાવી, પ્રાકૃતિક ખેતી અપનાવી તે સૌથી મોટી માનવસેવા અને રાષ્ટ્ર સેવા છે એમ તેમણે ઉમેર્યું હતું.

આજના પ્રસંગે પ્રાકૃતિક ખેતીને વિસ્તારવા માટે પ્રયત્નશીલ ખેડૂતોને ધારાસભ્ય શ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. સાથોસાથ ખેતીવાડી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ માટેના લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મિલેટ પાકો, પ્રાકૃતિક કૃષિ, ખેત ઓજારો, મિલેટ વાનગી બાબતે માહિતી મળી રહે તે માટે  વિવિધ સ્ટોલ ઉભા કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે માંડલ એ.પી.એમ.સીના ચેરમેન, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, કારોબારી ચેરમેનશ્રી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, આત્માના પ્રોજેકટ ડાયરેકટરશ્રી, આણંદ કૃષિ યુર્નિવર્સીટી તથા કે.વી.કે.ના વરિષ્ઠ વૈજ્ઞાનીકો, મદદનીશ ખેતી નિયામકશ્રીઓ, ખેતીવાડી તથા બાગાયત વિભાગના  અધિકારીશ્રીઓ, સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

તમારો પ્રતિભાવ આપો

Your email address will not be published. Required fields are marked *