કચ્છ જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ

સરકારની શ્રેષ્ઠતમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના અથાગ પરિશ્રમથી રાજય કૃષિ ઉત્પાદનમાં અગ્રેસરઃ

પૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપાઇના જન્મ દિવસને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છ જિલ્લાના તમામ તાલુકા મથકોએ સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજાયા જેમાં અંજાર ખાતે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને સુશાસન દિવસની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના અવિરત વિકાસ થકી ગુજરાત રાજયએ સમગ્ર દેશમાં આગવી ઓળખ ઉભી કરી છે. આજે રાજય, દેશના વિકસિત મજબૂત ઉભરતા રાજયની સિધ્ધિ હાંસલ કરી દેશના બાકીના રાજયો માટે દીવાદાંડી બન્યું છે. રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓ જેવી કે, સોઇલ હેલ્થ કાર્ડ, નવીન ટેકનોલોજી સાથે ખેડૂતોને જોડી રાખવા માટે કૃષિમહોત્સવ, કૃષિ કલ્યાણ અભિયાન, જળસંચયના ઘનિષ્ઠ પ્રયાસો, ઓછા સમયમાં વધુ કાર્યક્ષમ રીતે વધુ વિસ્તારને આવરી લઇ વધુ ખેત ઉત્પાદન મેળવવા માટે કૃષિયાંત્રિકરણ, ખેત પેદાશોના પોષણક્ષમ ભાવો, ખેડુતોને અકસ્માતે થતાં અપંગતા, મૃત્યુ સામે વિમા કવચ, સિંચાઇ માટે નકકી વીજ પુરવઠો જેવી અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લઇ રાજયના ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે નવા આયામો પ્રસ્થાપિત કર્યા છે. લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી દ્વારા આત્મનિર્ભર ભારતનો મંત્ર આપી સમગ્ર રાષ્ટ્રને કોવીડ-૧૯ના આ આફતના સમયમાં અર્થતંત્રને ફરીથી ધબકતું કરવાના આશય સાથે વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂકેલ છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, રાજયનો ૫૮ ટકા વિસ્તાર સૂકો તેમજ અર્ધસૂકો હોવા છતાં પણ સરકારની શ્રેષ્ઠતમ કિસાન હિતલક્ષી યોજનાઓ અને ધરતીપુત્રોના અથાગ પરિશ્રમથી આજે આપણું રાજય કૃષિ ઉત્પાદનમાં દેશમાં અગ્ર સ્થાને છે.
ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, રાજયના પતોના પુત્ર અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ હંમેશા લોકહિતના નિર્ણયો લીધા છે. તેમણે વધુમાં કહયું કે, ખેડૂતલક્ષી યોજનાઓ માટે રાજય તેમજ કેન્દ્ર સરકારે સતત દરકાર લીધી છે.
આ તકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જીવંત પ્રસારણ માધ્યમો થકી દેશના સાત જેટલા વિવિધ રાજયોના ખેડૂતો સાથે સંવાદ સાંધ્યો હતો અને કૃષિ બિલ વિશે ખેડૂતોને સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કૃષિબિલ ખેડૂતો માટે હિતકારી છે. ખેડૂતો ભ્રમિત પ્રચારથી દુર રહે. પ્રધાનમંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અંતર્ગત સહાયનો નવો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરાવાયો હતો. જેમાં અંદાજે ૯ કરોડની વધુ ખેડૂતોને ૧૮ હજાર ૫૮ કરોડથી વધુની સહાયની રકમ ડીબીટી મારફતે જમા કરાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા. મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, રાજય સરકાર ખેડૂતોની પડખે ટેકો બનીને ઉભી છે. કાંટાની વાડની સબસીડી, ખેતરમાં ગોડાઉન, ફેરીયાની છાંયા માટે છતરડી, ખેત મજુરોને તકલીફ ન પડે તે માટે સાધનો, પ્રાકૃતિક ખેતી માટે ગાયની માવજત અને જીવામૃત બનાવવા માટે કિટ આપીને સરકારે ખેડૂતોને ઝેરમુકત ખેતી કરી સમાજને તદુરસ્ત બનાવવા માટે સહાય સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સાત પગલાં ખેડુત કલ્યાણ યોજના થકી ખેડૂતોના ઉત્થાન માટે નવી દિશાઓ ખોલવામાં આવી છે. આ પ્રસંગે યોજના અંતર્ગત ખેડુતોને સંપૂર્ણ દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ દ્વારા જીવામૃત બનાવવા સારુ લાભાર્થીઓને નિદર્શન કીટમાં ૭૫ ટકા સહાયની યોજના, કૃષિ ઉત્પાદનોમાં પરિવહન માટે મીડીયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના, ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પુરા પાડવાની યોજના, ખેડુતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના, સર્વગ્રાહી યોજનાઓના લાભાર્થીઓને સાધન સામગ્રી સાથે સહાય વિતરણ કરવામા આવ્યુ હતુ. ઉપરોક્ત તમામ યોજનાઓના લાભાર્થીઓને મંત્રીશ્રી તેમજ અગ્રણીઓ દ્વારા સહાય એનાયત કરવામા આવી હતી.
આ પ્રસંગે માનવ ગરિમા યોજના હેઠળ ૧૦૦ જેટલા લાભાર્થીઓને ટુલકિટસનું મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ ઉપરાંત હસ્તકળા ક્ષેત્રે સમગ્ર રાજયમાં અગ્રસ્થાન ધરાવતાં કચ્છ જિલ્લાના વિવિધ હસ્તકળાના ૧૮ જેટલા રાજયકક્ષાના એવોર્ડ વિજેતા કારીગરોનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં આત્મા પ્રોજેકટ દ્વારા સંચાલિત અમૃત આહાર વિતરણ કેન્દ્રને મંત્રીશ્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ તકે ફરતું પશુ દવાખાનાને પણ મંત્રીશ્રી દ્વારા પ્રસ્થાન કરાવાયું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણા ડી.કે., નાયબ ખેતી નિયામકશ્રી વાઘેલા તેમજ ખેતીવાડી વિભાગના અધિકારીઓ, તેમજ અન્ય વિભાગોના અધિકારી/કર્મચારીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ અંજાર પ્રાંત અધિકારી ડો.વિમલ જોશી દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઇઝર સાથે ટેમ્પ્રેચર ગનથી તાપમાન ચેક કરીને બેઠકના સ્થળે ખેડુતોને પ્રવેશ સહિતની તમામ તકેદારીઓ રાખવામાં આવી હતી.

અજય ખત્રી કચ્છ

KAMALAM DAILY

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

SCAM SCAM