
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની દુરદર્શિતા થકી આજે છેવાડાના માનવીને પોતાના ઘર આંગણે દરેક યોજનાઓનો લાભ મળી રહ્યો છે – પ્રભારીમંત્રી શ્રી રાજપૂત


ઇકબાલ મેમણ હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના વકતાપૂર ખાતે જિલ્લા પ્રભારી અને ઉદ્યોગ મંત્રી શ્રી બળવંતસિહ રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. ગ્રામજનોએ રથના આગમનને ઉમળકાભેર વધાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, દૂરંદેશી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના માનવીની નાની-નાની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને વિવિધ યોજનાઓ કાર્યરત કરી લોકોને ઘર આંગણે લાભ આપ્યા છે.
ગુજરાતના "વિકસિત ભારત સંકલ્પ યાત્રા"ની પરિકલ્પના થકી ભારતના સુવર્ણ સમયગાળાને ઉજવણીના પ્રસંગને યાદ કરી દરેક વ્યક્તિ દરેક યોજનાનો લાભ મેળવી લોકો દેશના વિકાસમાં સામેલ થાય તથા દેશ આઝાદીના સુવર્ણકાળ સમયે સમૃદ્ધિના શિખરે પહોંચે તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ તકે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ૧૦૦% નળ જોડાણની સિદ્ધિ માટે પ્રશસ્તિ પત્ર, ૧૦૦% લેન્ડ રેકોર્ડ ડીઝિટલાઇઝેશન માટે ભૂમિ સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. ગામના સફળ મહિલા ખેલાડી તેમજ ખેલાડીઓનું સન્માન કર્યું હતું.
આ અવસરે લોકોએ દેશની એકતા, અખંડિતતા અને પ્રભુતા જાળવી રાખવા સાથે દેશને ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે પુરુષાર્થ કરવાનો સંકલ્પ લીધો હતો.
આ કાર્યક્રમ બાદ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે નેનો યુરીયા ડ્રોન પ્રદર્શન યોજાયું હતું.
આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભૂમિકાબેન પટેલ , જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, હિંમતનગર પ્રાંતશ્રી જયંત કિશોર, તાલુકા વિકાસ અધિકારીશ્રી , સરપંચશ્રી તેમજ અગ્રણીશ્રીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
