
કેબિનેટ મંત્રીશ્રી કુવરજીભાઈ બાવળીયાએ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી કારીગરોની કામગીરીને બિરદાવી



પોરબંદર
વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પોરબંદર સમિટ પોરબંદર ખાતે યોજાઇ હતી. જેમાં રૂ.૪૪૯ કરોડના ૫૪૬ એમ.ઓ.યુ. થયા હતા. પોરબંદર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પોરબંદર કાર્યક્રમમા મંત્રીશ્રી સહિત મહાનુભાવોએ પ્રદર્શનનું ઉદઘાટન કર્યું હતું. પોરબંદર જિલ્લાના કુશળ કારીગરો, સખી મંડળની બહેનો તથા નાના ઉદ્યોગ સાહસિકો દ્વારા પોતે તૈયાર કરેલી પ્રોડક્ટનું પ્રદર્શન તથા કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા તથા સ્કીલ ઇન્ડિયાને પ્રોત્સાહન મળે તે માટે અને યુવા ધન પોતાને ગમતો વ્યવસાય સ્ટાર્ટઅપ કરી શકે તે માટે સરકારશ્રીની યોજનાઓ દ્વારા યુવાનોની સ્કિલને બુસ્ટ આપવા તેઓને આર્થિક મદદ અને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. પોરબંદર ખાતે યોજાયેલ પ્રદર્શનમાં બોરથી બનેલી ચોકલેટ, સખી મંડળની બહેનો દ્વારા બાજોઠ, તોરણ, મુખવાસ, એલોવેરાની પ્રોડક્ટ, અગરબત્તી, દિવડા સહિતની વસ્તુઓ તથા હાથ વણાટની વસ્તુઓ, ઓર્ગેનિક શાકભાજી, એસબીઆઇ આરસેટીના બહેનો દ્વારા સાબુ સહિતની વસ્તુઓનું પ્રદર્શન કરવાની સાથે આત્મા કૃષિ કેન્દ્ર સાથે સંકળાયેલ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેત પેદાશો જેવી કે શાકભાજી, ધાન્ય પાક, કઠોળ પાક તથા દેશી ગાયનું શુદ્ધ ઘી, મગફળીનું તેલ વગેરે બનાવટોનું પ્રદર્શન કરાયું હતું. મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રદર્શન નિહાળી કારીગરોની કામગીરીને બિરદાવી હતી.
